National

આગ્રાના બ્રહ્માકુમારીમાં બે સગી બહેનોનો આપઘાત: છેલ્લી ચિઠ્ઠીમાં લખ્યું, ‘આસારામની જેમ જેલમાં પૂરજો…’

આગ્રા (Aagra) : ઉત્તર પ્રદેશના (UP) આગ્રામાં પ્રજાપતિ બ્રહ્મા કુમારી (BrahmaKumari) આશ્રમમાં રહેતી બે બહેનોએ ફાંસી લગાવીને આત્મહત્યા (TwoSistresSuicide) કરી લીધી છે. આ ઘટના આગરાના જગનેરમાં બની હતી. આપઘાત કરતા પહેલા બંનેએ ત્રણ પાનાની સુસાઈડ નોટ (SuicideNote) પણ લખી હતી, જેમાં તેઓએ આપઘાત માટે સંસ્થાના ચાર લોકોને જવાબદાર ઠેરવ્યા હતા.

સુસાઈડ નોટમાં બંને બહેનોએ યુપીના સીએમ યોગી આદિત્યનાથને આસારામ જેવા આરોપીઓને આજીવન કેદની સજા આપવાનું કહ્યું છે. નોટમાં લખ્યું છે કે, ‘યોગીજી, આસારામ બાપુ જેવા આરોપીઓને આજીવન કેદ આપો.’

સ્યુસાઈડ નોટમાં મૃતક બહેનોએ ચારેય આરોપીઓ સામે પૈસાની ઉચાપત તેમજ અનૈતિક પ્રવૃતિમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યો છે. એસીપી ખૈરાગઢના જણાવ્યા અનુસાર, ચારેય આરોપીઓ આગ્રા બહારના છે, જેમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે. અન્ય બે આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ ટીમો રવાના કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, એકતા અને શિખાએ 8 વર્ષ પહેલા બ્રહ્મા કુમારીમાં દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી તેમના પરિવારે જગનેરમાં બ્રહ્મા કુમારી સેન્ટર બનાવ્યું હતું, જેમાં બંને રહેતા હતા. મૃતક બહેનોમાંથી શિખા (32)એ એક પાનાની સુસાઈડ નોટ લખી છે જ્યારે એકતા (38)એ બે પાનાની સુસાઈડ નોટ લખી છે.

સુસાઈડ નોટમાં શિખાએ ઉલ્લેખ કર્યો છે કે બંને બહેનો છેલ્લા એક વર્ષથી પરેશાન હતી. સુસાઈડ નોટમાં તેણે આશ્રમના નીરજ સિંઘલ, ધોલપુરના તારાચંદ, નીરજના પિતા અને ગ્વાલિયરમાં આશ્રમમાં રહેતી એક મહિલાને તેના મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યા છે.

સુસાઇડ નોટમાં એકતાએ લખ્યું છે કે, ‘નીરજે સેન્ટરમાં રહેવાની ખાતરી આપી હતી. પરંતુ કેન્દ્ર બન્યા બાદ તેમણે વાત કરવાનું બંધ કરી દીધું હતું. અમે બહેનો એક વર્ષ સુધી રડતી રહી, પણ તેણે સાંભળ્યું નહીં. તેના પિતા ઉપરાંત ગ્વાલિયર આશ્રમમાં રહેતી એક મહિલા અને તારાચંદ નામના વ્યક્તિએ પણ તેને ટેકો આપ્યો હતો. 15 વર્ષ સુધી સાથે રહ્યા બાદ પણ તેણે ગ્વાલિયરની એક મહિલા સાથે સંબંધ ચાલુ રાખ્યા હતા. ચારેયએ અમારી સાથે દગો કર્યો છે.

બંને બહેનોએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, અમારા પિતાએ પ્લોટ માટે આશ્રમ સાથે જોડાયેલા લોકોને 7 લાખ રૂપિયા આપ્યા હતા. ગરીબો પાસેથી રૂપિયા 18 લાખ લેવામાં આવ્યા હતા, જે આરોપીઓએ પડાવી લીધા હતા. પૈસા પડાવવાની સાથે તેઓ મહિલાઓ સાથે અનૈતિક કામો પણ કરે છે અને તેમનું કોઈ કંઈ કરી શકે તેમ નથી તેમ કહીને વર્ચસ્વ બતાવે છે.

સુસાઈડ નોટમાં બંને બહેનોએ વધુમાં લખ્યું હતું કે આરોપીઓએ અનેક લોકો સાથે અન્યાય કર્યો છે. કોઈની પાસેથી પૈસા લીધા અને તેની સામે કેસ કર્યો હતો. સુસાઈડ નોટમાં એકતાએ એમ પણ કહ્યું છે કે તેની સુસાઈડ નોટ મુન્ની બહેન અને મૃત્યુંજય ભાઈને મોકલવામાં આવે.

સુસાઈડ નોટમાં આગળ લખ્યું છે કે, ‘ઘણી બહેનો આત્મહત્યા કરે છે અને આ લોકો (આરોપીઓ) તેને છુપાવે છે. અમારી બંને બહેનો સાથે દગો થયો છે. પાપી નીરજ સિંઘલ માઉન્ટ આબુમાં મોર્ડન કંપનીમાં કામ કરે છે. ગ્વાલિયર મોતી ઝિલની પૂનમ, તેના પિતા તારાચંદ અને તેની બહેનના સસરા ગુડ્ડન જે જયપુરમાં રહે છે. તે 15 વર્ષથી અમારી સાથે રહેતો હતો અને ખોટું બોલતો હતો. અમે કોઈ ભૂલ કરી નથી. અમારા તમામ નાણાં કેન્દ્રના નિર્માણમાં ખર્ચવામાં આવ્યા છે. અમને હંમેશા કહેવામાં આવતું કે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. મને કોઈ નુકસાન ન પહોંચાડી શકે, મારા પિતા તારાચંદ વકીલ છે. તે મને કંઈ થવા દેશે નહીં.

આપઘાત કરતા પહેલા લખેલી ચિઠ્ઠીમાં લખ્યું છે કે, અમારી સાથે કોઈ નથી, અમે એકલા છીએ. આથી આ પગલું ભરવું પડે છે. હું મારા વ્હાલા ભાઈઓ સોનવીર અને એન સિંહને વિનંતી કરું છું કે તમે બંને બહેનો વતી આ કેસ લડો. તમે અમારા સાચા ભાઈ કરતાં વધુ છો, ભલે ગમે તેટલા પૈસા ખર્ચવામાં આવે. તમારે તેને બહેનોની રાખડી ગણવી જોઈએ. આ ચારેય હત્યારાઓને કડકમાં કડક સજા મળવી જોઈએ. આશ્રમમાં તમામ પુરાવાઓ રાખવામાં આવ્યા છે. કૃપા કરીને અમને ગેરસમજ ન કરો. અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેની (આરોપી) પાસે અમારા રૂપિયા 25 લાખ છે. 7 લાખમાં મારા પિતાએ પ્લોટ મેળવીને વેચી દીધો હતો.

Most Popular

To Top