સફળતા અને અસફળતા

એક દિવસ પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો, ‘સફળતા અને અસફળતા એટલે શું?’ એકે કહ્યું, ‘ વર્ગમાં પ્રથમ આવવું સફળતા અને નાપાસ થવું અસફળતા.’ બીજાએ કહ્યું, ‘ખૂબ બધા પૈસા કમાવા એટલે સફળતા અને ઓછા પૈસા કમાવા એટલે નિષ્ફળતા.’ ત્રીજાએ કહ્યું, ‘બિઝનેસમાં નામ કમાવું સફળતા અને મનચાહી નોકરી કે કામ ન મળવું તે અસફળતા.’ આવા જુદા જુદા જવાબ મળ્યા. બધાના જવાબ સાંભળી પ્રોફેસર બોલ્યા, ‘તમારા બધાના જવાબનો સામાન્ય સાર એ છે કે  તમને જે મેળવવું હોય તે મળી જાય.નક્કી કરેલા ધ્યેયને મેળવી શકાય એટલે સફળતા અને જે મેળવવું હોય કે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી ન શકાય, માર્ગમાં વચ્ચે જ અટવાઈ જવાય તો તે અસફળતા.બરાબર.’ બધાએ હા પાડી. પ્રોફેસર આગળ બોલ્યા કે હવે મારો પ્રશ્ન છે કે, ‘જીવનમાં જયારે સફળતા મળે તો પછી શું કરવું જોઈએ?’

લગભગ બધા એક સાથે બોલી ઊઠ્યા કે, ‘જીવનમાં સફળતા મળે પછી શું કરવાનું બાકી રહે, સફળ થયા બાદ તો ખુશ જ ખુશ થવાનું.જલસા જ જલસા, મજા જ મજા થઈ જાય.’ પ્રોફેસર બોલ્યા, ‘ખોટો જવાબ.સફળતા મળે તો અચૂક આનંદ થાય.પણ સફળતા મળી જાય પછી તો વધુ સજાગ થઈને તે સફળતાને ટકાવી રાખવા વધુ મહેનત કરવી પડે.જલસા જ જલસા કરવાનું વિચારો તો સફળતા ટકાવી નહિ શકો અને એક વાર સફળતા મળે, પછી જીવનમાં ત્યાં અટકી ન જતાં,વધુ આગળ વધવા નવી મંઝિલ અને નવા ધ્યેય જીવનમાં નક્કી કરવાં પડે.’ સફળતા મળે પછી શું કરવું? આ પ્રશ્નનો જવાબ આપ્યા બાદ પ્રોફેસરે બીજો પ્રશ્ન પૂછ્યો, ‘કે જો અસફળતા મળે તો પછી શું કરવું જોઈએ?’ હવે કોઈ કંઈ બોલ્યું નહિ.

પ્રોફેસરે કહ્યું, ‘કેમ સફળતા મળ્યા પછી મજા જ મજા તો અસફળતા મળે તો દુઃખ જ દુઃખ નહિ? એવો જવાબ નહિ આપો? જુઓ, અસફળતા મળે તો દુઃખ તો થાય જ.પણ અસફળતા મળે એટલે દુઃખી થઈને નિરાશ થઈને બેસી ન જવાય અને અટકી ન જવાય.અસફળતા મળે તો હતાશા ખંખેરી ફરી ઊભા થવું.શું ભૂલ થઈ.પ્રયત્નોમાં શું ખામી રહી ગઈ તે શોધવું અને નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવા વધુ મહેનત કરવી.નવી રીતે નવા પ્રયત્નો કરવા અને જયાં સુધી અસફળતામાંથી  નીકળી જઈને સફળતા ન મળે ત્યાં સુધી અટકવું નહિ.’ પ્રોફેસરે સાચી સમજ આપી. સફળતા મળે તો નવા ધ્યેયની શોધ કરો અને અસફળતા મળે તો થયેલી ભૂલને શોધી દૂર કરી મંઝિલ સુધી પહોંચવા નવા માર્ગની શોધ કરો.સફળતા મળે કે અસફળતા અટક્યા વિના આગળ વધતા રહો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top