SURAT

અડાજણ તાપી રિવર ફ્રન્ટના ડોમમાં ભીષણ આગ ફાટી નીકળી, ડોમ બળીને ખાખ

સુરત: સુરતના (Surat) અડાજણ (Adajan) વિસ્તારમાં તાપી રિવર ફ્રન્ટના ડોમમાં અચાનક ભીષણ આગ (Fire) લાગી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે પાંચ ફાયરસ્ટેશનની (Fire Station) ટીમોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારની બપોરે 4.29 કલાકે અડાજણ વિસ્તારમાં તાપી રિવર ફ્રન્ટના ઇજારદાર દ્વારા બનાવાયેલા ડોમમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયબરના સેટનો ડોમ હોવાથી આગ વધુ વિકરાળ બનતા ધુમાડાના ગોટેગોટા દુર સુધી દેખાયા હતા. આગ લાગતાની સાથે જ ત્યાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાની ફાયર કંટ્રોલને જાણ થતાની સાથે જ 5 ફાયર સ્ટેશન અડાજણ, મોરા ભાગળ, મુગલીસરા, નવસારી બજાર અને મજુરાની ફાયર સ્ટેશનને તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરી દેવાઈ હતી. જ્યાં ફાયરકર્મીઓ એ આગ પર પાણીનો મારો ચલાવી પોણા કલાકમાં કાબૂમાં લઈ લેવાઈ હતી. ત્યારબાદ કુલિંગ કામ ચાલુ કરાયું હતું. અડાજણ ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું હતું કે, રિવર ફ્રન્ટના ડોમમાં અચાનક કોઇ કારણોસર આગ ફાટી નીકળી હતી. જો કે રીવફ્રન્ટ ઘણા સમયથી બંધ જેવી હાલતમાં છે, તેથી અહી ખાસ કોઇ અવર-જવર હોતી નથી તેથી મોટી દુ:ધટના બની નથી.

રીવરફ્રન્ટની બહાર કબાડીઓના ઢગલા.. જો મોડુ થયું હોત તો….
સુરત મનપા દ્વારા તાપી કિનારે આ રીવરફ્રન્ટ બનાવ્યો છે પરંતુ તેની આસપાસના વિસ્તારના કારણે આ રીવરફ્રન્ટ અસામાજિત તત્ત્વોના અડ્ડા જેવો બની ગયો છે અને પ્રોજેકટ ફેઇલ ગયો છે તેથી ઘણા સમયથી અહી અવાવરૂ જેવી હાલત છે. રીવરફ્રન્ટની બહાર રસ્તા પર કબાડીઓ ભંગારના સામાનના ઢગલા કરીને બેસે છે અને અહી જ રહે છે. લાકડા અને અન્ય સળગી ઉઠે તેવા ભંગારના ઢગલા હોય છે તેને અડીને આવેલો ડોમ જ સળગી ઉઠતા આ આગ અહી પણ પ્રસરી જવાનો ભય હતો જો કે મનપાના લાશકરોએ સમયસર દોડી આવી આગને કાબુમાં લેતા મોટી દુર્ધટના બનતા અટકી હતી.

આગ લાગવાનું કારણ શંકાસ્પદ : તર્ક-વિતર્ક
આ રીવરફ્રન્ટના ઇજારદાર દ્વારા અહી સ્નો ફોલ અને અન્ય આકર્ષણ માટે ટેમ્પરેરી સ્ટ્રકચર ઉભા કરાયા હતા. પરંતુ પ્રોજેકટ ફેઇલ જતા તે અવાવરુ હાલતમાં પડયા છે. અને બંધ છે ત્યારે અંદરની બાજુએથી અચાનક શંકાસ્પદ રીતે આગ લાગતા તર્ક-વિતર્ક ઉભા થઇ રહ્યાં છે. આગ લાગી કે વિમો પકાવવા લગાવાઇ તે તપાસનો વિષય છે.

વરાછા ભવાની સર્કલ પાસે રાણા પંચની વાડીમાં બિનવારસી કારમાં આગ ફાટી નીકળી
સુરત: શહેરના વરાછા ભવાની સર્કલ પાસે રાણા પંચની વાડીમાં નંબર પ્લેટ વગરની બિનવારસી કારમાં કોઇ કારણોસર આગ ફાટી નીકળી હતી. સોમવારે બપોરે 3.36 કલાકે બનેલી આ ઘટનાની કતારગામ ફાયર સ્ટેશનને જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જ્યાં ફાયરકર્મીઓ એ આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીની મિનીટમાં જ કાબૂ મેળવ્યો હતો. આગમાં કાર બળીને ખાખ થઇ ગઇ હતી. આગ ક્યા કારણોસર લાગી તે જાણી શકાયું ન હતું તેવું ફાયર વિભાગે જણાવ્યું હતું. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

લિંબાયતમાં ટીટીએલ માર્કેટ પાસે કચરો સળગતા નજીકમાં પાર્ક કરેલા ટ્રકના ટાયરો સળગી ગયા
સુરત: લિંબાયતમાં ટીટીએલ માર્કેટ પાસે નારાયણ બ્રિજ પાસે કચરો સળગતા નજીકમાં પાર્ક કરેલા ટ્રકના પાછળના ભાગના ટાયરમાં આગ ફાટી નીકળી હતી. રવિવારની મોડી રાત્રે 1 કલાકે ટ્રકમાં આગ લાગતા આ ઘટનાની ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં ફાયરકર્મીઓ એ આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીની મિનીટમાં જ કાબૂ મેળવ્યો હતો. આગમાં ટ્રકના પાછળના ભાગના ટાયરો સળગી ગયા હતા. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી તેવું ફાયર વિભાગે જણાવ્યું હતું.

Most Popular

To Top