રૉંગ સાઇડમાં જઈ ઝાડ સાથે ધડાકાભેર અથડાયો ટ્રક
◼️ આનંદ કૃષિ યુનિવર્સિટી નજીક સવારે 6 વાગ્યે સર્જાઈ ઘટના
◼️ ટ્રકના આગળના ભાગને ભારે નુકસાન, પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી
બોડેલી, પ્રતિનિધિ:
બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલી આનંદ કૃષિ યુનિવર્સિટી નજીક આજે વહેલી સવારે આશરે 6 વાગ્યાના અરસામાં એક ટ્રકનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અચાનક રૉંગ સાઇડમાં જઈ રસ્તા કિનારે આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતમાં ટ્રક ચાલકને ઇજાઓ પહોંચતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સ્થાનિકોમાં દોડધામ, ટ્રાફિક પર અસર
અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. થોડા સમય માટે માર્ગ પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો, જોકે બાદમાં સ્થિતિ સામાન્ય બની હતી.
અકસ્માતનું કારણ અકબંધ, પોલીસે તપાસ શરૂ કરી
અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પ્રાથમિક રીતે ડ્રાઇવરની બેદરકારી અથવા ઊંઘના કારણે અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે ઘટનાની નોંધ લઈ અકસ્માતનું વાસ્તવિક કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર: રિયાઝ સૈયદ