Columns

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રચૂડના કેટલાક અગત્યના ચુકાદાઓ….

સુપ્રીમ કોર્ટના 50મા ચીફ જસ્ટીસ તરીકે ધનંજય યશવંત ચંદ્રચૂડ શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્વારા તેમના નામ પર મહોર વાગી છે. કાયદાના ક્ષેત્રમાં ડી.વાય.ચંદ્રચૂડનું નામ જાણીતું છે અને તેમણે આપેલા ચુકાદાઓની પણ ખૂબ ચર્ચા થઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસના પદે શપથ લેનાર ડી.વાય.ચંદ્રચૂડ અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ રહી ચૂક્યા છે અને બોમ્બે હાઇકોર્ટમાં પણ તેમણે ન્યાયાધીશ તરીકે સેવા આપી છે. હવે તેઓ 2 વર્ષ સુધી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ તરીકેનું પદ સંભાળશે. તેમના પિતા વાય.એ.ચંદ્રચૂડ પણ સૌથી લાંબા કાર્યકાળ સુધી ચીફ જસ્ટીસ રહી ચૂક્યા છે. આમ ડી.વાય. ચંદ્રચૂડની કાયદાની પૃષ્ઠભૂમિ મજબૂત છે અને તેમણે આપેલા ચુકાદાઓ અને તેમાં થયેલું ડ્રાફ્ટિંગ તેની સાબિતી આપે છે.

ડી.વાય.ચંદ્રચૂડે જે કેટલાક ચુકાદાઓ આપ્યા છે તેમાંનો એક છે તે અવિવાહિત મહિલા ગર્ભવતી થાય તો તે 24 અઠવાડિયાંમાં ગર્ભપાત કરાવી શકે છે. આ ચુકાદો આપવામાં જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ સાથે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એ.એસ.બોપન્ના હતા. આ 3 સભ્યોની ખંડપીઠે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, એક અવિવાહિત મહિલાને સુરક્ષિત ગર્ભપાત કરવાની મંજૂરી ન આપવી તે તેની મરજી અને આઝાદીનું ઉલ્લંઘન કહેવાશે. આટલું જ નહીં ચુકાદામાં એ વાત પણ મૂકવામાં આવી કે કોઈ મહિલાને ગર્ભપાતના આ અધિકારથી એ માટે વંચિત ન રાખી શકાય કેમ કે તેણે લગ્ન કર્યા છે. આજે જ્યારે સમાજમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે તેમ સમાજની રૂઢિઓ પણ બદલાઈ રહી છે અને આ બદલાવ કોર્ટના વલણોમાં પણ જોવા મળે છે.

એ જ રીતે જ્યારે આધાર કાર્ડ અનિવાર્ય છે તેવી વાત આવી ત્યારે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ દ્વારા એમ કહેવામાં આવ્યું કે આધાર કાયદેસર છે પરંતુ 5 જજોની ખંડપીઠમાં માત્ર જસ્ટિસ ચંદ્રચૂડે જ એમ કહ્યું કે આધાર ગેરબંધારણીય છે. સૌથી પહેલાં તેમણે એ બાબતે આધારકાર્ડની વ્યવસ્થાને ગેરબંધારણીય ગણાવી હતી કે દેશના તમામ નાગરિકોનું આધારકાર્ડ માત્ર ‘UIDAI’[યુનિક આઇડિન્ટીફીકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા] દ્વારા સંચાલન થાય છે. હવે જ્યારે દેશના બધા નાગરિકોનો આ રીતે ડેટા એક ઠેકાણે હોય ત્યારે તેની કોઈ એકાઉન્ટીબિલીટી હોવી જોઈએ પણ તેમ થયું નથી. આ ઉપરાંત આધારકાર્ડની કોઈ વિગતનો દુરુપયોગ થાય તો તેમાં કોઈ અધિકારીની એકાઉન્ટીબિલીટી ફિક્સ થઈ નથી. આવી અનેક ભૂલો આધારકાર્ડના એક્ટમાં દર્શાવીને જસ્ટિસ ચંદ્રચૂડે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

 ન્યાયિક ક્ષેત્રે અનેક ચુકાદાઓમાં જસ્ટિસ ચંદ્રચૂડનો વિવેક નિહાળી શકાય છે અને તેમણે હંમેશાં નાગરિક સ્વતંત્રતાની કદર કરી છે. નાગરિકોના સ્વતંત્રતા-અધિકારોની સુરક્ષા માટે તેમણે સતત મત વ્યક્ત કર્યો છે અને એવા જ ચુકાદાઓ પણ આપ્યા છે. આવો એક કેસ તેમની સમક્ષ આવ્યો હતો તે એલગર પરિષદનો. 2018માં થયેલી એલગર પરિષદમાં હિંસા ફાટી નીકળી હતી અને તે પછી આ બનાવ અંતર્ગત 5 માનવઅધિકાર એક્ટિવિસ્ટોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ ‘UAPA’ કાયદા હેઠળ થઈ હતી. આ પરિષદમાં સરકારવિરોધી અવાજ ઊઠ્યો હતો અને તે કારણસર તેમના પર આ કાર્યવાહી થઈ હતી પરંતુ જ્યારે આ વિશે જસ્ટિસ ચંદ્રચૂડને મત આપવાનો આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, વિરોધનો સૂર એ જીવતી લોકશાહીની નિશાની છે અને તે બાબતે તેમણે યોગ્ય તપાસ કરવાની પણ તાકીદ આપી હતી.

એક ન્યાયાધીશ જે દીર્ઘ કારકિર્દી પછી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસના પદ સુધી પહોંચે છે ત્યારે તેની પાસે અનુભવનું મસમોટું ભાથું હોય છે. તેણે અસંખ્ય કેસ સાંભળ્યા હોય છે. આવો જ એક કેસ ઇન્શ્યોરન્સ લો અંગેનો તેમની સામે આવ્યો હતો. આ કેસમાં એક મહિલાએ પોતાના પતિના મૃત્યુને લઈને ઇન્શ્યોરન્સ કંપનીમાં ક્લેમ મૂક્યો હતો. ક્લેમ એક્સિડન્ટનો હતો પરંતુ આ મહિલાનો પતિ જ્યારે મોટરસાઇકલ ચલાવી રહ્યો હતો ત્યારે તેને હાર્ટએટેક આવ્યો અને તે મૃત્યુ પામ્યો.

આ દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે એક્સિડન્ટ વિશે ખાસ્સી માહિતી મેળવીને એક્સિડન્ટની સમજ મેળવી અને પછી ચુકાદો આપ્યો કે બધા પુરાવા જોતાં એવું જોઈ શકાય છે કે મોટરસાઈકલ ચલાવનાર વ્યક્તિનું એક્સિડન્ટના કારણે નહીં બલકે હાર્ટએટેક આવતાં મોટરસાઈકલ પરથી પડી જવાથી મૃત્યુ થયું છે. તેથી તેનો ક્લેમ પાસ થતો નથી. આવો એક વિચિત્ર કેસ જસ્ટિસ ચંદ્રચૂડ સમક્ષ રજૂ થયો હતો, જેની ચર્ચા મીડિયામાં ખૂબ થઈ હતી. આ કેસની વિગત એવી છે કે કોઈ વ્યક્તિને જ્યારે મચ્છર કરડે અને તેનું મૃત્યુ થાય તો તેને આકસ્મિક બીમારી ગણવી કે નહીં અને તે ઇન્શ્યોરન્સ ક્લેમ હેઠળ આવે?

આ માટે તેમણે અકસ્માતે આવતી બીમારીઓને અને કુદરતના કાળક્રમે આવતી બીમારીઓનો અભ્યાસ કર્યો. ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’નો વર્ષ 2018નો રિપોર્ટ જોઈ ગયા અને તે પછી આપેલા ચુકાદામાં તેમણે ટાંક્યું કે વિશ્વના અનેક દેશો જે મલેરિયાથી પીડિત છે તેઓ મચ્છર કરડવાને અકસ્માત નથી ગણતા અને તેથી અંતે એવો ચુકાદો આપ્યો કે મચ્છર કરડવાથી થતાં મૃત્યુને ઇન્શ્યોરન્સ પોલિસીમાં કવર કરી શકાય નહીં.

બંધારણ અને કાયદાને લોકોપયોગી રીતે મૂકવો અને વિવેકભાન સાથે રજૂ કરવો તે ન્યાયપ્રણાલીમાં કાર્યરત સૌ કોઈની જવાબદારી છે. સુપ્રીમના ચુકાદાઓ તો હાઇકોર્ટને નીચલી કોર્ટોમાં ટાંકવામાં આવે છે. એવો એક ચર્ચિત ચુકાદો કેરળના સબરીમાલા મંદિરનો હતો. આ કેસ ‘ઇન્ડિયન યંગ લોયર્સ એસોસિયેશન વિ.સ્ટેટ ઓફ કેરળ’ વચ્ચેનો હતો. આ કેસમાં જસ્ટિસ ચંદ્રચૂડે સ્પષ્ટ કહ્યું હતું કે પુરુષ-મહિલાને લઈને આપણી મનોસ્થિતિ બદલાવી જોઈએ. બંધારણે મહિલાને સમાન અધિકાર આપ્યા છે અને જ્યારે મહિલાને માસિકકાળ દરમિયાન સબરીમાલામાં પ્રવેશવા દેવામાં આવતી નથી તો તે તેના મૂળભૂત અધિકારોનું હનન છે.

જસ્ટિસ ચંદ્રચૂડના ચુકાદાઓથી તેમની ઓળખ બની છે અને અત્યાર સુધી તેમના આવા ચુકાદાઓમાં કોઈ મર્યાદા દેખાતી નથી. કેટલાક રાજકીય કિસ્સામાં પણ તેઓ તટસ્થતાથી વર્ત્યા હોય એમ જણાય છે. જેમ કે, કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે થયેલાં લેફ્ટનન્ટ ગવર્નરના સત્તાના વિવાદની બાબત. આ કેસમાં પણ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે, લેફ્ટનન્ટ ગવર્નર કાર્યકારી પ્રમુખ નથી. લોકશાહીમાં કાર્યપાલિકા અગત્યનો ભાગ ભજવે છે અને તેનું નેતૃત્વ મુખ્ય મંત્રી અને મંત્રીગણ કરે છે.

તેમણે એ પણ સ્પષ્ટ કરી આપ્યું કે, લેફ્ટનન્ટ ગવર્નર એ મુખ્ય મંત્રીની સૂચનાથી બંધાયેલા છે અને તેઓને બંધારણ દ્વારા કોઈ સ્વતંત્ર શક્તિ આપવામાં આવી નથી. હાલમાં તેમના દ્વારા ‘અલ્ટન્યૂઝ’ના પત્રકાર ઝુબૈરને જામીન આપવામાં આવી હતી. જામીન આપતી વેળાએ તેમણે કહ્યું પણ ખરું કે ધરપકડ વખતે શક્તિનો પ્રયોગ સંયમથી કરવો જોઈએ અને જ્યાં સુધી હાથમાં ઠોસ પુરાવા ન આવ્યા હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં શાણપણ નથી.  આવાં ન્યાયાધીશ દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બની રહ્યા છે.

તેઓ ન્યાયાધીશ તરીકે તો નીવડેલા છે પણ સાથે સાથે તેમના એક પાસાની વાત ક્યાંય થતી નથી તે એ કે તેમણે બે બાળકીઓને દત્તક લીધી છે. આ બંને બાળકીઓ ગરીબ પરિવારમાંથી આવે છે. આ સિવાય તેમની સાથે કામ કરનારા જસ્ટિસ ચંદ્રચૂડ વિશે એમ પણ કહે છે કે તેઓ ખૂબ કડક ન્યાયાધીશ છે અને કાયદાનું સખ્તીથી પાલન થવું જોઈએ તેવું માને છે અને કાયદો પળાવવાની બાબતમાં લોકો શું વિચારે છે તેની પણ તે પરવા કરતા નથી. આવી અસંખ્ય બાબતો જસ્ટિસ ચંદ્રચૂડને વિશેષ બનાવે છે અને અત્યાર સુધીની તેમની સફર જોતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પણ સાર્થક ઠરશે તેવું કહી શકાય.

Most Popular

To Top