SURAT

ગ્લોબલ વોર્મિંગને આમંત્રણ આપતા સુરતમાં કરોડો રૂપિયાની ચીંધીનાં ગોડાઉન

સુરત: સુરત (Surat) શહેરમાં છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણ (Pollution) કેટલીક મિલો (Mils) દ્વારા વપરાતા ચીંધી (Chindhi) અને પ્લાસ્ટિક (Plastic)ના બળતણ તરીકે થતા ઉપયોગને કારણે થાય છે. આ પ્રદૂષણ કેટલાક ચીંધી વેચતા વેપારીઓને કારણે થઇ રહ્યું છે. પાંડેસરા (Pandesara) અને સચિન જીઆઇડીસી (Sachin gidc)માં મોટાપાયે મિલો સાથે કોન્ટ્રાક્ટ કરી વર્ષે કરોડો રૂપિયાની ચીંધી અને પ્લાસ્ટિકનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. અને તેમ છતાં જીપીસીબી આંખ આડા કાન કરી કુંભકર્ણની નિદ્રામાં છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું જીઆઈડીસીની ઉદ્યોગકારો ઉપર કોઈ નિયંત્રણ ન રહેતાં શહેર પ્રદૂષણમાં ધકેલાયું છે. જીપીસીબીના પાપે શહેરમાં વધતું પ્રદૂષણ લોકોના સ્વાસ્થ્યને ખોખલું કરી રહ્યું છે. પરંતુ લાપરવાહ બનેલા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માટે પ્રદૂષણનો મુદ્દો ગૌણ હોય તેમ માત્ર તપાસ પર તપાસ થઇ રહી છે. પરંતુ તેમાં કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યાં નથી. પાંડેસરા, સચિન અને કડોદરા જીઆઈડીસીમાં કેટલાક મિલ સંચાલકો ચીંધી અને પ્લાસ્ટિકના બળતણનો ઉપયોગ કરી પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. આ અંગે ગાંધીનગર વિજિલન્સ તપાસ કરી ગઈ છતાં કોઇ પગલાં લેવાયાં નથી. હવે પાંડેસરા જીઆઇડીસીમાં બબલુ અને કાલુ નામના બે માથાભારે કોન્ટ્રાક્ટરો કરોડો રૂપિયાનો ચીંધીનો વેપાર કરી રહ્યા છે. મિલો સાથે વાર્ષિક કોન્ટ્રાક્ટ કરી તેમને પ્રતિ ટન બે હજારના ભાવે ચીંધી અને પ્લાસ્ટિક પૂરું પાડવામાં આવી રહ્યું છે.

પાંડેસરા અને સચિન જીઆઈડીસીમાં ચીંધીનાં ગોડાઉન

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભૂતકાળમાં સચિન જીઆઇડીસી વિસ્તારમાં ગોડાઉન ધરાવતા ચીંધીના વેપારીઓ સામે પોલીસે કડક રાહે પગલાં ભર્યાં હતાં. આ ચીંધી વેપારીઓને કારણે ચીંધી બાળતાં પ્રદૂષણ ફેલાવતા આસપાસના રહીશોએ વાંધો ઉઠાવ્યો હતો. જેના પગલે જીપીસીબીને ઊંઘમાંથી ઊઠી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. બાદ પોલીસે તપાસ કરતાં ચીંધી વેપારીઓ સામે પગલાં ભર્યાં હતાં. હવે આ વેપારીઓ ફરી સક્રિય થયા છે અને પ્રદૂષણ ફેલાવવા માંડ્યા છે.

કાલુ અને બબલુનું ઉપર સુધી સેટિંગ!
ભાગ્યલક્ષ્મી, સુમતિ, શાલુ સહિતના મિલ સંચાલકો આ કાલુ અને બબલુ પાસેથી વર્ષે લાખો રૂપિયાની ચીંધી ખરીદી કરી તેનો ઉપયોગ બળતણ તરીકે કરી રહ્યા છે. પરંતુ જીપીસીબીને આ અંગે કોઈ જાણ ન હોવાનું કહી રહી છે. જીપીસીબીને આ અંગે લેખિત ફરિયાદો મળી હોવા છતાં કેમ આ મિલો સામે કોઇ કાર્યવાહી કરાઇ નથી એ મોટો પ્રશ્ન છે. આ કાલુ અને બબલુ લાખો રૂપિયાનું સેટિંગ સ્થાનિક કચેરીથી લઈ ગાંધીનગર સુધી કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

Most Popular

To Top