Surat Main

સુરતમાં 170 દિવસ પછી કોરોનાથી એક મોત

સુરત: (Surat) સુરત શહેરમાં લાંબા સમય પછી બુધવારે કોરોનાના 16 કેસ નોંધાયા છે. આ સાથે જ બુધવારે કોરોનાથી (Corona) એક મોત નોંધાયુ છે. છેલ્લા 5 મહિનાથી શહેરમાં મોટાભાગે એકી સંખ્યામાં કેસ (Case) નોંધાઈ રહ્યા હતાં. લગભગ 5 મહિના બાદ પહેલીવાર 16 કેસ નોંધાયા છે. જેને કારણે હવે તંત્રમાં ચિંતા વધી છે. બીજી તરફ કોરોનાથી મૃત્યુ પણ 5 મહિના પછી થયું છે. જેને કારણે હવે આવનારા સમયમાં તંત્ર કોવિડ ગાઈડલાઈનને લઈ વધુ કડકાઈ કરી શકે છે.

  • સુરતમાં કોરોનાના કેસમાં ઉછાળો, લગભગ 5 મહિના બાદ શહેરમાં 16 કેસ નોંધાયા
  • સુરતમાં 170 દિવસ બાદ મોત નોંધાયું
  • ભટારના 70 વર્ષના વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં મોત

સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં કોરોનાથી એક મોત નોંધાયુ છે. ભટારના 70 વર્ષના વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. તેઓ હૃદય રોગ તેમજ અસ્થમાની બીમારીથી પીડાતા હતા. 17 દિવસ પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ મલ્ટીપલ ઓર્ગન ફેઈલર થતાં 15 ડિસેમ્બરે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જાણવા મળ્યા મુજબ તેમણે કોવિડ રસીનો એકપણ ડોઝ લીધો ન હતો.

બીજી તરફ લાંબા સમય બાદ કોવિડને કારણે મોત થવાથી તંત્ર દોડતું થયું છે. સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં છેલ્લે 5 જુલાઈ 2021ના રોજ કોવિડને કારણે મોત નોંધાયું હતુ. ત્યારબાદ 170 દિવસ બાદ મોત નોંધાયુ છે. અત્યાર સુધી સુરતમાં 1 લાખ 11 હજાર 990 કેસ નોંધાયા છે. બુધવારે જે 16 કેસ નોંધાયા છે તેમાં વરાછા-એ માં 1, રાંદેરમાં 8 તથા અઠવા વિસ્તારમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે રિકવરી રેટ 98.48 ટકા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 16 કેસ નોંધાયા હતા. છેલ્લે 2 જી જુલાઈએ શહેરમાં 18 કેસ નોંધાયા હતા અને ત્યારબાદ સતત કેસમાં ઘટાડો જ નોંધાયો હતો અને હવે પાંચ મહિના બાદ શહેરમાં 16 કેસ નોંધાયા છે.

રાંદેર ઝોનમાં જહાંગીરપુરાની અંકુરપાર્ક સોસાયટીમાં દિકરો અને તેના પિતા એમ એક જ ઘરના બે સભ્યો સંક્રમિત થયા હતા. તેમજ આનંદમહલ રોડ પર આવેલી શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા પતિ-પત્ની કે જેઓ દુબઈથી પરત ફર્યા હતા તેઓ સંક્રમિત થયા છે. અને એલ.પી.સવાણી રોડ પર આવેલી શિલાલેખ સોસાયટીમાં એક જ ઘરમાં પતિ અને પત્ની પોઝિટિવ મળી આવ્યા છે. તેમજ અઠવા ઝોનમાં પાર્લે પોઈન્ટ વિસ્તારમાં સોમનાથ સોસાયટીમાં રહેતા અને કાશી વિશ્વનાથથી પાછા ફરેલા પતિ અને પત્ની પોઝિટિવ આવ્યા હતા.

Most Popular

To Top