દેશના પ્રથમ પંક્તિના ફોટો જર્નાલિસ્ટ રઘુરાય 83 વર્ષે કેમેરાના લેન્સથી આઉટ ઓફ ફોકસ બની ગયા. બાંગ્લાદેશ સેપરેશન, સુવર્ણ મંદિર બ્લુ સ્ટાર ઓપરેશન, મહાકુંભ, મધર ટેરેસા અને ઇન્દિરા ગાંધી પોર્ટ્રેટ, ભોપાલ ગેસ કાંડ પ્રકારે 50થી વધુ હિમાલયન ડોક્યુમેન્ટેશન આપનાર પદ્મશ્રી રઘુરાય કહેતા “કેમેરાના લેન્સમાંથી તથ્ય (સત્ય)નું વર્તમાન દર્શન માનવ-મસ્તિષ્કને ઘટનાઓના ભૂતકાળ – ભવિષ્યકાળ સાથે તાદાત્મ્યથી જોડે છે ત્યારે તસવીર કશુંક અદૃશ્ય પણ કચકડે કંડારતી જોવા મળે છે.”અનુભવ પણ એવો જ છે કે ઘટનાઓ અને વિચારોને વ્યક્ત કરતાં રહેતાં લેખકો, વક્તાઓ અને કલાકારોની અભિવ્યક્તિમાં ક્યારેક કશું અગમ પ્રદર્શિત થતું જોવા મળે છે.
ભગવાન બુદ્ધ કહે છે, “યં ભવિતું હોતી, તં અકેને તથ્યે સંભવિત” અર્થાત્ જે બનવાનું હોય છે તે એક અર્થમાં બની જ ગયું હોય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા (7.26)માં ભગવાન કૃષ્ણ કહે છે “હું ભૂતકાળમાં થઈ ગયેલા,વર્તમાનમાં રહેલા અને ભવિષ્યમાં આવનારા તમામ જીવો (ઘટના)ને જાણું છું. સામાન્ય (સંસારી) જીવો તેને પામી શકતા નથી. ભારતીય દર્શનમાં જ્યોતિષવિચારની પ્રાથમિકતા જ ભવિષ્ય છે. વ્યક્તિ કે ઘટનાઓના જન્મસ્થળ સમયે ગ્રહો અને નક્ષત્રોનાં સ્થાન અને પારસ્પરિક ચુંબકીય પ્રભાવમાંથી વિકસતી સંભાવનાઓના ગણિતને સમાજ ભવિષ્ય તરીકે માને છે. પરંતુ આવી આગાહી તર્ક કે સાર્વત્રિક રીતે સ્વીકાર્ય વિજ્ઞાન નથી જણાતું. આમ છતાં કર્મનો સિદ્ધાંત આજે પણ માનસિક સમાધાન પ્રેરનાર રહ્યો છે જે જમીનની હકીકત છે.
ભવિષ્યને વર્તમાનમાં જોનાર પ્રજ્ઞાચક્ષુ નોસ્ત્રાદેમસએ 16 મી સદીમાં દુનિયા વિશ્વયુદ્ધોમાં ખુવાર થશે તેવી આગાહી કરેલી. વર્ષ 1911 માં જન્મેલા બાબા વેન્ગાએ પૃથ્વી ઉપર આબોહવા પરિવર્તન (ગ્લોબલ વોર્મિંગ) અને જીઓ પોલિટિક્સથી દુનિયા પ્રભાવિત થશે તેવું આજથી ૮૫ વર્ષ પહેલાં ભવિષ્ય ભાખેલું. આઇઝેક ન્યૂટને ધર્મગ્રંથોના આધારે વર્ષ 2060 માં પૃથ્વીના અંતની આગાહી કરી છે. તો રે- રુઝવેલ્ટ વર્ષ 2045 સુધીમાં મશીન ઇન્ટેલિજન્સ ( એ.આઈ) માનવીય વિચારને મહાત કરશે એવી ઋષિવાણીથી જગતને ચેતવ્યું છે.
આપણી ભાષાના મધ્યકાલીન ભજનિક ગંગાસતીના ભજન ‘કળિયુગ પોગ્યો કારમો’ પદમાં ગંગાસતીએ આજથી 132 વર્ષ પહેલાં ગાયું છે કે પરિવારમાંથી ધર્મ અને ભક્તિનાં સાચાં મૂલ્યો ઓગળી જશે. લોકો ખરાની સમજ કે આત્મ (ઊર્જા) તેજની ઓળખ વિના માત્ર બાહ્ય દેખાવ અને પ્રપંચમાં ફસાશે. શિષ્ય ગુરુના વચનનું પાલન ન કરતાં દંભ ખાતર જ્યોત પ્રજવલિત રાખશે. સમાજમાં વ્યક્તિ દોષ અને વાદવિવાદનો કલેશ વધશે. પોતાની વૈયક્તિક અનુભૂતિને કોઈ અનુસંધાન વિના જ કવિતા સ્વરૂપે મૂકનાર ગંગાસતીના ભજનમાં 21મી સદીના સામાજિક અને માનવીય સંબંધોની આગાહી આજે હકીકત બની છે.
ભયના ઓથારે ધર્મ વેચતા ભગવાં અને શ્વેત વસ્ત્રધારીઓ હોમ- હવન કે નમાઝી કર્મકાંડને શાસ્ત્રોકત સાધન તરીકે ધારણ કરે છે પરંતુ આ તકનીક બીરબલની ખીચડીથી વધુ કંઈ જ પ્રતિપાદિત કરી શકતું નથી. તેવી જ સ્થિતિ ચૂંટણી પરિણામોની આગાહી કરતા રાજકીય પંડિતોની જોવા મળી છે. દેશના જાણીતા કટારલેખક ખુશવંતસિંઘ જેમનો લોકરંજક લેખક– વક્તા તરીકે પરિચય આપતા તેવા વિષય સાથે એકાત્મ વિના જ વ્યક્ત થતાં સમુદાય માટે તો મહાભારતની દ્રૌપદી કહે છે તેમ “આંધળાના આંધળા” કહેવાનું રહે. આમ છતાં સમાજ જેને સામાન્ય કહે છે તેવાં સ્ત્રી પુરુષોની વાત, લખાણ કે અભિવ્યક્તિમાં, તેઓના સ્વપ્નમાં, એકાગ્રતાની આલ્ફા અવસ્થામાં, અનાયાસે જ પણ આવનાર સમયનું આછું પાતળું સત્ય દર્શન અભિવ્યક્ત થયાનાં અનેક ઉદાહરણો ઘર-ઘરમાં મોજૂદ છે.
આદિ શંકરાચાર્ય આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં જેને એકાત્મક ભાવ તરીકે દર્શાવે છે તેવી મનોસ્થિતિમાં વ્યક્તિ કોઈ એક ભાવમાં સ્થિર થતાં તેનું અસ્તિત્વ (અહંકાર) ખોઈ બેસે છે અને તેનું મન ચેતનાના અનુસરણમાં ધકેલાય છે. ભારતીય દર્શનમાં એકાત્મક ભાવની સ્થિતિને પાશ્ચાત્ય વિજ્ઞાન ફલો સ્ટેઇટની સ્થિતિ તરીકે જાણે છે. એકાગ્રતાની પરાકાષ્ઠા એ ગાયકો, ચિત્રકારો , નૃત્યકારો, કારીગરો ભૂખ – તરસ અને ઊંઘની જૈવિક સંવેદનાથી ઉપર ઊઠી જાય છે. આનંદથી સ્વીકારેલ એકાગ્રતાની ચરમસીમા ને મનોવિજ્ઞાનની સ્વિટન કોટલર “હાર્પર વેવ” કહે છે. પ્રાણાયામ થકી મસ્તિષ્કને અધિક ઓક્સિજન આપવા સાથે પ્રચુર એકાગ્રતા( ધ્યાન)ની સ્થિતિમાં ભારતના ઋષિમુનિઓએ સમગ્રતા સાથે સચોટ અનુબંધ કેળવ્યાનાં ઉદાહરણો વેદ- ઉપનિષદો અને પુરાણોમાં ભરપૂર નોંધાયાં છે.
“ઉપનિષદ સમયકાળને બ્રહ્મનું સ્વરૂપ માને છે. જે ભૂત, વર્તમાન અને ભવિષ્યને એક તારે જોડી રાખે છે.” મૈત્રીણી ઉપનિષદ મુજબ “સમય સનાતન સત્યનો જ એક ભાગ છે. ઉપનિષદનું દર્શન કહે છે પરમ સત્ય ત્રણે કાળથી પર છે. આમ છતાં વર્તમાન શાશ્વત અસ્તિત્વ હોતા તેમાં જ ભવિષ્ય સમાયેલ છે”. ડાર્ક મેટર સાથે જોડાયેલ કવોન્ટમ થિયરી પણ આ જ વાત કહી રહ્યું છે. ભારતીય દર્શનમાં સમય રેખીય (લાઇનર) નહીં પણ ચક્રિય (સાયકલિક) છે. મૈત્રીણી ઉપનિષદ સ્પષ્ટ કહે છે કે ભૌતિક અધ:પતન ભવિષ્યમાં આવનાર પરિવર્તનનો જ આડકતરો અંશ છે.
પતંજલિ જેને મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય શરીર તરીકે જણાવે છે તે અવસ્થાને સક્રિય કરવા માટે અનિવાર્ય ચિત્તની એકાગ્રતામાંથી સહજ ભાવે અભિવ્યક્ત થતી આર્ષ વાણી ભવિષ્ય બની રહે છે. અગમચેતી બની રહી છે. લેખકો ,વક્તાઓ સંગીતજ્ઞ કલાકારોની એકરસ અભિવ્યક્તિમાં પ્રગટ થતું ચમત્કારી તત્ત્વ ખરેખર તો વિજ્ઞાન છે. ભવિષ્ય વર્તમાન બનીને સહજ ભાવે વહેતું થાય છે ત્યારે દરિયો નદીમાં સમાયાનો આધાર મળે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.