Columns

સ્ટુડન્ટ્સ સ્પેશ્યલ

ભારતીય વિદ્યાર્થીઓ જેઓ અમેરિકા ભણવા જાય છે એમને એમનું ભણતર પૂરું થયા બાદ એક વર્ષ અમેરિકામાં રહીને એમણે જે પ્રકારનું ભણતર ત્યાં લીધું હોય એને લગતું કામ કરવાની, પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવાની છૂટ આપવામાં આવે છે. આને ‘ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ’ પીરિયડ કહેવામાં આવે છે. જેમણે અમેરિકાની યુનિવર્સિટીમાં સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરીંગ કે મેથેમેટિક્સ આ ચાર વિષયોમાંના કોઈ પણ એક વિષયમાં માસ્ટર્સનો કોર્સ કર્યો હોય એમને વધારાનાં બે વર્ષ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે આપવામાં આવે છે.

ઓપ્શનલ પ્રેક્ટિક્લ ટ્રેનિંગ પીરિયડ શરૂ થાય એના ૯૦ દિવસની અંદર ભારતીય વિદ્યાર્થીએ અમેરિકાની કંપનીમાં ટ્રેનિંગ માટે નોકરી મેળવી લેવી જોઈએ. જો ૯૦ દિવસની અંદર તેઓ નોકરી મેળવી ન શકે તો એમણે ભારત પાછા આવી જવું પડે છે.

દર વર્ષે એક લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની જુદી જુદી યુનિવર્સિટીમાં ભણવા જાય છે. આટલી જ મોટી સંખ્યામાં વિશ્વના બધા જ દેશોમાંથી વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રાપ્ત થતું ઉચ્ચ શિક્ષણ મેળવવા જાય છે. આ સૌને એમના ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પીરિયડમાં ૯૦ દિવસની અંદર જોબ મેળવી લેવાની ફરજ પડે છે. પરદેશી વિદ્યાર્થીઓ જોબ મેળવવા માટે ઈન્ટરનેટ ઉપર જે જુદી જુદી વેબસાઈટ આવેલી છે એમાં પોતાના રિઝ્યૂમૅ મૂકે છે. ઠેર ઠેર નોકરી માટે અરજીઓ કરે છે. હજારો વિદ્યાર્થીઓને ૯૦ દિવસની અંદર નોકરી પ્રાપ્ત થતી નથી. આથી તેઓ એ પ્રાપ્ત કરવા આમતેમ ફાંફાં મારે છે.

આ પરિસ્થિતિનો લાભ લઈને અમેરિકામાં કંઈ કેટલીય બનાવટી કંપનીઓ ઊભી થઈ છે. ‘તમે અમારી જોડે પાંચસો ડોલર આપીને તમારી જાતને રજીસ્ટર કરાવો એટલે અમે તમને જોબ આપીશું’, ‘તમે અઢીસો ડોલર ટ્રેનિંગ માટે આપો અમે તમને એક મહિનો ટ્રેનિંગ આપીશું અને પછી અમારી જે આઠ-દસ કંપનીઓ છે એમાંની એકમાં તમને નોકરી આપીશું.’ આવું આવું છેતરામણું આચરીને આ કંપનીઓ પરદેશી વિદ્યાર્થીઓ પાસેથી અઢીસોથી પાંચસો અને ઘણા કિસ્સામાં એથી પણ વધુ ડોલર પડાવે છે.

આવી બોગસ કંપનીઓની વેબસાઈટ ખૂબ જ આકર્ષક હોય છે. અમને ઈમિગ્રેશન ખાતાએ માન્યતા આપી છે એવું જુઠ્ઠાણું પણ તેઓ એમની વેબસાઈટ ઉપર પ્રદર્શિત કરે છે. આઠ-દસ વ્યક્તિઓના એમના માટેના બોગસ અભિપ્રાયો પણ તેઓ એમની વેબસાઈટ ઉપર મૂકે છે. આ કારણસર પરદેશી વિદ્યાર્થીઓ છેતરાઈ જાય છે. એમણે માંગેલા ડોલર આપીને ૯૦ દિવસની અંદર નોકરી પાકી કરી લે છે. પછીથી એમને ખબર પડે છે કે આ તો બોગસ કંપની હતી એટલે પછી તેઓ સાચી અને સારી કંપનીમાં નોકરી મેળવવાના પ્રયત્ન કરે છે અને એમાં સફળ થતાં એ સાચી કંપનીમાં નોકરી કરવા લાગે છે. ઘણા વિદ્યાર્થીઓ તો આવી બોગસ કંપનીમાં જ આખું વર્ષ એમનો આખો  OPT પીરિયડ કામ કરવાનો ડોળ કરતા રહે છે.

પરદેશી વિદ્યાર્થીઓ બે પ્રકારના હોય છે. એક સીધાસાદા, ભલાભોળા જેમને મુદ્દલે ખ્યાલ નથી હોતો કે આવી બોગસ કંપનીઓ અમેરિકામાં છે. તેઓ અજાણતાં જ એમની જાળમાં ફસાય છે. બીજા પ્રકારના વિદ્યાર્થીઓને જાણ હોય છે કે આ બધી કંપનીઓ બોગસ છે. એ જાણ હોવા છતાં તેઓ ૯૦ દિવસની અંદર નોકરી મેળવી શકતા ન હોવાના કારણે આવી બોગસ કંપનીમાં સામેથી પૈસા આપીને નોકરી મેળવે છે.

આવા વિદ્યાર્થીઓ એમના OPT સમય દરમિયાન થોડો સમય માટે સ્વદેશ આવે અને પાછા જ્યારે અમેરિકામાં પ્રવેશવા જાય છે ત્યારે એમણે બોગસ કંપનીમાં નોકરી લીધી હતી એ કારણસર એમને અમેરિકામાં પ્રવેશવા દેવામાં નથી આવતા. જે વિદ્યાર્થીઓએ અજાણતા આવું કર્યું હોય એમને પણ ભોગવવું પડે છે.

આવું આવું ભારતીય તેમ જ અન્ય પરદેશી સ્ટુડન્ટસ અમેરિકામાં જ્યારે ભણવા જાય છે ત્યારે જાણતાઅજાણતા કરે છે. અમેરિકા ભણવા જતાં ભારતીય વિદ્યાર્થીઓએ નીચેની બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ.

  • OPT પીરિયડમાં નોકરી મેળવવા માટે કોઈ પણ કંપનીને, કોઈ પણ એજન્સીને નોકરી મેળવવા માટે કે તાલીમ લેવા માટે એક ડોલર સુધ્ધાં આપવો ન જોઈએ. જે કંપની સાચી હોય છે તેઓ એમના નોકરિયાતો પાસે કોઈ પણ કારણસર પૈસા માગતા નથી.
  • એક ખાસ યુનિવર્સિટીમાં ભણવા જવું છે એવું જણાવીને સ્ટુડન્ટ વિઝા મેળવીને અમેરિકા ગયા બાદ યુનિવર્સિટી બદલીને બીજી યુનિવર્સિટીમાં બની શકે ત્યાં સુધી જવું ન જોઈએ. ખાસ કરીને જે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હોય એનાથી હલકી, નીચી કક્ષાની યુનિવર્સિટીમાં તો હરગીઝ જવું ન જોઈએ. કમ્યુનિટી કોલેજમાં તો નહીં, નહીં અને નહીં, એમાં જવું જ ન જોઈએ. જો આ પ્રમાણે યુનિવર્સિટી બદલશો તો તમે જો અમેરિકા છોડીને બહાર જશો તો તમને પાછા પ્રવેશવા દેવામાં નહીં આવે. એટલું જ નહીં પણ તમારા આ કૃત્યના કારણે તમારાં મા-બાપ યા ભાઈબહેનને અમેરિકાના બી-૧/બી-૨ કે અન્ય કોઈ પ્રકારના વિઝા આપવામાં નહીં આવે.
  • યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતાં જે વ્યક્તિએ તમને અમેરિકામાં ભણવા તેમ જ રહેવા માટે નાણાંકીય સહાય કરવાની છે એ જણાવ્યું હોય એ વ્યક્તિએ જ તમને નાણાંકીય સહાય કરવી જોઈએ. એ પૈસા ઓફિશ્યલી બેન્ક ટ્રાન્સફર દ્વારા મોકલવા જોઈએ. જો હવાલા દ્વારા પૈસા ટ્રાન્સફર કરાવશો તો મુશ્કેલીમાં મુકાશો.
  • સ્ટુડન્ટ વિઝાના અરજીપત્રકમાં તમે અમેરિકામાં ક્યાં રહેવાના છો એ જે જગ્યા દેખાડી હોય ત્યાં જ રહેવા જજો. યુનિવર્સિટી કેમ્પસમાં રહેવાના છીએ એવું જણાવીને પછી તમારાં સગાંવહાલાંને ત્યાં મહેરબાની કરીને રહેવા નહીં જતાં. આવી વાતની જો સત્તાવાળાઓને જાણ થશે તો તમારા વિઝા કેન્સલ કરવામાં આવશે.
  • કોલેજના સમય પછી તેમ જ શનિ-રવિ અને રજાના દિવસે અમેરિકામાં રહેતાં તમારાં સગાંવહાલાંની મોટેલ, પેટ્રોલપંપ કે સ્ટોરમાં કામ કરવા નહીં જતાં. ભલે તમે એમને ત્યાં સંબંધના કારણે થોડું ઘણું નાનુંમોટું કામ કરતા હો એ માટે કંઈ પણ મહેનતાણું મેળવતાં ન હો તો પણ ઈમિગ્રેશનના કાયદાની દૃષ્ટિએ એ ગેરકાયદેસર છે.
  • અમેરિકામાં કાયમ રહેવા માટે, ગ્રીનકાર્ડ મેળવવા માટે, અમેરિકન સિટિઝન જોડે બનાવટી લગ્ન ન કરતા. આવું કરતા જો પકડાશો તો પાંચ વર્ષ સુધીની જેલ અને પચાસ હજાર ડોલર સુધીનો દંડ થઈ શકે છે. આટલું જ નહીં પણ તમે જેની જોડે બનાવટી લગ્ન કર્યા હશે એ વ્યક્તિ તમને બ્લેકમેઈલ કરી શકશે.
  • સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે જે અરજીપત્રક ભરો, ઈન્ટરવ્યૂમાં તમને જે સવાલો પૂછવામાં આવ્યા હોય એના જે જવાબો આપો એ બધી સાચી વિગતો જણાવજો. સાચા જવાબો આપજો. ખોટા દસ્તાવેજો રજૂ નહીં કરતા. તમારા અરજીપત્રકો, તમે જે જવાબ આપો છો એ જવાબો, આ બધું જ આજના કોમ્પ્યુટરના જમાનામાં રેકોર્ડ થઈ જાય છે. પાંચ-પચીસ વર્ષ પછી પણ તમે આજે જે કંઈ લખ્યું હોય, જણાવ્યું હોય, એ ઈમિગ્રેશન ખાતું જાણી શકશે. આ પ્રમાણે જ ઈમેલ ઉપર, વૉટ્સઍપ ઉપર, સાદા મેસેજીસમાં જે કંઈ પણ લખો  એ ખૂબ જ સાવધાનીપૂર્વક લખજો. અનેક વિદ્યાર્થીઓનાં જુઠ્ઠાણાં, એમના મોબાઈલ તપાસતાં પકડાયાં છે. ભારતીય વિદ્યાર્થીઓ જેઓ અમેરિકામાં ભણવા જાય છે એમણે આપણા દેશનો જે મુદ્રાલેખ છે, ‘સત્યમેવ જયતે’ એ હરહંમેશ યાદ રાખવો જોઈએ.

Most Popular

To Top