Surat Main

સુરતનાં આ વિસ્તારમાં બર્થડે બોય ભાન ભૂલ્યો, બે તલવારથી કેક કાપી, પોલીસે ઉંચકી લીધો

સુરત: સુરત શહેરમાં (Surat) દરરોજ કોઈને કોઈ ક્રાઈમની ઘટનાને કારણે સુરત ચર્ચામાં રહે છે. નિયમોના ધજાગરાં ઉડાડવામાં પણ સુરતીઓ પાછળ નથી. આવી જ વધુ એક ઘટના સુરતના ડિંડોલી વિસ્તારમાં બની છે. સુરતના ડિંડોલી (Dindoli) વિસ્તારમાં એક યુવકે સોશિયલ મીડિયા (Social Media) પર ફેમસ થવા હદ વટાવી દીધી. તેણે તેના જન્મદિવસ (Birthday) નિમિત્તે બે યુવકના ખભા પર બેસી બે તલવારથી કેક કાપી ઉજવણી કરી હતી. જો કે અગાઉ પણ આવી એક ઘટના બની ચૂકી છે. ત્યાર બાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ. આ ફોટોમાં તેના લીરેલીરા ઉડતા દેખાય છે. સોશિયલ મીડિયા પર ઉજવણીનો વીડિયો પણ વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયોને (Viral Video) આધારે ડિંડોલી પોલીસે બર્થ-ડે બોય (Birthday Boy) સહિત બેની ધરપકડ કરી છે.

  • સુરતના ડિંડોલીના યુવકે સોશિયલ મીડિયામાં ફેમસ થવા હદ વટાવી
  • બે યુવકોના ખભા પર બેસી તલવારથી કેક કાપી કરી જન્મદિવસની ઉજવણી
  • પોલીસે ત્રણ તલવાર, એક રેમ્બો છરો અને એક ચપ્પુ જપ્ત કર્યુ

યુવક સહિત તેના સાથીદારની ધરપકડ
વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બર્થ-ડે બોય અને તેના પિતરાઇ ભાઈની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ બર્થ-ડે બોય મયુર સુરેશભાઈ ઠાકોરનો (ઉમર-19) 17 માર્ચના રોજ જન્મદિવસ હતો. તે ડિંડોલી વિસ્તારમાં આવેલી સ્વસ્તિકવીલા સોસાયટીમાં રહેતો હતો. તેણે તેના જન્મદિવસ પર તલવાર અને રેમ્બો છરા સાથે ઉજવણી કરી હતી. જેનો વીડિયો વાઈરલ થયો હતો. ત્યાર બાદ પોલીસે મયુર અને તેના પિતરાઈ ભાઈ શિવસિંહ ઠાકોરની ધરપકડ કરી છે. તેમજ તેમની પાસેથી ત્રણ તલવાર, એક રેમ્બો છરો અને એક ચપ્પુ પણ જપ્ત કર્યાં છે.

તલવારથી કેક કાપી
આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં લોકો છવાઇ જવા માટે કોઇ પણ હદ સુધી જવા તૈયાર હોય છે. તેવા વીડિયો સોશિયલ મીડિયામાં અવાર નવાર વાઈરલ થતા જ હોય છે. સુરતમાં પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર જાહેરમાં જન્મ દિવસની ઉજવણી પર પ્રતિબંધ છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં એક યુવકે પોતાના જન્મદિવસની ઉજવણીમાં જાહેરનામાનો ભંગ કરી આતીશબાજી વચ્ચે બે તલવારથી કેક કાપી હતી.

Most Popular

To Top