Dakshin Gujarat

સોનગઢ તાલુકા પંચાયતના સરકારી ક્વાર્ટરમાં ગ્રામસેવક ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો

વ્યારા: સોનગઢ (Songarh) તાલુકા પંચાયતમાં ગ્રામસેવક તરીકે આઈ.આર.ડી. (I.R.D) ખાતામાં ફરજ બજાવતા કર્મચારી (Employee) સરકારી આવાસમાંથી ફાંસો ખાધેલી મૃત હાલતમાં મળી આવ્યો છે. ગ્રામસેવક જનકભાઇ નાજાભાઇ જેઠવા (ઉં.વ.22)એ 06/01/2023ના રોજ બપોરે 2:30 પહેલાં કોઈ પણ સમય તાલુકા પંચાયતના સરકારી ક્વાર્ટરમાં આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. મૂળ મોટી ધાણેજ, તા.માળીયા, જિ.જૂનાગઢના વતની હાલ સોનગઢ તાલુકા પંચાયતનાં સરકારી ક્વાર્ટરમાં રહેતા હતા. તેઓએ સરકારી આવાસમાં રસોડાના આડિયાનાં લાકડાં સાથે દોરડું બાંધી આપઘાત કર્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. મોતનું સાચું કારણ હાલ જાણી શકાયું નથી.

સામાન્ય સભા પછી કચેરીમાં જમવાનો કાર્યક્રમ પણ હતો
કહેવાય છે કે સોનગઢ તાલુકા પંચાયતનાં સરકારી આવાસમાં ફાંસો ખાધેલી મૃત હાલતમાં મળી આવેલો ગ્રામ સેવક ત્રણેક મહિના પહેલાં સોનગઢ તા.પં.માં પોતાની ગ્રામ સેવકની ફરજ પર હાજર થયો હતો. શુક્રવારે સવારે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં તા.પં.ની યોજાયેલી કારોબારી સભામાં સહી કરી અધવચ્ચેથી આ ગ્રામ સેવક પોતાના ઘરે જતો રહ્યો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. સામાન્ય સભા પછી કચેરીમાં જમવાનો કાર્યક્રમ પણ હતો. તેમાં જનક જેઠવા હાજર ન હોવાથી તેમની સાથે સરકારી આવાસમાં રહેતા સહ કર્મચારીએ જમવા માટે તેમને ફોન કર્યો હતો. પરંતુ ફોન રિસીવ થતો ન હોય સહકર્મીએ આવાસ પર જઈ તપાસ કરતાં અંદરથી દરવાજો બંધ હતો. બારણું ખખડાવવા છતાં કોઇ જવાબ મળતો ન હોવાથી સહકર્મીએ આસપાસના લોકોને બોલાવી બારણું તોડી ઘરમાં પ્રવેશ કરતાં જનક જેઠવાના રસોડાના ભાગે આડિયા સાથે લટકેલો મૃતદેહ મળી આવ્યો હતો.

વાંકાનેરમાં પ્રેમિકાએ પ્રેમસંબંધ તોડી નાંખતાં યુવકે જીવન ટુંકાવ્યું
બારડોલી: બારડોલીના વાંકાનેર ગામે વાડી ફળિયામાં રહેતા 22 વર્ષીય યુવકે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પ્રેમિકાએ પ્રેમસંબંધ તોડી નાંખતા યુવકે આ પગલું ભર્યું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના વાંકાનેર ગામે રહેતો 22 વર્ષીય યુવાન કિરણ અશોક રાઠોડને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. પરંતુ કોઈક કારણોસર યુવતીએ પ્રેમસંબંધ તોડી નાંખતાં કિરણને મનમાં લાગી આવ્યું હતું. ગુરુવારે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ કિરણે ઘરમાં મોભ સાથે કમ્મર પટ્ટાથી ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોએ જોઈ લેતાં તરત જ તેને નીચે ઉતારી બારડોલીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ જયદેવ રાણા કરી રહ્યા છે.

Most Popular

To Top