SURAT

આ વર્ષે નવરાત્રિ ફૂડ ફેસ્ટિવલ વરાછામાં યોજાશે

સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમોની ગોઠવણ પણ સમજી વિચારીને કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા મોટેભાગે નવરાત્રિ (Navratri) ફૂડ ફેસ્ટિવલ (Food Festival) અઠવા ઝોનમાં જ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે મનપા દ્વારા નવરાત્રિ ફૂડ ફેસ્ટિવલનું આયોજન વરાછા વિસ્તારમાં કરવામા આવ્યું છે. સાથે જ અઠવા ઝોનમાં પણ સ્પોર્ટસ કાર્નિવલના ફૂડ ફેસ્ટિવલને નવરાત્રિ દરમિયાન પણ ચાલુ રાખવામાં આવશે.કોરોનાને કારણે બે વર્ષથી ફૂડ ફેસ્ટિવલ યોજાયો ન હતો. આ વર્ષે કોરોનાનું ગ્રહણ ન હોય, ફૂડ ફેસ્ટિવલનું આયોજન થશે. જે માટે વરાછા (Mota Varachha) ઝોનની (Zone) પસંદગી કરવામાં આવી છે. ગુજરાતમાં આ વર્ષે વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી કાંટે કી ટક્કર આપી રહી છે.

ફૂડ ફેસ્ટિવલ તા. 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ચાલશે
અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું એ.પી સેન્ટર સુરત શહેર છે. સુરત મનપાની ચૂંટણીમાં આપને 27 બેઠક મળતા આપે મજબુત જગ્યા બનાવી લીધી છે. સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પક્ષ તરીકે શાસકોના તમામ મુદ્દે વિરોધ કરવામાં પણ કોઈ કસર બાકી રાખતા નથી. ત્યારે વરાછા વિસ્તારમાં આપનું પ્રભુત્વ વધતું હોય, શાસકો દ્વારા આ વિસ્તારમાં પણ પ્રોજેક્ટો લાવવામાં આવી રહ્યા છે અને અહી કાર્યક્રમો પણ ગોઠવવામાં આવી રહ્યા છે. આ વર્ષે નવરાત્રિ ફૂડ ફેસ્ટિવલનું આયોજન મોટા વરાછા, લીબર્ટી નાઈટની સામે મનપા પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે. ફૂડ ફેસ્ટિવલ તા. 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ચાલશે તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. સાથે જ વેસુ કેનાલ રોડ પર પણ સ્પોર્ટસ કાર્નિવલના ફૂડ ફેસ્ટિવલને ચાલુ રાખવામાં આવશે.

સોમવારથી પાવન પર્વ નવરાત્રિનો પ્રારંભ: આ વર્ષે નવ દિવસ પુર્ણ નવરાત્રિ રહેશે
સુરત: આસો મહિનાની નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ વર્ષે 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી નવરાત્રિ રહેશે. એટલે કે, પુરેપુરા નવ દિવસની નવરાત્રિ રહેશે. 9 દિવસ શહેરમાં ભક્તિમય માહોલ સાથે લોકો ગરબાની રમઝટ પણ માણશે. આ વર્ષે કોરોનાનું પણ ગ્રહણ ન હોય સરકાર દ્વારા કોઈ ગાઈડલાઈન પણ આપવામાં આવી નથી. જેથી શહેરીજનો મન મુકીને નવરાત્રિની મજા માણશે.હિન્દુ માન્યતાઓ પ્રમાણે નવરાત્રિની શરૂઆત જે વારથી થાય છે, તે વાર પ્રમાણે દેવી માતા વિવિધ વાહનો ઉપર સવાર થઈને ધરતી લોક આવે છે. જો નવરાત્રિની શરૂઆત સોમવાર કે રવિવારથી થાય તો માતા દુર્ગા હાથી ઉપર સવાર થઈને પૃથ્વી લોક આવે છે. જો મંગળવાર કે શનિવારથી નવરાત્રિ શરૂ થઈ રહી હોય તો માતા ઘોડા ઉપર સવાર થઈને આવે છે. જો નવરાત્રિની શરૂઆત બુધવારથી થઈ રહી હોય તો દેવી માતા હોડીમાં આવે છે. જો ગુરુવાર અને શુક્રવારથી નવરાત્રિ શરૂ થઈ રહી હોય તો માતા ડોલીમાં બેસીને આવે છે. આ વખતે નવરાત્રિ સોમવારથી શરૂ થઈ રહી છે એટલે દેવી દુર્ગા હાથી ઉપર સવાર થઈને આવશે. આ વર્ષે સવારનો સમય પુજા-આરાધના માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે.
શ્રેષ્ઠ મુહૂર્ત કયા રહેશે
શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં કળશ સ્થાપનાનો શુભ સમય 26 સપ્ટેમ્બરે સવારે 6:17 થી 7:55 સુધીનો છે. પરંતુ જો કોઈ કારણસર આ મુહૂર્તમાં સ્થાપના ન કરી શકાય તો અભિજીત મુહૂર્તમાં પણ સ્થાપના કરી શકાશે. અભિજીત મુહૂર્ત 26 સપ્ટેમ્બરે 11.54 થી 12.42 સુધી છે. આ મુહૂર્તમાં પણ કળશ સ્થાપના ખૂબ જ શુભ ગણાય છે. નવરાત્રી માટે સવારે કળશની સ્થાપના કરવી ખૂબ શુભ હોઈ શકે છે. પંચાંગોના જણાવ્યા અનુસાર, અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 26 સપ્ટેમ્બરે સવારે 3.23 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે સવારે 3.08 વાગ્યા સુધી ચાલશે. કળશ સ્થાપના બાદ શૈલપુત્રીની પૂજા થશે.

Most Popular

To Top