SURAT

હિમાચલ પ્રદેશથી સુરત લાવી ચોરી છુપીથી ચાલતું હતું ચરસ વેચવાનું રેકેટ

સુરત: શહેરના ભટાર ખાતે રહેતા અને મિસ્ત્રીકામ કરનાર હિમાચલ પ્રદેશ (Himachal pradesh)થી ચરસ (Charas) મંગાવી વેચાણ કરતો હતો. એસઓજી (SOG)એ બાતમીના આધારે હિમાચલથી ચરસ આપવા આવેલા પેડલર (Paddler) અને ખરીદનાર (Buyer) મિસ્ત્રીને ઝડપી પાડી વધુ એક રેકેટ (racket)નો પર્દાફાસ કર્યો હતો.

એસઓજી પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાનને હિમાચલ પ્રદેશ ખાતેથી પ્રતિબંધિત ચરસ લાવી સુરત (Surat) શહેર વિસ્તારમાં વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે એસઓજીની ટીમ રૂપાલી નહેર ભટાર રોડ મંગલમ્ ફ્લેટ્સની સામે પટેલ ઓપ્ટિકલ્સની બાજુમાં વોચ ગોઠવી હતી. એસઓજીની ટીમે આરોપી રાહુલ બાંસુકીનાથ બંકા (ઉં.વ.32) (રહે., ઘર નં.એ/૨૫ સ્વામી ગુણાતીતનગર સોસાયટી, રૂપાલી નહેર પાસે, ભટાર રોડ, સુરત) તથા ફ્લેટ નં.ડી/916 સેન્ટોસા હાઈટ્સ આશીર્વાદ એન્કલેવની સામે, અલથાણ, ભીમરાડ) અને હુકમરામ નરોત્તમ (ઉં.વ.47) (રહે.,ગામ ઢીંગલી, પોસ્ટ-થાયી, થાના-બાલીચોકી, જિ.મંડી, હિમાચલ પ્રદેશ)ને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી અંગજડતીમાં પ્રતિબંધિત ચરસનો જથ્થો વજન 488 ગ્રામ, કિંમત 2.44 લાખ મળી આવ્યો હતો. ટુ-વ્હીલર ગાડી, રોકડા તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 3.06 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આરોપીની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે, હિમાચલ પ્રદેશ ખાતેથી ચરસ મંગાવી સુરતમાં ચોરીછૂપીથી તેનું વેચાણ કરતા હતા. રાહુલ હિમાચલ પ્રદેશ ખાતે રહેતા રૂપલાલ અને પીરસિંગ પાસેથી મંગાવતો હતો. મોતીરામ વચેટિયો છે અને સુરતમાં હુકમરામ ચરસનો માલ આપવા માટે આવતો હતો. હિમાચલ પ્રદેશથી હુકમરામ સુરત આવતા એસઓજીએ તેમને ચરસની લેતી-દેતી કરતા પકડી પાડ્યા હતા. જ્યારે રૂપલાલ, મોતીરામ અને પીરસિંગને વોન્ટેડ જાહેર કરાયા છે. રાહુલ ભટાર અને વેસુ તથા વરાછા વિસ્તારમાં એક તોલા 3500થી 5000ની કિંમતે વેચતો હતો.

હુકમરામ પાંચમી વખત સુરત આવ્યો હતો, એક ફેરાના 25 હજાર મળતા હતા
સુરતમાં રાહુલ પહેલા ટેક્સટાઈલ માર્કેટમાં નોકરી કરતો હતો. ત્યારબાદ તે હાલ મિસ્ત્રીકામ કરતો હતો. અને તે આણંદ હતો ત્યારથી તેને પીવાની લત લાગી હતી. બાદ હિમાચલ પ્રદેશ ફરવા ગયો ત્યારે તેને ચરસ વેચવા અને ખરીદવાની લાઈન મળી હતી. તેને ચરસ આપવા માટે પેડલર હુકમરામ પાંચમી વખત સુરત આવ્યો હતો. આ પહેલા આવ્યો ત્યારે પોલીસના હાથે બચી ગયો હતો. પરંતુ આ વખતે એસઓજીએ તેને ઝડપી પાડ્યો હતો. હુકમરામને એક ફેરાના 25 હજાર રૂપિયા મળતા હતા.

3 મહિના પહેલાં પણ હિમાચલ પ્રદેશથી ચરસ લાવતા પકડાયા હતા
આ અગાઉ પણ ત્રણ માસ પહેલા અમરોલી-અબ્રામા ચેકપોસ્ટ પાસેથી ત્રણ આરોપીને હિમાચલ પ્રદેશ ખાતેથી ચરસ લાવી સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયાસ કરતાં ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચરસનો જથ્થો વજન 4.684 કિલોગ્રામ કિમત 23.42 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. તે ગુનામાં હિમાચલ પ્રદેશના ચરસના મુખ્ય સપ્લાયરોને પણ ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

Most Popular

To Top