Columns

અન્ના હઝારેની નકલ કરવા નીકળેલા સોનમ વાંગચુક જંતરમંતરમાં ભેરવાઈ ગયા છે

ગાંધીવાદી નેતા અન્ના હઝારેએ જન લોકપાલ બિલ લાવવા માટે દિલ્હીમાં જંતરમંતર ઉપર અનશન કર્યા ત્યારે તેમના સમર્થનમાં લાખો લોકો ઉમટ્યાં હતાં. દેશભરમાં અન્ના હઝારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનને જે સમર્થન મળ્યું તેને કારણે ડઘાઈ ગયેલી યુપીએ સરકારે સંસદનું તાકીદનું સત્ર બોલાવીને જન લોકપાલ બિલ પાસ કરવું પડ્યું હતું. અન્ના હઝારેના આંદોલનનો ઉપયોગ કરીને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની અને કેન્દ્રમાં ભાજપની સરકારો આવી હતી, પણ દેશમાં ભ્રષ્ટાચાર ઘટવાને બદલે વધ્યો હતો. અન્ના હઝારેના આંદોલનને જનતાનો પ્રચંડ ટેકો મળવા છતાં તેમનું આંદોલન નિષ્ફળ ગયું હતું, કારણ કે દેશમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતી ચૂંટણી પ્રથા જેમની તેમ છે. અન્ના હઝારે ભાજપના ભ્રષ્ટાચાર સામે જંગે ચડવાને બદલે રાલેગાંવ સિંધીમાં જઈને પોઢી ગયા છે, ત્યારે જંતરમંતરમાં એક બીજું આંદોલન ચાલી રહ્યું છે.

આ આંદોલનનો પ્રારંભ કરનારા કોક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે જનસમર્થન મેળવવા માટે લડાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકનો ઉપયોગ કરી રહ્યા છે, પણ અભિજીત દીપકે અરવિંદ કેજરીવાલ નથી અને સોનમ વાંગચુક અન્ના હઝારે નથી. સોનમ વાંગચુકની માગણી શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવા પૂરતી  મર્યાદિત છે, પણ કેન્દ્ર સરકાર તેની નોંધ સુદ્ધાં લેતી નથી, કારણ કે કોક્રોચ જનતા પાર્ટીના ઇન્સ્ટાગ્રામ પર બે કરોડ સમર્થકો હોવા છતાં જમીન પર બે હજાર બંદાઓ ભૂખ હડતાળ પર પણ બેસવા તૈયાર નથી.

આ બાજુ અનશન પર બેઠેલા સોનમ વાંગચુકની તબિયત દિનપ્રતિદિન કથળી રહી છે. કોક્રોચ જનતા પાર્ટીનું સમગ્ર ધ્યાન હવે ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવા પર નહીં પણ સોનમ વાંગચુકને બચાવવા પર કેન્દ્રિત થયું છે. ધારો કે કેન્દ્ર સરકાર ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવાનું કહે તો પણ તેનાથી દેશની ભ્રષ્ટ રાજકીય વ્યવસ્થા કેવી રીતે સુધરી જશે, તેનો કોઈ જવાબ કોક્રોચ જનતા પાર્ટી પાસે નથી. કોક્રોચ જનતા પાર્ટી હવે આંદોલન સમાપ્ત કરવા માટેનું કોઈ ફેસ સેવિંગ બહાનું શોધી રહી છે.   સોનમ વાંગચુકને પરાણે ખોરાક આપવા અને તેમનો જીવ બચાવવા હવે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈ કોર્ટના આદેશને પગલે સોનમ વાંગચુક પારણું કરશે તો તેમની ઇજ્જત બચી જાશે.

શિક્ષણવિદ્ સોનમ વાંગચુક છેલ્લા ૧૮ દિવસથી દિલ્હીના જંતર-મંતર ખાતે ભૂખ હડતાળ પર બેઠા છે. તેમની ભૂખ હડતાળ બળજબરીથી સમાપ્ત કરવા અને તેમને ખોરાક પૂરો પાડવા માટે હાઈ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. કાર્યકર્તા અને વકીલ રાકેશ કુમાર સૈની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમનું વજન ૮.૫ કિલોગ્રામ ઘટી ગયું છે અને બે દિવસમાં તેમનું મૃત્યુ થઈ શકે છે. અરજીમાં કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને યોગ્ય સૂચનાઓ આપવાની પણ માંગણી કરવામાં આવી છે, જેમાં સોનમ વાંગચુકને હોસ્પિટલમાં લઈ જવાની અને બળજબરીથી ખોરાક આપવાની માંગણી પણ કરવામાં આવી છે.

સોનમ વાંગચુકની બગડતી તબિયત વચ્ચે સમર્થનના અવાજો વધી રહ્યા છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે સોનમને તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરવાની અપીલ કરી છે. કેજરીવાલે એવી પણ જાહેરાત કરી છે કે તેઓ ગુરુવારે સાંજે ૫ વાગ્યે દિલ્હીના જંતરમંતર ખાતે વિરોધ સ્થળ પર જઈને તેમને સમર્થન આપશે. જો આપણે ફિલ્મ ઉદ્યોગની વાત કરીએ તો ભારતીય સિનેમાના પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજ કોક્રોચ જનતા પાર્ટી (CJP) ની શરૂઆતથી જ તેને સમર્થન આપી રહ્યા છે.

તેમણે બેંગલુરુમાં CJP વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને ગયા શનિવારે પણ તેઓ જંતરમંતર પહોંચ્યા હતા અને સોનમ વાંગચુકને મળ્યા હતા. ગયા શુક્રવારે પંજાબી ગાયક કાકા પણ વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા અને પ્રદર્શનને પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો. રિયાલિટી શો રોડીઝના હોસ્ટ રઘુ રામ પણ ૭ જુલાઈના રોજ વિરોધમાં જોડાયા હતા. જો કે, આ બધાને કારણે સરકારના પેટનું પાણી પણ હલ્યું નથી.

અગાઉ લેખિકા અરુંધતી રોય, અભિનેતા નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠક શાહ અને અર્થશાસ્ત્રી જયતિ ઘોષે વાંગચુકની માંગણીઓને ટેકો આપ્યો હતો અને તેમને ભૂખ હડતાળ સમાપ્ત કરવાની વિનંતી કરી હતી. કોક્રોચ જનતા પાર્ટી પાસે સલાહકારો નથી, જેને કારણે હવે આઇટેમ ગર્લ રાખી સાવંત તેમને સલાહ આપવા મેદાને પડી છે. રાખી સાવંત ઘણી વાર કેટલાક મુદ્દા પર ખુલીને બોલે છે, પછી ભલે તે સેલિબ્રિટી વિશે હોય, રાજકારણીઓ વિશે હોય કે દેશ વિશે હોય.

તેણીએ તાજેતરમાં સોનમ વાંગચુકની ભૂખ હડતાળ વિશે કહ્યું હતું કે સોનમ વાંગચુકને નકામા લોકો માટે પોતાના જીવનું બલિદાન આપવાની જરૂર નથી. રાખી સાવંતનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કાર્યકર્તા સોનમ વાંગચુક વિશે વાત કરતાં કહે છે કે સોનમ જી, હું તમને વિનંતી કરું છું કે આ નકામા લોકો માટે તમારા જીવનનું બલિદાન ન આપો. તમારું જીવન ખૂબ જ કિંમતી છે. રાખીએ આગળ કહ્યું કે હું જંતરમંતર જઈશ અને મારા પોતાના હાથે તેમનો ઉપવાસ તોડીશ. હું તેમને લીંબુનું પાણી અને કેરીનો રસ પીવડાવીશ. ઘણા વિપક્ષી નેતાઓએ પણ સોનમ વાંગચુકના મુદ્દાઓને ટેકો આપ્યો છે અને તેમને ભૂખ હડતાળ સમાપ્ત કરવા વિનંતી કરી છે.

સોનમ વાંગચુક લદ્દાખના ઠંડા રણ પ્રદેશના રહેવાસી છે. તેમણે પોતાનું જીવન ગરીબ બાળકોના શિક્ષણમાં સુધારો કરવા માટે સમર્પિત કર્યું છે. ૧૯૮૮ માં તેમણે અને તેમના સાથીઓએ સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) શરૂ કર્યું. આ પહેલ એવા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે બનાવવામાં આવી હતી જેમને હાલની શિક્ષણ પ્રણાલી દ્વારા ઘણી વાર નિષ્ફળ માનવામાં આવતા હતા.

આ ચળવળ ભારતના રાષ્ટ્રવ્યાપી સર્વ શિક્ષા અભિયાનના લગભગ એક દાયકા પહેલાં શરૂ થઈ હતી. SECMOL સાથે સંકળાયેલા ઘણા વિદ્યાર્થીઓ પાછળથી વૈજ્ઞાનિકો અને વ્યાવસાયિકો બન્યા હતા. આ પહેલથી સાબિત થયું કે જ્યારે શિક્ષણ ફક્ત પરીક્ષાનાં પરિણામોને બદલે વિદ્યાર્થીઓની ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે તેઓ મોટી સફળતા મેળવી શકે છે. જો તમે બોલીવુડ ફિલ્મ થ્રી ઇડિયટ્સ જોઈ હોય, તો તમને યાદ હશે કે અભિનેતા આમિર ખાન ફુનસુખ વાંગડુનું યાદગાર પાત્ર ભજવતો હતો. આ પાત્રને વિશ્વભરનાં દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું; પરંતુ કદાચ ઘણાં લોકો જાણતાં નથી કે આ પાત્ર વાસ્તવિક જીવનના શિક્ષક અને આંદોલનવાદી સોનમ વાંગચુકથી પ્રેરિત હતું.

સોનમ વાંગચુક આંદોલનો કરવાના અનુભવી છે. અગાઉ તેઓ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે ભૂખ હડતાળ પર ઊતર્યા હતા. તેમના ઉપવાસ દરમિયાન, ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ લેહમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં ચાર લોકોનાં મોત થયાં હતાં અને ૯૦ લોકો ઘાયલ થયાં હતાં. સરકારે સોનમ વાંગચુક પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો. બે દિવસ પછી, ૨૬ સપ્ટેમ્બરના રોજ, તેમને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા અને જોધપુર જેલમાં મોકલવામાં આવ્યા હતા. સોનમ વાંગચુકે જોધપુર જેલમાં ૧૭૦ દિવસ વિતાવ્યા હતા. ત્યાર બાદ ભારતના ગૃહ મંત્રાલયે જાહેરાત કરી હતી કે વિગતવાર ચર્ચા પછી વાંગચુકની અટકાયત તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી રહી છે. જેલમાંથી મુક્તિ પછી પત્રકારો સાથે વાત કરતાં સોનમ વાંગચુકે કહ્યું કે સરકારે રચનાત્મક અને અર્થપૂર્ણ વાતચીતની ઓફર કરી છે, જે અમે શરૂઆતથી જ ઇચ્છતા હતા. જો કોક્રોચ જનતા પાર્ટીના કિસ્સામાં સરકાર વાટાઘાટો માટે તૈયાર હોત તો વાંગચુકે અનશન જ ન કરવા પડત.

અન્ના હઝારેના આંદોલનની નકલ કરવા જતાં કોક્રોચ જનતા પાર્ટી અને સોનમ વાંગચુક સપડાઈ ગયા છે. અન્ના હઝારેના આંદોલનને જોરદાર ટેકો મળ્યો હતો, કારણ કે તેમાં પડદા પાછળ ભાજપના અને આરએસએસના કાર્યકરો ગોઠવાઈ ગયા હતા, જેઓ યુપીએ સરકારને બદનામ કરીને સત્તામાં આવવા માગતા હતા. કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ગઈ તે પછી તેમણે અન્ના હઝારેને પડતા મૂકી દીધા હતા. કોક્રોચ જનતા પાર્ટીના આંદોલનમાં કંઈ દમ નથી, માટે કોંગ્રેસ પણ તેને ટેકો આપવા તૈયાર નથી. આ આંદોલન ટૂંક સમયમાં સમેટાઈ જવાનું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top