SURAT

સુરત : પુત્રવધૂએ સાસુને માર્યો માર,પડોશીઓએ વિડીયો વાયરલ કર્યો

SURAT : છ મહિના પહેલા પતિના અવસાન બાદ 85 વર્ષના વૃદ્ધા સુરતમાં પુત્રોને ત્યાં રહેવા આવ્યા હતા, પરંતુ અહીં પુત્રવધુ અને સંતાનોએ જ માતાને તરછોડી અમાનવીય વ્યવહાર કર્યો હતો. પુત્રવધુ દ્વારા સાસુ ઉપર વારંવાર હાથ ઉપાડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સામે રહેતી એક જાગૃત યુવતીએ પોતાના કેમેરામાં કેદ ( camera ) કરી વરાછા પોલીસને ( VARACHA POLICE) બતાવ્યો હતો. પુત્રવધુ અને સંતાનોના ત્રાસથી વૃદ્ધાને ઉગારીને અમરોલીના વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવ્યા હતા, બીજી તરફ માતાએ માનવતા દાખવી હતી અને પુત્ર કે પુત્રવધુ સામે કોઇ કાયદાકીય પગલા નહીં લેવા પોલીસને જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ ભાવનગરના તળાજા તાલુકાના રાજપરા ગામના વતની કાંતાબેન સોલંકી (ઉ.વ.85)ના પતિ ગીરધરભાઇનું છ મહિના પહેલા અવસાન થયું હતું. ત્યારબાદ તેઓ વતન છોડીને સુરતમાં વરાછા કમલાપાર્ક સોસાયટીમાં ગંગા એપાર્ટમેન્ટમાં રહેતા પુત્રને ત્યાં રહેવા માટે આવ્યા હતા. કાંતાબેનને ત્રણ સંતાનો છે, તેઓએ એક-એક મહિના માટે વારાફરતી માતાને રાખવા માટે નક્કી કર્યું હતું. તેમાંથી ત્રીજા નંબરની પુત્રવધુ તરૂણાબેન સોલંકીએ કાંતાબેનને બહાર બાલ્કનીમાં મુકીને તેને ત્રાસ આપતા હતા. વારંવાર તેઓને તમાચા મારીને મારજૂડ પણ કરતા હતા. આ દરમિયાન સામે રહેતી એક યુવતીએ આ સમગ્ર ઘટનાનું શૂટીંગ કરી લીધું હતું.

આ વીડિયો વરાછા પીઆઇને બતાવવામાં આવ્યો હતો. વરાછા પીઆઇએ એક મહિલા ટીમ સાથેનો સ્ટાફ મોકલ્યો હતો અને કાંતાબેનને બચાવ્યા હતા. કાંતાબેનએ પોતાની આપવીતિ કહેતા પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. પોલીસે પુત્રો અને પુત્રવધુની સામે ફરિયાદ નોંધાવવા માટે કહ્યું હતું, પરંતુ કાંતાબેનએ માનવતા દાખવી હતી અને કોઇ કાયદાકીય પગલા નહીં ભરવા પોલીસને કહ્યું હતું. આ ઉપરાંત કાંતાબેનએ એકાંતની જીંદગી જીવવા અને અન્ય વૃદ્ધ લોકોની સાથે રહેવા માટે વૃદ્ધાશ્રમનો રસ્તો પસંદ કર્યો હતો. પોલીસે કાંતાબેનને અમરોલી-છાપરાભાઠા રોડ ઉપર આવેલા શાંતિદૂત મહિલા મંડળ વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યા હતા.

Most Popular

To Top