Sports

રાજસ્થાનને હરાવી ગુજરાત ટોચના સ્થાને

નવી મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની અહીંના ડીવાય પાટીલ સ્ટેડિયમ પર રમાયેલી 24મી મેચમાં (Match) કેપ્ટન હાર્દિક પંડ્યાની 87 રનની આક્રમક નોટઆઉટ (Notout) ઇનિંગ ઉપરાંત તેની અભિનવ મનોહર સાથેની 86 અને ડેવિડ મિલર સાથેની 53 રનની નોટઆઉટ ભાગીદારીની મદદથી ગુજરાત ટાઇટન્સે (GT) મૂકેલા 193 રનના લક્ષ્યાંક સામે રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 155 રન જ બનાવી શકી હતી. આ જીતની સાથે ગુજરાતની ટીમ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગઇ હતી.

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી અને બોર્ડ પર 28 રન હતા ત્યારે દેવદત્ત પડ્ડીકલની વિકેટ ગુમાવી હતી. રવિચંદ્રન અશ્વિન માત્ર 8 રન કરીને આઉટ થયો હતો, જોસ બટલરે પોતાની અર્ધસદી પુરી કરી પછી તરત જ આઉટ થયો અને 90 રનના સ્કોર સુધીમાં સંજૂ સેમસન અને રસી વાન ડેર ડુસેન પણ આઉટ થયા હતા. હેટમાયરે તે પછી થોડી ફટકાબાજી કરી હતી પરંતુ તે પણ 17 બોલમાં 29 રન કરીને આઉટ થયો હતો અને તે પછી થોડા થોડા રનના અંતરે તેમણે વિકેટ ગુમાવતા 20 ઓવરે 9 વિકેટે 155 રન સુધી જ પહોંચતા ગુજરાત ટાઇટન્સનો 37 રને વિજય થયો હતો. ગુજરાત વતી ડેબ્યુટન્ટ બોલર યશ દયાલ અને લોકી ફર્ગ્યુસને ત્રણ-ત્રણ વિકેટ ઉપાડી હતી.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને ફિલ્ડીંગનો નિર્ણય કર્યા પછી દાવ લેવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમે બે વિકેટ ઝડપથી ગુમાવી હતી. શુભમન ગીલ પણ માત્ર 13 રન કરીને આઉટ થતાં ગુજરાતે 53 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી હાર્દિક અને અભિનવે બાજી સંભાળી હતી અને બંનેએ મળીને 86 રનની ઝડપી ભાગીદારી કરીને સ્કોર 139 પર લઇ ગયા હતા, આ સ્કોર પર અભિનવ 28 બોલમાં 2 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા. તે પછી હાર્દિક સાથે જોડાયેલા મિલરે પણ 14 બોલમાં એક છગ્ગો અને પાંચ ચોગ્ગાની મદદથી નોટઆઉટ 31 રન કર્યા હતા. જ્યારે હાર્દિક 52 બોલમાં 4 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 87 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.

Most Popular

To Top