SURAT

સુરતમાં પોલીસ પ્રોટેક્શન સાથે સુમુલ ડેરીએ બપોર બાદ ફરી દૂધની ડિલીવરી કરી

સુરત(Surat): માલધારીઓની હડતાળના (Maldhari Strike) પગલે આજે રાજ્યભરમાં દૂધની (Milk) અછત ઉભી થઈ છે. સુમુલ ડેરીના દૂધના ટ્રક અને ટેમ્પોને દુકાનો સુધી પહોંચવા નહીં દેવામાં આવ્યા હોય કેટલાંક ઠેકાણે સવારે દૂધની અછત સર્જાઈ હતી. ઘણા પાર્લરો પર દૂધ ખરીદવા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી. લોકોની ડિમાન્ડને પહોંચી વળવા માટે તંત્રની મદદથી આખો દિવસ દૂધનો સપ્લાય ચાલુ રાખવાનો નિર્ણય સુમુલ ડેરી દ્વારા લેવામાં આવ્યો છે. સવારે સુરત શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સુમુલ ડેરીમાં એક મિટીંગ મળી હતી. જેમાં એવું નક્કી કરાયું હતું કે, સુમુલ ડેરી દ્વારા 140 વાહનોથી સુરત શહેરમાં બપોરે ફરી એકવાર દૂધનું વિતરણ કરવામાં આવશે. શહેરના તમામ પોલીસ સ્ટેશનમાંથી પીસીઆર વેન સુમુલમાં પહોંચી ગઈ હતી. પ્રત્યેક દૂધની ગાડીની આગળ એકએક પીસીઆર વાન દોડાવીને શહેરના ખૂણે ખૂણે બપોર બાદ દૂધની ડિલીવરી શરૂ કરવામાં આવી હતી. બપોરે 4 વાગ્યા સુધીમાં શહેરના મોટા ભાગના પાર્લરો પર પોલીસ પ્રોટેક્શન સાથે દૂધની ડિલીવરી કરવામાં આવી હતી.

તોફાનીઓ પર લાઠીચાર્જના આદેશ
જો દૂધના સપ્લાયમાં ક્યાંક કોઈ તોફાનીઓ દ્વારા અડચણ ઉભી કરવામાં આવે તો તેવા તોફાની તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે. તોફાનીઓ પર લાઠીચાર્જ કરવામાં આવશે.

સુમુલ ડેરીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો
શહેરના લાખો લોકોને દૂધનો સપ્લાય સમયસર પહોંચાડવા માટે સુમુલ ડેરીમાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી થઈ રહી છે ત્યારે કોઈક તોફાનીઓ દ્વારા તેમાં હસ્તક્ષેપ કરવામાં નહીં આવે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા સુમુલ ડેરીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુમુલ ડેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે.

રાત દરમિયાન સુમુલ ડેરીએ 14 લાખ લિટર દૂધનું વિતરણ કર્યું
સુમુલ ડેરીના માનસિંહ પટેલે કહ્યું કે, લોકો સુધી દૂધ પહોંચાડવા માટે ડેરી કટીબદ્ધ છે. ગઈકાલે રાત્રિ દરમિયાન ડેરીમાંથી શહેરમાં 14 લાખ લિટર દૂધનું વિતરણ કરાયું હતું, જે રોજ કરતા 1 લાખ લિટર વધું છે. ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ (દેલાડ) એ માલધારીઓને વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવા અપીલ કરી છે. આ સાથે જ સુમુલ ડેરી દ્વારા સુરતની 60 લાખ જનતા અને 2.50 લાખ પશુપાલકોને બાનમાં લઈ, દૂધ ફેંકી દેવાની, વાહનોમાં તોડફોડ અને ડ્રાઈવર-ક્લીનરોને મારવાની ઘટનાને વખોડવામાં આવી છે.

માલધારીઓ દ્વારા ઠેરઠેર દૂધ ઢોળી વિરોધ વ્યક્ત કરાયો
રખડતાં ઢોરના મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવનાર માલધારી સમાજ દ્વારા 21મી સપ્ટેમ્બરને આજે બુધવારના રોજ રાજ્યભરમાં એકદિવસીય હડતાળનું એલાન કરાયું હતું. માલધારી સમાજ દ્વારા દૂધ નહીં વેચવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ સુમુલ ડેરી દ્વારા પોતાની ફરજ નિભાવવાનું ચાલુ રખાયું હતું. દરમિયાન ગઈકાલે રાત્રિ દરમિયાન સુરત સહિત રાજ્યના અન્ય શહેરોમાં માલધારી સમાજ દ્વારા દૂધની સપ્લાયના ટ્રક, ટેમ્પો રોકી રસ્તા અને નદીઓમાં દૂધ વહાવી દઈ વિરોધ કરાયો હતો. તેના પગલે આજે સવારે શહેરના કેટલાંક વિસ્તારોમાં દૂધનો પૂરતો સપ્લાય પહોંચી શક્યો નથી. તેથી સુમુલ ડેરીની મુખ્ય કચેરી પર દુકાનદારો દૂધ લેવા પહોંચ્યા હતા. હવે સુમુલ ડેરી દ્વારા બપોર બાદ ફરી એકવાર દૂધની ડિલીવરી કરવાનો નિર્ણય લેવાયો છે.

ચોર્યાસી ડેરીના એજન્ટને પાલનપુર પાટિયામાં માર પડ્યો, બપોર બાદ નહીં વેચાય
આ તરફ ચોર્યાસી ડેરીએ પણ સવારે 15,000 લીટર દૂધ વેચ્યું છે. ડેરીના પ્રમુખ નરેશ આર. પટેલે કહ્યું કે, ચોર્યાસી ડેરીએ 17,000 લીટર દૂધ વેચાણની તૈયારી સાથે 15,000 લીટર દૂધનું વેચાણ કર્યું. એજન્ટો નહીં આવતા 2000 લીટર દૂધ ઓછું વેચાયું,પાલનપુર પાટિયા વિદ્યાકુંજ પાસે ચોર્યાસી ડેરીના એજન્ટને માર મારવામાં આવ્યાની એક માત્ર ઘટના બની. એજન્ટોએ બપોરે ચોર્યાસી ડેરીને આજની વર્તમાન પરિસ્થિતિમાં દૂધ નહીં વેચવા જાણ કરી.બપોરે એજન્ટો મારફત ચોર્યાસી ડેરીનું દૂધ વિતરણ નહીં થાય.

Most Popular

To Top