Dakshin Gujarat

તો હવે આવી રીતે ભણશે ગુજરાત : ઓરડા નથી એટલે શાળા ચર્ચમાં ચાલે છે

ઘેજ: ચીખલી (Chikli) તાલુકાની વાંઝણા-નાયકીવાડ પ્રાથમિક શાળાના (Primary school) જર્જરિત ઓરડા તોડી નંખાયા બાદ નવા ઓરડાઓનું બાંધકામ કરવામાં ન આવતાં છેલ્લાં એકાદ વર્ષથી ગામના ચર્ચમાં (Church) બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે. શિક્ષણ સમિતિના રેઢિયાળ કારભારથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પ્રાપ્ત વિગત મુજબ, નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાંઝણા ગામની નાયકીવાડ ફળિયાની પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ માં ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને છ જેટલાં શિક્ષકોનો સ્ટાફ છે. આ શાળાના ઓરડા જર્જરિત થતાં બે વર્ષ પૂર્વે આ જર્જરિત ઓરડાઓને તોડી નાંખવામાં આવ્યા હતા.

ચર્ચના કર્તાહર્તાઓ દ્વારા બાળકોને બેસાડવાની મંજૂરી આપી
બાદમાં ઓરડાની સંખ્યા, ટેન્ડરની આંટીઘૂંટીમાં આજદિન સુધી નવા ઓરડાઓનું બાંધકામ કરવામાં આવ્યું નથી અને છેલ્લાં એક વર્ષ કરતાં વધુ સમયથી ફળિયામાં આવેલા ચર્ચમાં ૬ થી ૮ ધોરણના ત્રણ વર્ગના બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે. ચર્ચના કર્તાહર્તાઓ દ્વારા બાળકોને બેસાડવાની મંજૂરી આપી સુવિધા ઉપલબ્ધ કરાવી સેવાકીય અભિગમ દાખવતાં બાળકો અને વાલીઓને રાહત થવા પામી હતી. સ્થાનિકો ચર્ચના અભિગમને બિરદાવી રહ્યા છે. જો કે, ઓરડાના અભાવે બાળકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે અને લાંબા સમયથી ઓરડાઓનું બાંધકામ ન થતાં વિદ્યાર્થીઓ સાથે સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ ભભૂકી ઊઠયો છે અને આવનારા દિવસોમાં સ્થાનિકો તંત્રના રેઢિયાળ કારભાર સામે બાંયો ચઢાવી આક્રમક કાર્યક્રમો આપે તો નવાઇ નહિ તેવી સ્થિતિ સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જવાબદાર અધિકારીઓ જાગશે કે કેમ તે જોવું રહ્યું.

ચાર ઓરડાની મંજૂરી પણ આપી દેવામાં આવી હતી
વાંઝણાના પૂર્વ સરપંચ નલિનભાઇના જણાવ્યા અનુસાર-નાયકીવાડ ફળિયાની પ્રાથમિક શાળામાં નવા ઓરડાના બાંધકામ માટે ઇજારદાર દ્વારા માલસામાન પણ નાંખી દેવાયું હતું. પરંતુ તે પણ રીટર્ન ભરી લેવાયું હતું. અને ત્યારબાદ કોઇ આવ્યું નથી.હાલે એકાદ વર્ષ કરતા વધુ સમયથી ત્રણ ધોરણના બાળકોને ચર્ચમાં બેસાડવામાં આવી રહ્યા છે. ત્યારે વહેલી તકે બાંધકામ શરૂ થાય તે જરૂરી છે. સર્વ શિક્ષા અભિયાનના ટીઆરપી જાવેદભાઇના જણાવ્યાનુસાર નાયકીવાડ પ્રા. શાળામાં ત્રણ ઓરડા મંજૂર થયા હતા પરંતુ પાછળથી ચાર ઓરડાની માંગણી કરાતા ૩૧/૧૨/૨૧ ના રોજ સ્ટેટ પ્રોજેકટ ઇજનેર દ્વારા ચાર ઓરડાની મંજૂરી પણ આપી દેવામાં આવી હતી અને ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવેલ પરંતુ કોઇ એજન્સીએ ટેન્ડર ન ભરતા રીટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.

Most Popular

To Top