Sports

માર્શ-વોર્નરની જુગલબંધીથી દિલ્હીએ રાજસ્થાનને 8 વિકેટે હરાવ્યું

નવી મુંબઇ : આઇપીએલમાં (IPL) આજે અહીં રમાયેલી 58મી મેચમાં ખરાબ શરૂઆત પછી રવિચંદ્રન અશ્વિનની અર્ધસદી ઉપરાંત દેવદત્ત પડ્ડીકલની 48 રનની ઇનિંગ અને બંને વચ્ચેની 53 રનની ભાગીદારીને પગલે રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 6 વિકેટે 160 રનનો સ્કોર કરીને મૂકેલા 161 રનના લક્ષ્યાંકને દિલ્હી કેપિટલ્સે મિચેલ માર્શના 89 અને ડેવિડ વોર્નરના નોટઆઉટ 52 રન તેમજ બંને વચ્ચેની 144 રનની ભાગીદારીની મદદથી 18.1 ઓવરમાં 2 વિકેટે કબજે કરીને 8 વિકેટે જીત મેળવી હતી.

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે શૂન્ય રને પહેલી વિકેટ ગુમાવી હતી. જો કે તે પછી ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે રાજસ્થાન રોયલ્સના બોલરોને સ્હેજ પણ મચક આપ્યા વગર 144 રનની ભાગીદારી કરીને દિલ્હીને જીતના માર્ગે મૂક્યું હતું. માર્શે 62 બોલમાં 7 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા, જ્યારે ડેવિડ વોર્નર 41 બોલમાં 52 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. આ ઉપરાંત ઋષભ પંતે 4 બોલમાં 13 રન કર્યા હતા અને દિલ્હીએ 19મી ઓવરના પહેલા બોલે જ લક્ષ્યાંક કબજે કરીને મેચ 8 વિકેટે જીતી લીધી હતી.

ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ માટે સર્વાધિક રન બનાવનાર જોસ બટલર ત્રીજી ઓવરમાં જ માત્ર 7 રન કરીને આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલ અને અશ્વિન વચ્ચે તે પછી 43 રનની ભાગીદારી થઇ હતી. જો કે જયસ્વાલ પણ 19 રન કરીને આઉટ થયો હતો. અશ્વિન અને પડ્ડીકલે તે પછી રાજસ્થાનની ઇનિંગને બિલ્ડ કરીને સ્કોર 107 રન સુધી પહોંચાડ્યો ત્યારે અશ્વિન 38 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 50 રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન સંજૂ સેમસન 6 અને રિયાન પરાગ 9 રન કરીને આઉટ થયા હતા અને તે પછી પડ્ડીકલ પણ 30 બોલમાં 48 રન કરીને આઉટ થયો હતો. રસી વાન ડેર ડુસેન 12 અને ટ્રેન્ટ બોલ્ટ 3 રન કરીને નોટઆઉટ રહ્યા હતા. દિલ્હી કેપિટલ્સ વતી ચેતન સાકરિયા, એનરિક નોર્કિયા અને મિચેલ માર્શે 2-2 વિકેટ ઉપાડી હતી.

Most Popular

To Top