Business

સુરતના મિલમાલિકોની હોળી પહેલાં હૈયા હોળી પ્રગટી: આયાતી કોલસાનો 12 દિવસમા ભાવ આટલો થયો

સુરત: સુરતના (Surat) મિલમાલિકો માટે હોળી (Holi) પહેલાં હૈયા હોળી પ્રગટે એવા દિવસ આવ્યા છે. કાપડ માર્કેટમાં રમઝાન ઇદની સિઝન જામે એ પહેલા જ કોલસાના (Coal) ભાવ ખાનગી પ્લેયરોની સિન્ડિકેટે વધારી મિલમાલિકોએ ભીંસ વધારી છે. ગુજરાતનાં પાડોશી રાજ્યો અને ઉત્તર ભારતના બિહાર, યુપી, ઝારખંડ, દિલ્હી, કોલકાતા, કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશમાંથી રમઝાન ઇદના તહેવારો માટે ડ્રેસ મટિરિયલ, દુપટ્ટા, અબાયા અને સાડીના ઓર્ડર મળવાના શરૂ થતાં માર્કેટમાં હળવી ડિમાન્ડ નોંધાઇ હતી. વેપારીઓએ મિલોમાં જોબવર્કના ઓર્ડર આપ્યા એવા સમયે જ સુરતમાં કોલસાના મોટા સપ્લાયરોની સિન્ડિકેટે આયાતી કોલસો ઇમ્પોર્ટ કરનાર મોટી કોર્પોરેટ કંપનીનો સ્ટોક પૂરો થયાની માહિતી મેળવી છેલ્લા 12 દિવસમાં ઇન્ડસ્ટ્રિયલ કોલસાના ભાવ 2000 રૂપિયા વધારી દીધા છે.

સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જિતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે શિયાળામાં ક્રૂડ અને લિગ્નાઈટના ભાવ વધતા હોય છે. આ વખતે આશ્ચર્યજનક રીતે ઉનાળામાં પણ ભાવો વધ્યા છે. મોટી કંપનીનો સ્ટોક પૂરો થયાના મેસેજ વહેતા થયા પછી માત્ર 12 દિવસમાં કોલસાના ભાવો ટન દીઠ 2000 વધી ગયા છે. જેના લીધે મિલોની પ્રોડક્શન કોસ્ટ 25 % વધી જશે. સામે તહેવારની સિઝન છે એવા સમયે આ ભાવો વધી ગયા છે. એમાં ડોલર ઇફેક્ટ પણ મહત્ત્વની છે. એસોસિએશને સરકારને લિગ્નાઈટના ભાવ અંકુશમાં લેવા અને ભાવ માર્કેટની સ્થિતિ મુજબ ઓછા કરવા અગાઉ માંગ કરી છે. સરકાર હસ્તકની જીએમડીસીના અધિકારીઓએ લિગ્નાઈટનું ઉત્પાદન વધારી ભાવો ઘટાડવા અપીલ કરી છે. લિગ્નાઈટનો દર સતત વધીને લગભગ બમણો થઈ ગયો છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માંગ ઘટતાં કોલસાના દરમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો એને બ્રેક લાગી હતી, પણ ફરી ભાવો મૂળ સ્થિતિમાં આવી ગયા છે. છે. જીતુ વખારિયાએ વધુમાં જણાવ્યું હતું કે, હોળી-ધુળેટીના પર્વ પછી મિલમાલિકો ભાવની સમીક્ષા કરી બજારની સ્થિતિ મુજબ નિર્ણય લેશે.

Most Popular

To Top