SURAT

વેસુના નડતરરૂપ એપાર્ટમેન્ટોને કાયમી કરવા સુરત એરપોર્ટને મોટું નુકસાન પહોંચાડવાની હિલચાલ

સુરત એરપોર્ટના રન-વે પર મોટી કાતર ફરે તેવા સંજોગો સર્જાયા, એરપોર્ટના વિકાસના ભોગે બિલ્ડરોનો લાભ કરાવાશે એવી ચર્ચા

સુરત: (Surat) મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનનો (Civil Aviation) હાઈટ રિસ્ટ્રીકશન (Height Restriction) ફોર સેફગાર્ડિંગ એન્ડ એરક્રાફ્ટ ઓપરેશન રુલ્સ 2015માં સુધારો કરવા એમેન્ડેડ રુલ્સ-2022નો સુધારો મંજુર કરવા GSR સામે વાંધા સૂચનો મંગાવ્યા છે. 2 મે 2022ના રોજ સિવિલ એવિએશન વિભાગે નોટિફિકેશન પ્રસિદ્ધ કરી ડ્રાફ્ટ રુલ સામે વાંધા, સૂચનો મંગાવ્યા છે.

  • સુરત એરપોર્ટના વેસુ તરફના રનવે પરનો 615 મીટરનો બ્લોક કાયમી રાખવા હિલચાલ
  • રનવે ઘટાડાશે તો મોટા વિમાનનું લેન્ડિંગ સ્વપ્ન બની રહેશે, નડતરરૂપ બાંધકામો રેગ્યુલરાઈઝ થશે

મંત્રાલયે સુરત સહિત એક ડઝન એરપોર્ટ પર વાઇડ બોડી એરક્રાફ્ટના લેન્ડિંગ સામે નડતર રૂપ બાંધકામોને લીધે સુરત સહિત દેશના કેટલાક એરપોર્ટના રનવે પર વિમાન લેન્ડિંગ માટે કેટલોક એરિયા બ્લોક કરવામાં આવ્યો છે. સુરતના વેસુ તરફના રનવે ક્રમાંક 22 પર 615 મીટરનો કાપ મુકવામાં આવ્યો છે. આ એરિયા કાયમ માટે બ્લોક કરવો કે નહીં એ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વાંધા સૂચનો મંગાવ્યા છે. હાઈટ રિસ્ટ્રીકશન ફોર સેફગાર્ડિંગ એન્ડ એરક્રાફ્ટ ઓપરેશન રુલ્સ એમેન્ડેડ-2022નો સુધારા ડ્રાફ્ટ મંજુર થશે તો સુરત એરપોર્ટના વેસુ તરફના રનવેને નડતર રૂપ 47 પ્રોજેક્ટના 100થી વધુ બાંધકામો આપો આપ રેગ્યુલરાઈઝ થઈ જશે. જેનો સીધો લાભ બિલ્ડરોને થશે. પણ એ સાથે સુરતને મોટું નુકસાન એ થશે કે વાઇડ બોડી એરક્રાફ્ટ ઉતરી શકશે નહીં. સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટના ડેવલપમેન્ટને સીધી અસર થશે.

સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટે સુરત, વડોદરા, દિલ્હી, જુહુ, લખનૌ, દુર્ગાપુર, મૅગ્લોર, ચેન્નાઇ, પટણા, વારાણસી, કોલકાતા, રાંચી, રાયપુર, કૂચ બિહાર, દેહરાદૂન, થિરુંવનન્થપુરમ, તિરુચિરાપલ્લી એરપોર્ટના રનવેને નડતરરૂપ બાંધકામોને લીધે રનવે પર મુકાયેલા કાપને કાયમી બ્લોક કરવા વાંધા સૂચનો મંગાવ્યા છે. જોકે મોટા ભાગના એરપોર્ટ પર કોઈ મોટો બ્લોક રનવેને નડવાનો નથી, પણ સુરત એરપોર્ટને એની વ્યાપક અસર થશે.

બિલ્ડરોનું હીત સાચવવા જતાં વેસુ તરફનો 2906 મીટરનો રનવે 2291 મીટરનો રહી જશે
સુરત એરપોર્ટના વેસુ-22 રનવેને નડતરરૂપ બાંધકામો અંગે ગુજરાત હાઇકોર્ટમાં એરપોર્ટ ડાયરેકટરે જે એફિડેવિટ કરી હતી એમાં કબુલ્યું હતું કે, સુરત એરપોર્ટના ભાવિ ડેવલપમેન્ટ અને પેસેન્જર ગ્રોથ માટે 2906 મીટરનો રનવે જરૂરી છે. ગેરકાયદે બાંધકામોની ઊંચાઈથી ભવિષ્યમાં સુરત એરપોર્ટ પર મોટા એરક્રાફ્ટની અવર જવરથી વધનારા પેસેન્જર ગ્રોથને અસર થશે.

તેમણે એ પણ સ્વીકાર્યું છે કે, ઓએનજીસીની ગેસ પાઇપ લાઈનને લીધે ડુમસ તરફનો રનવે વિસ્તરણ થઈ શકે એમ નથી. શાસકો બિલ્ડરોનું હીત સાચવવા જતાં વેસુ તરફનો 2906 મીટરનો રનવે 2291 મીટરનો રહી જશે. તાજેતરમાં શાસક પક્ષના મોટા ગજાના નેતા સુરત ક્રેડાઈના પ્રતિનિધિ મંડળને સિવિલ એવિએશન મંત્રીની મુલાકાતે નવી દિલ્હી લઈ ગયા હતાં. ક્રેડાઈના અગ્રણીએ સોશિયલ મીડિયામાં આ પોસ્ટ મુકતા બાંધકામો નિયમિત થવાની વાત બહાર આવી હતી. આ આખા મામલામાં બિલ્ડરો સાથે કંઈક રંધાયાની ચર્ચા ચાલી રહી છે.

Most Popular

To Top