Gujarat

3437 તલાટી કમ મંત્રીની જગ્યા માટે રવિવારે 8 લાખ જેટલા ઉમેદવારોની પરીક્ષા

ગાંધીનગર: રાજ્યભરમાં આવતીકાલ તારીખ ૭મી મે-૨૩ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા (Exam) લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે વહીવટી તંત્ર તમામ મોરચે સજ્જ છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ નહીં થાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત ડમી ઉમેદવારોના મામલે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા સતત નજર રાખવામાં આવશે. ડમી ઉમેદવારના મામલે શંકાસ્પદ પરીક્ષાર્થીને પરીક્ષા તો આપવા દેવામાં આવશે, પરંતુ પરીક્ષા પુરી થયા પછી પરીક્ષા કેન્દ્રમાં જ તેની પૂછપરછ કરાશે.

  • રાજ્યના 30 જિલ્લામાં 2694 કેન્દ્રો પર પરીક્ષાની તમામ તૈયારી સંપન્ન
  • ગેરરીતિ તેમજ ડમી ઉમેદવારોને રોકવા કડક સુરક્ષા વ્યવસ્થા

પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં આવતીકાલે આઠ લાખ જેટલા ઉમેદવારો ૩૪૩૭ તલાટી કમ મંત્રીની જગ્યા માટે રાજ્યના 30 જિલ્લામાં 2694 પરીક્ષા કેન્દ્રના ૨૮,૮૧૪ વર્ગખંડમાં પરીક્ષા આપશે. આ પરીક્ષા બપોરે 12.30 થી 1-30 દરમિયાન લેવામાં આવશે. આજે તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે રીર્હસલ કરવામાં આવ્યું હતું. પરીક્ષા દરમિયાન ઉમેદવારોને પરીક્ષા ખંડમાં બુટ, મોજા બહાર કાઢીને જવાનું રહેશે, તેમજ કોઈપણ જાતના ઇલેક્ટ્રોનિક ગેઝેટ, કાર- બાઈકની ચાવી તેમજ કોઈપણ પ્રકારની ચીજવસ્તુ લઈ જવા દેવામાં આવશે નહીં. પરીક્ષાર્થીઓ સાદી કાંડા ઘડિયાળ પહેરી શકશે.

તમામ પરીક્ષા કેન્દ્રોની બહાર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ ટુકડી પણ ફરજ પર ગોઠવવામાં આવી છે. ઉમેદવારોના કોલ લેટર સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ પ્રવેશ આપવામાં આવશે. પરીક્ષાનો સમય પુરો થયા પછી જ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રની બહાર જવા દેવામાં આવશે. ડમી ઉમેદવાર કોઈપણ સંજોગોમાં પરીક્ષા કેન્દ્ર સુધી ન પહોંચે તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષા પછી નોકરી મેળવનાર ઉમેદવારોનું પણ વેરિફિકેશન કરવામાં આવશે. વર્ગખંડમાં સીસીટીવી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ આ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવશે. જો તેમાં પણ કોઈ ઉમેદવાર ગેરરીતિ કરતો માલુમ પડશે, તો તેની સામે કાર્યવાહી હાથ ધરાશે.

Most Popular

To Top