SURAT

સુરતના ભેસ્તનામાં ભાજપના ઉમેદવારો અને ધારાસભ્યોને જોઈ લોકોએ દરવાજા બંધ કરી દીધા

સુરત: (Surat) 21મી ફેબ્રુઆરીએ મતદાન છે. જેને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ઉમેદવારો અને કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર (Campaign) જોરમાં કરવામાં આવી રહ્યો છે. પરંતુ ઘણા વિસ્તારોમાં તેઓને લોકોના રોષનો ભોગ બનવાનો વારો આવી રહ્યો છે. શહેરમાં ઘણા વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. વોર્ડ નં.28 પાંડેસરામાં ભાજપના (BJP) ઉમેદવારો અને સ્થાનિક ધારાસભ્ય વિવેક પટેલ પ્રચાર માટે ગયા હતા. ત્યાં આ વોર્ડમાં આવેલી ભેસ્તાનની જાનકી પાર્ક અને રતનનગર સોસાયટીમાં તેમનો વિરોધ થયો હતો.

ભેસ્તાન વિસ્તારમાં આવેલી જાનકી જાનકી પાર્ક અને રતનનગર સોસાયટીમાં વોર્ડ નં.28ના ભાજપના ઉમેદવારો અને ધારાસભ્ય વિવેક પટેલ લોકો રોષનો ભોગ બન્યા હતા. આ સોસાયટીમાં ઉમેદવારો પ્રચાર માટે જતાં જ મહિલાઓએ તેમને ખરીખોટી સંભળાવી હતી. પાંચ વર્ષ સુધી આ વિસ્તારમાં ન ડોકાયેલા ભાજપના કોર્પોરેટરો ચૂંટણી પ્રચાર અર્થે આવતાં મહિલાઓ વિફરી હતી. ધારાસભ્ય વિવેક પટેલને પણ મહિલાઓએ સોસાયટીનો ગેટ બંધ કરી દઈ કામો ન કરવા બદલ રીતસર ખખડાવ્યા હતા. માત્ર ચૂંટણી માટે જ રાજકારણીઓ પ્રચાર કરવા માટે આવે છે અને કામો કરતા નથી તેવા આક્ષેપો કર્યા હતા. જેના કારણે પ્રચાર કાર્ય અધૂરું છોડી ઉમેદવારોને તેમજ ધારાસભ્યોને રવાના થવું પડ્યું હતું.

ભરતી નહીં તો.. વોટ પણ નહીં

સુરત: મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે ઘણા વિસ્તારોમાં રાજકારણીઓનો સખત વિરોધ પણ થઈ રહ્યો છે. 21 મી ફેબ્રુઆરીએ મતદાન છે ત્યારે રાજકારણીઓ જોરશોરમાં પ્રચાર પ્રસારમાં લાગ્યા છે. જેમાં ઘણા વિસ્તારોમાં તેઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં શિક્ષિત બેરોજગારોના મુદ્દા લઇને અલગ-અલગ વિસ્તારોમાં ‘‘ભરતી નહીં તો.. વોટ પણ નહીં’’ ના બેનર લગાવવામાં આવ્યા છે બેનરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ‘‘રાજ્યના લાખોની સંખ્યામાં શિક્ષિત બેરાજ બેરોજગારો માટે જવાબદાર કોણ છે?’’ રાજ્યની ભાજપ સરકાર ઉપર સીધા આક્ષેપ કરતાં બેનરો લગાડવામાં આવ્યા છે.

શહેરમાં વરાછા, કતારગામ, કાપોદ્રા, યોગીચોક, મોટા વરાછા સહિતના વિસ્તારોમાં આ પ્રકારના બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને શિક્ષિત બેરોજગારોને લેવા માટે પરીક્ષાની તારીખો જાહેર કરવાની વાત કરવામાં આવી છે. જે પરીક્ષાઓ લેવાઇ ગઇ છે અને ઉમેદવારે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી છે તેમણે ઝડપથી નોકરીનો ઓર્ડર આપવામાં આવે એ પ્રકારની માંગ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે કેટલીક એવી જગ્યાઓ કે જેમાં ઉમેદવારે પરીક્ષા પાસ કરીને તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે, છતાં પણ તેમને હજી સુધી નોકરી પર હાજર થવા માટે હુકમ કર્યો નથી. તેને કારણે પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. યુવા શિક્ષિત બેરોજગારો દ્વારા ભરતી નહીં તો મત નહીંના બેનર શહેરના વિવિધ વિસ્તારોમાં લગાડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top