Sports

સોશિયલ મીડિયાથી કમાણી કરવાના સમાચારને વિરાટ કોહલીએ નકાર્યા

નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ (Instagram) શેડ્યુલિંગ ટૂલ હોપર હેડક્વાર્ટર તરફ વિરાટ કોહલી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસ્સી, પ્રિયંકા ચોપરા સહિત ઘણા પ્રખ્યાત લોકો વિશે એક સૂચિ બહાર પાડવામાં આવી હતી. જેમાં આ તમામ દિગ્ગજની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી થયેલી આવક (Income) જણાવવામાં આવી હતી. આ યાદીમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ તમામ માત્ર એક પોસ્ટથી કરોડો રૂપિયા કમાય છે. હવે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ (Virat Kohli) આ અંગે ખુલાસો કર્યો છે.

ઈન્સ્ટાગ્રામ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અંગે વિરાટ કોહલીએ ખુલાસો આપ્યો છે. વિરાટે ટ્વીટ કરીને લખ્યું કે, “જીવનમાં મને જે પણ મળ્યું છે તેનો હું આભારી અને ઋણી છું, પરંતુ સોશિયલ મીડિયા પર મારી કમાણી અંગેના સમાચાર સાચા નથી.” વિરાટ કોહલીનું આ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. તે જ સમયે ઘણાં ચાહકો પણ આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વિરાટ કોહલી આવકવેરાના દરોડાના ડરથી પરેશાન હતો?
વિરાટ કોહલીના આ ટ્વિટ પછી ફેન્સ કોમેન્ટ સેક્શનમાં એન્જોય કરવા લાગ્યા છે. કેટલાક યુઝર્સે કહ્યું કે કિંગ કોહલી દરોડાથી ડરતો હોય તેવું લાગી રહ્યું છે. તે જ સમયે કેટલાક યુઝર્સે લખ્યું કે તમારે આ બધું કહેવાની જરૂર નથી તમે ફક્ત તમારી બેટિંગ પર ધ્યાન આપો. કેટલાક યુઝર્સે વિરાટના ટ્વીટ પર લખ્યું કે તમારે આ મામલે ઈન્કમ ટેક્સને ટેગ કરવો જોઈએ.

વિરાટ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઈન્સ્ટાગ્રામ પર 25 કરોડથી વધુ લોકો તેને ફોલો કરે છે. તે જ સમયે ટ્વિટર પર 5 કરોડ 70 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે. આ સિવાય ફેસબુક પર પણ તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. અહીં તેને 5 કરોડથી વધુ લોકો ફોલો કરે છે.

ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાંથી કમાણીનું લિસ્ટ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ શેડ્યુલિંગ ટૂલ હોપર હેડક્વાર્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં ભારતના ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું નામ પણ સામેલ છે. આ લિસ્ટમાં કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલી એક ઇન્સ્ટા પોસ્ટથી 11.45 કરોડ રૂપિયા કમાય છે. પ્રિયંકા ચોપરા આ લિસ્ટમાં 29માં નંબર પર છે. તે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 4.40 કરોડ રૂપિયા લે છે.

Most Popular

To Top