Columns

ચૂંટણી બોન્ડના પ્રકરણમાં ભારતીય સ્ટેટ બેન્કની પોલ ખુલ્લી પડી ગઈ છે

ચૂંટણી બોન્ડના મામલામાં ભાજપ સરકાર ખરાખરની ભેરવાઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે એક અફલાતૂન ચુકાદો આપીને તાત્કાલિક અસરથી ચૂંટણી બોન્ડ પર રોક લગાવી હતી અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને આદેશ કર્યો હતો કે તા. ૬ માર્ચ સુધીમાં તેણે જાહેર કરવું પડશે કે ક્યા શ્રીમંતો દ્વારા બોન્ડ મારફતે ક્યા પક્ષને કેટલું દાન આપવામાં આવ્યું છે? બધા જાણે છે તેમ ચૂંટણી બોન્ડનો મહત્તમ લાભ ભાજપને થયો છે, પણ જો ક્યા ઉદ્યોગપતિ દ્વારા ભાજપને કેટલું દાન આપવામાં આવ્યું તેના આંકડા જાહેર થઈ જાય તો લોકસભાની ચૂંટણી વખતે ભાજપની હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી થઈ જાય તેમ છે.

આવું ન બને તે માટે સરકારના ઇશારા પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગોળો ગબડાવી દીધો છે કે તેના આંકડા તેની પાસે તૈયાર નથી. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના માટે સમય એવી રીતે માગ્યો છે કે તે આંકડા ચૂંટણી પહેલાં જાહેર થાય જ નહીં. ભાજપ સરકારના આ દાવ સામે એક બિનસરકારી સંસ્થા વતી જાણીતા કાયદાવિદ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટ બેન્ક સામે અદાલતના તિરસ્કારની અરજી દાખલ કરી છે. જો સુપ્રીમ કોર્ટ પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરીને આદેશ બહાર પાડે તો ભાજપ સરકારની ફજેતી થાય તેવો માહોલ છે.

ચૂંટણી બોન્ડ બાબતમાં દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) નું વલણ ચોંકાવનારું છે. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે SBI નિર્ધારિત સમયમાં દેશની સર્વોચ્ચ અદાલતના આદેશનું પાલન કરવાથી પીછેહઠ કરશે. SBIએ ૬ માર્ચ સુધીમાં ચૂંટણી પંચને દાતાના નામ સાથે ચૂંટણી બોન્ડની સંપૂર્ણ વિગતો આપવાની હતી. જો કે આ સમયગાળો વીતી જવા છતાં આવું બન્યું નથી. SBIનું કહેવું છે કે ચૂંટણી પંચ સાથે દાતાના નામની સાથે ચૂંટણી બોન્ડની વિગતો શેર કરવા માટે ૩૦ જૂન સુધીનો સમય આપવો જોઈએ. આ માટે SBI દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. SBIનું કહેવું છે કે ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત સંપૂર્ણ માહિતી એકત્ર કરવામાં સમય લાગશે. જાણકારો કહે છે કે SBIનો આ દાવો તદ્દન હાસ્યાસ્પદ જણાય છે.

સુપ્રીમ કોર્ટે SBIને ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો હતો. આ સમય તે ડેટા અને માહિતી પ્રદાન કરવા માટે આપવામાં આવ્યો હતો, જે સંપૂર્ણપણે ડિજિટલ ફોર્મેટમાં છે. ચૂંટણી બોન્ડ ખરીદવાની અને તે બોન્ડને બેંકમાંથી રોકડ કરવાની સમગ્ર પ્રક્રિયા ડિજિટલ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આનો મતલબ એ છે કે SBI એ ચૂંટણી પંચને જે ઈલેક્ટોરલ બોન્ડ આપવાના હોય છે તે પેપર રજિસ્ટર કે પેપર ડોક્યુમેન્ટમાં નથી પરંતુ ડિજિટલ ફોર્મેટમાં છે. આટલું મોટું નેટવર્ક હોવા છતાં SBIને માત્ર ૨૨,૨૧૭ બોન્ડની ડિજિટલ માહિતી પૂરી પાડવામાં ત્રણ અઠવાડિયા જેટલો સમય ઓછો લાગ્યો હતો. આ માટે તેને ૩૦મી જૂન સુધીનો સમય જોઈએ છે. ૧૫મી ફેબ્રુઆરીથી ગણવામાં આવે તો કુલ સાડા ચાર મહિના થાય છે. મગજમાં બિલકુલ બેસતું નથી કે લાભાર્થી પક્ષો સાથે ૨૨,૨૧૭ ઇલેક્ટોરલ બોન્ડના ખરીદદારોને મેચ કરવામાં આટલો સમય લાગશે.

SBI એક ચતુર્થાંશ બજાર હિસ્સા સાથે દેશની સૌથી મોટી બેંક છે. આ બેંક તેની ૨૨,૪૦૫થી વધુ શાખાઓના વિશાળ નેટવર્ક દ્વારા ૪૮ કરોડથી વધુ ગ્રાહકોને બેંકિંગ સેવાઓ પ્રદાન કરે છે. બેંક તેના મુખ્ય મૂલ્યો તરીકે સેવા, પારદર્શિતા, નીતિશાસ્ત્ર, નમ્રતા અને સ્થિરતાને ગણાવે છે. આ તમામ દાવા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે.  વર્ષ ૨૦૦૪થી એસબીઆઈની દરેક શાખા કોમ્પ્યુટરાઇઝેશન દ્વારા એકબીજા સાથે જોડાયેલ છે. આ પરિસ્થિતિમાં માત્ર ૨૨,૨૧૭ ચૂંટણી બોન્ડની વિગતો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે હાથવગી ન હોય અને તે મેળવવામાં સાડા ચાર મહિના લાગે તે જનતાને ઉઠાં ભણાવવાની રમત છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના આ પ્રકારના વલણને લઈને પણ રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. સમગ્ર એપિસોડનું સૌથી મહત્ત્વનું પાસું રાજકીય છે. આ યોજનાની જાહેરાત ૨૦૧૭-૧૮ના સામાન્ય બજેટમાં કરવામાં આવી હતી. આ યોજના ૨ જાન્યુઆરી, ૨૦૧૮થી અમલમાં આવી હતી. કુલ ૩૦ તબક્કામાં ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ કરવામાં આવ્યું હતું. ૨૦૧૭-૧૮ થી ૨૦૨૨-૨૩ સુધીના ડેટા અનુસાર ભાજપને આ ૬ વર્ષમાં ઈલેક્ટોરલ બોન્ડ્સમાંથી રૂ. ૬,૫૬૬ કરોડથી વધુ મળ્યા છે.

જ્યારે કોંગ્રેસને આ સમયગાળા દરમિયાન બોન્ડ્સમાંથી રૂ. ૧,૧૨૩ કરોડથી વધુની રકમ મળી હતી. આ સમયગાળા દરમિયાન ચૂંટણી બોન્ડનો ૫૪.૭૮% હિસ્સો સત્તાધારી પક્ષ ભાજપ પાસે ગયો હતો, જ્યારે કોંગ્રેસને માત્ર ૯.૩૭ % હિસ્સો જ મળ્યો હતો. ભાજપને જે ૬,૫૬૬ કરોડ રૂપિયા મળ્યા, તે કોણે આપ્યા? તેની ઓળખ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ગુપ્ત જ રાખવામાં આવી હતી, પણ જો સુપ્રીમ કોર્ટના આદેશનું ઇમાનદારીથી પાલન કરવામાં આવે તો તે દાતાનાં નામો જાહેર થઈ જાય તેનો ભય ભાજપને સતાવી રહ્યો છે. એસબીઆઈની દલીલ એવી છે કે કેટલીક વિગતો ભૌતિક સ્વરૂપમાં એકત્રિત કરવામાં આવે છે અને તેને સીલબંધ કવરમાં રાખવામાં આવે છે. આ અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી કહે છે કે આજના ડિજિટલ યુગમાં આ દાવો હાસ્યાસ્પદ પુરવાર થાય છે. 

મોટા ભાગની માહિતી માઉસની એક ક્લિક પર ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ ૯૯ ટકાથી વધુ રકમ ૧ કરોડ અને ૧૦ કરોડ રૂપિયાના બોન્ડના માધ્યમથી આપવામાં આવી હતી. આનો સ્પષ્ટ અર્થ એ છે કે સામાન્ય લોકોએ ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય દાન આપ્યું નથી. આ યોજના હેઠળ દેશના ધનિક વર્ગમાં ગણાતા લોકો અથવા કંપનીઓ દ્વારા રાજકીય પક્ષોને વધુ કે ઓછી રકમ આપવામાં આવી છે. આટલી મોટી રકમ દાન તરીકે આપવામાં આવે ત્યારે તેની પાછળ સરકાર પાસેથી કંઈક મેળવવાની ઈચ્છા હોવી જ જોઈએ. જો આ રીતે ધનકુબેરો સરકારને ખરીદી લે તો ભારતની લોકશાહી ખતરામાં આવી જાય તેમ છે. એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા જો દાન આપનારનું નામ સાર્વજનિક થઈ જશે તો દેશના મતદારો સમગ્ર મામલો સમજી શકશે. તેના રાજકીય પરિણામો પણ આવી શકે છે.

ભાજપને આ યોજનાથી વધુ ફાયદો થયો છે ત્યારે તેને રાજકીય નુકસાન પણ સૌથી વધુ થવાની શક્યતા છે. જે રીતે SBIએ ૩૦મી જૂનની ડેડલાઈન સીધેસીધી માંગી છે, તેનાથી સ્પષ્ટ છે કે SBI લોકસભા ચૂંટણી પછી નામો જાહેર કરવા માંગે છે. જો સુપ્રીમ કોર્ટ કડકાઈ નહીં દાખવે તો SBIના આ વલણથી દેશના સામાન્ય લોકો ચૂંટણી પછી જ દાન આપનારનું નામ જાણી શકશે. તેમાં કોઈ શંકા નથી કે મોટાભાગના ઈલેક્ટોરલ બોન્ડ કોર્પોરેટ ડોનેશન સાથે જોડાયેલા છે. દાતાઓના નામ સાર્વજનિક કરીને તે ઉદ્યોગપતિઓને પણ ખુલ્લા પાડવામાં આવશે. જો ચૂંટણી પહેલા કોર્પોરેટ દાતાઓનાં નામો જાહેર થાય તો આ એક મોટો ચૂંટણી મુદ્દો બની શકે છે, જેના કારણે ભાજપને સૌથી વધુ નુકસાન સહન કરવું પડી શકે છે.

ઈલેક્ટોરલ બોન્ડને લઈને ચાલી રહેલા ઝઘડામાં દેશના સામાન્ય નાગરિકોને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા એક દાયકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર મંચો પર સરકારની સાથે સાથે રાજકીય શુદ્ધતા અંગે પણ ઊંચા દાવા કર્યા છે. ભ્રષ્ટાચારને રોકવાનો મુદ્દો હોય કે વહીવટમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો મુદ્દો હોય, વડા પ્રધાને હંમેશા બંને અંગે મોટા મોટા દાવા કર્યા છે. ઈલેક્ટોરલ બોન્ડ પ્રકરણમાં ભ્રષ્ટાચારનું એક પાસું પણ છે. આવી સ્થિતિમાં સરકારમાં સામાન્ય લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલ કરવાની જરૂર છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top