Dakshin Gujarat

દ.ગુ.માં ઓક્ટોબરથી શેરડી રોપાણ ખેડૂતો માટે લાભદાયી, પરંતુ સુગર ફેક્ટરીઓ રાજી નથી!

બારડોલી: દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) આવેલી સુગર મિલોના (Sugar Mills) ખેડૂત (Farmer) સભાસદો દ્વારા વહેલી શેરડી રોપવા માટે પડાપડી થતી હોય છે. સામાન્ય રીતે 1લી સપ્ટેમ્બરથી શેરડી રોપાણ થતું હોય છે. પરંતુ કેટલીક સુગર મિલો પોતાના નિયમો બનાવી ઓગષ્ટ માસથી જ રોપણીને મંજૂરી આપી દેતી હોય છે. તેવા સમયે મહુવા સુગર ફેક્ટરીના સભાસદોએ સામાન્ય સભામાં ઓક્ટોબર માસથી રોપાણની શરૂઆત કરવા અંગે ઠરાવ કરી અન્ય સુગર ફેક્ટરીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ બાબતે ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા તમામ સુગર મિલોને 1લી ઓક્ટોબરથી રોપણીની શરૂઆત કરવા આદેશ કરે તે ખેડૂતોના હિતમાં હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

શેરડી રોપણી કરવી યોગ્ય ન હોવાનું જાણકારો માને છે
હાલ તમામ સુગર ફેક્ટરીઓમાં જો કોઈ મહત્વનો મુદ્દો હોય તો તે શેરડી રોપણીના સમયગાળા છે. સામાન્ય રીતે મોટા ભાગની સુગર મિલો 1લી સપ્ટેમ્બરથી જ રોપણીની શરૂઆત કરતી હોય છે. પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષથી વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે સપ્ટેમ્બર માસમાં વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે. આખો મહિનો વરસાદ પડતો હોય આ સમયે પણ શેરડી રોપણી કરવી યોગ્ય ન હોવાનું જાણકારો માને છે. હાલ મોટા ભાગના ખેડૂતો 1લી ઓક્ટોબરથી શેરડી રોપાણની શરૂઆત થાય તે માટે રાજી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, મોટા ભાગની સુગર ફેક્ટરીઓ હજી પણ ઓક્ટોબરનું રોપાણ કરવામાં કતરાઇ રહી છે. તેવા સમયે મહુવા સુગર ફેક્ટરીના સભાસદોએ સામાન્ય સભામાં ઠરાવ કરી ઓક્ટોબરથી જ શેરડી રોપવાનું નક્કી કર્યું છે. જે શેરડી પકવતા ખેડૂતોની સાથે સાથે દક્ષિણ ગુજરાતની મોટા ગજાની સુગર મિલો માટે પણ પ્રેરણારૂપ બાબત છે.

સુગર ફેક્ટરી માટે એકસરખો નિયમ બનાવે તે જરૂરી બની ગયું છે
કેટલીક સુગર ફેક્ટરીઓ તો ઓગષ્ટ મહિનામાં જ શેરડી રોપણીને મંજૂરી આપી દે છે. જે વૈજ્ઞાનિક રીતે પણ ઉત્પાદન માટે યોગ્ય ન હોવાનું નિષ્ણાતો માને છે.ભૂતકાળમાં ખેડૂત સંઘ દ્વારા આ મામલે સુગર મિલોને માત્ર શેરડી રોપાણના સમયગાળા અંગે માત્ર સૂચન કરવામાં આવ્યું છે. પરંતુ પરંતુ ફરજ પાડવામાં આવી નથી. તેથી દરેક સુગર ફેક્ટરીઓ પોતપોતાની રીતે રોપાણોનો સમયગાળો નક્કી કરી લેતા હોય છે. સંઘમાં બેઠેલા કેટલાક હોદ્દેદારો પોતાના મળતિયાઓને લાભ કરાવવા માટે આદેશ કરવાની જગ્યાએ તમામ જવાબદારી જે તે સુગર મિલો પર થોપી દેતાં હોવાની પણ ફરિયાદ ઉઠી રહી છે. આથી સુગર મિલો પોતાની મનમરજી મુજબ રોપાણનો સમયગાળો નક્કી કરતી હોય છેવટે ભોગવવાનું ખેડૂત સભાસદોએ જ આવે છે. કેટલીક સુગર મિલો તો ઓગસ્ટમાં જ શેરડી રોપાણને મંજૂરી આપી દેતી હોય છે. જે વરસાદને કારણે નુકસાન થવાની સંભાવના રહે છે. જેની અસર ઉત્પાદન પર પણ વર્તાતી હોય છે. ત્યારે સહકારી ખાંડ કારખાનાનું સંગઠન આ મામલે યોગ્ય નિર્ણય લઈ તમામ સુગર ફેક્ટરી માટે એકસરખો નિયમ બનાવે તે જરૂરી બની ગયું છે.

Most Popular

To Top