SURAT

સુરતના ઉદ્યોગપતિ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને 1.25 લાખની ચાંદીની ગદા ભેંટમાં આપશે

સુરત: છેલ્લાં કેટલાંય સમયથી ચમત્કારો માટે ચર્ચામાં રહેલા બાગેશ્વર ધામના (BageshwarDham) બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી (DhirendraShashtri) સુરતમાં આવી રહ્યાં છે ત્યારે તેમના સ્વાગત માટે સુરતમાં (Surat) જોરશોરથી તૈયારી ચાલી રહી છે. સુરતના એક ઉદ્યોગપતિએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેંટમાં આપવા માટે વિશેષ ચાંદીની ગદા (silver mace) બનાવડાવી છે. સુરતના જ્વેલર્સ દ્વારા આ હેન્ડમેડ ગદા તૈયાર કરવામાં આવી છે, જેનું વજન 1161 ગ્રામ હોવાનું કહેવાય છે, જેની કિંમત અંદાજે 1.25 લાખ માનવામાં આવે છે.

  • સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતની જોરશોરથી તૈયારી
  • ધીરન્દ્ર શાસ્ત્રી 26 અને 27મી મેના રોજ સુરતમાં દિવ્ય દરબાર યોજશે
  • લિંબાયત ખાતે યોજાનાર દિવ્ય દરબારમાં 2 લાખથી વધુ ભક્તો ઉમટે તેવી ધારણા
  • સુરતના ઉદ્યોગપતિ સાંવરપ્રસાદ બુધિયાના ઓર્ડર પર ડી.ખુશાલદાસ દ્વારા ચાંદીની ગદા બનાવાઈ

હનુમાનજીને ગદા પ્રિય છે અને ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાનજીના પરમ ભક્ત છે, તેથી તેઓને સ્મૃતિ સ્વરૂપે ગદા ભેંટમાં આપવાના હેતુથી સુરતના ઉદ્યોગપતિ સાંવરપ્રસાદ બુધિયાએ પારલે પોઈન્ટના જ્વેલર્સ ડી. ખુશાલદાસ પાસે આ ગદા બનાવડાવી છે. આ ગદા 15 દિવસમાં તૈયાર કરવામાં આવી છે. ચાર નિષ્ણાત કારીગરો દ્વારા હેન્ડમેડ ગદા બનાવાઈ છે.

જ્વેલર્સ દિપક ખુશાલદાસના જણાવ્યા અનુસાર આગામી તા. 26 અને 27મી મે ના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં આવી રહ્યાં છે. અહીં તેઓ લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં બે દિવસીય દિવ્ય દરબાર યોજવાના છે, તેની પૂરજોશથી તૈયારી ચાલી રહી છે ત્યારે તેમના સ્વાગત માટે સુરતના કાપડ ઉદ્યોગપતિ રામભક્ત સાવરપ્રસાદ બુધિયાએ ગદા બનાવવાનો ઓર્ડર આપ્યો હતો.

1161 ગ્રામની ચાંદીની આ ગદામાં ભારતીય કારીગરીના દર્શન જોવા મળશે. સાવરપ્રસાદ બુધિયાએ કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતની પાવન ધરતી પર પધારી રહ્યાં છે ત્યારે તેમને પ્રિય હનુમાનજીની ગદા તેમના માટે બનાવાઈ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીજીને મંદિરમાં આ ગદા સમર્પિત કરવામાં આવશે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત માટે શહેરમાં ભગવા ધ્વજ લગાડાયા
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ભવ્ય સ્વાગત માટે શહેરમાં ઉત્સાહનો માહોલ છે. સુરતમાં તેમનું સ્વાગત કરવા માટે લોકરક્ષક સેના દ્વારા ઘરે ઘરે ધ્વજ લગાડવામાં આવી રહ્યાં છે. દરેક ઘરે દીવા પ્રગટાવી દિવાળી જેવો માહોલ ઉભો કરાઈ રહ્યો છે. લોકરક્ષક સેના દ્વારા શહેરના આઠ ઝોનમાં ધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top