Charchapatra

એક સ્ત્રીનું મુકત આકાશ

જયારે મોટી ઉંમરે સ્ત્રી આકાશમાં ઉડવાનું ચાલુ કરે છે સ્વતંત્રતાથી જીવે છે ત્યારે પુરુષો વિચારે છે આને પાંખો આવી ગઇ છે. અરે ભલા માણસ… પાંખો તો એને જન્મથી જ મળી છે. પણ એ સ્વેચ્છાએ એને સંકેલીને બેઠી હતી. એણે ગૃહસ્થીને કદી પિંજરુ ગણ્યું જ નથી. માળોજ માન્યો છે. પોતાની પાંખોની હૂંફથી એણે પરિવારને સેવ્યો છે. કયારેય ઉડવાની તમન્ના નથી કરી. પણ આ મુકામ પર જયારે પક્ષીઓ જ ઉડી ગયા છે તો હવે એપણ જરી પાંખો ફફડાવે તો ખોટું શું છે? એને આકાશ નથી જોઇતું. એને ઉડીને ચાલ્યા પણ નથી જવું. એને તો બસ થોડી અમસ્તી મોકશાળ જોઇએ છે. એ તમારા જ આપેલા સમયના ટૂકડાને મનગમતી પ્રવૃત્તિથી ભરવા માટે એક ટુકડો અવકાશ માંગે છે. તો શું એ વધારે કંઇ માંગે છે? એને થોડું ખિલવું છે, ખુલવું છે, થોડું વહેવુ છે, થોડું કહેવું છે. થોડુ મ્હોરીને થોડુ મહેકવું છે. તો શું એ ખોટુ છે? શું એક સ્ત્રી ગૃહસ્થી રૂપી પિંજરામાંથી મુકત થઇ ઉડવા આકાશ મેળવવાની અધિકારી નથી.
અમરોલી          – પાયલ વી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અનંત-રાધિકાના લગ્ન
હું આ લખી રહ્યો છું ત્યારે મુકેશ-નીતા અંબાણી તેમના દીકરા અનંતના લગ્ન અસીમ આનંદ અને ખુશી સાથે ઉજવી રહ્યા છે. દરેક પરિવારને તેમને ત્યાંના લગ્ન પ્રસંગને આનંદ ઉલ્લાસથી ઉજવવાનો અધિકાર છે. પણ અંબાણી પરિવાર અનંતના લગ્ન પાછળ 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. આટલા જ પૈસા ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ બનાવતે અને આ દરેક શાળાનું નામ અનંત રાધિકા શાળા રાખતે તો વર્ષોના વર્ષો સુધી આ યુગલને તે તે શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને સાથે ગામના લોકો પણ હંમેશ માટે યાદ કરતે. કેટલાક પછાત વિસ્તારોમાં પાયાની મેડીકલ સારવાર મળી રહે એવા મેડિકલ સેન્ટર બનાવીને અનંત રાધિકા મેડિકલ સેન્ટર આપી શકાતે.

હજુ સ્વતંત્રતા પ્રાપ્ત થયાને 75 વર્ષ થયા હોવા છતાં ગુજરાતમાં (અને દેશમાં) કેટલાક વિસ્તારોના લોકો માટે પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. શાળાઓ નથી (અને જે શાળાઓ છે તે જર્જરિત અવસ્થામાં છે) શિક્ષકો નથી, મેડિકલ સારવાર માટે કોઇ સગવડ નથી. પાકા રસ્તાઓ નથી, પીવાના પાણી માટેની વ્યવસ્થા નથી. આવા વિસ્તારો માટે મુકેશભાઇ અંબાણી 1000 કરોડ રૂપિયા વાપરતે તો અનંત રાધિકાનો લગ્ન પ્રસંગ અવિસ્મરણિય બની જતે! અંતરિયાળ અને આદિવાસી વિસ્તારના લોકોના હૃદયમાંથી અનંત રાધિકાને આશીર્વાદ મળતે!
સુરત      – ડો. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top