Madhya Gujarat

આણંદમાં અડધા કરોડની ધાડ પાડનારા છને સખ્ત કેદ

આણંદ : આણંદ શહેરની વિદ્યા ડેરીમાંથી છ વર્ષ પહેલા રોકડ રૂ.48 લાખ લઇને નિકળેલા કર્મચારીને આંતરિ મરચાંની ભુંકી છાંટી લૂંટ ચલાવવાના સનસનાટી ભર્યા કેસમાં કોર્ટે છ શખસને દોષીત જાહેર કર્યાં હતાં. જેમાં પાંચને છ વર્ષની કેદ અને એકને ત્રણ વર્ષની કેદની સજા કરતો હુકમ કરવામાં આવ્યો છે. આણંદ શહેરની વિદ્યાડેરીમાંથી 12મી સપ્ટેમ્બર,2016ના રોજ એચડીએફસી બેંકમાં મોટી રકમ જમા કરાવવાના છે. આ રકમની લૂંટ કરવાનો પ્લાન કેટલાક શખસે ઘડ્યો હતો. આ પ્લાન મુજબ 12મીની સવારના છએક વ્યક્તિ રીક્ષામાં વિદ્યાડેરી રોડ પર નહેરના ફાટીયા પાસે આવ્યાં હતાં. દરમિયાનમાં ડેરીમાંથી રોકડ રૂ.48 લાખ લઇને કાર નિકળી હતી.

પૂર્વ આયોજન મુજબ કારના ચાલકે ડેરીમાંથી બહાર રોડ પર આવી ગાડી ધીમી પાડી ઉભી રાખી હતી. ગાડીની ચાવી અંદર રહેવા દીધી બાદમાં પાંચ જેટલા શખસોએ ડેરીના કર્મચારીઓ પર મરચાની ભુંકી છાંટી ગાડીમાંથી ખેંચી પાડી દઇ વોચમેન નારેન્દ્ર શિવશેખન શુકલા પર લાકડાથી હુમલો કર્યો હતો. બાદમાં રોકડ રૂ.48 લાખ અને કાર મળી કુલ રૂ.49.50 લાખની ધાડ પાડતા સનસનાટી મચી ગઇ હતી. બાદમાં રૂપિયાપુરા વિરોલ નહેર પાસેથી કાર તથા રીક્ષા બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ ઘટનાના પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી અને પોલીસ વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ તપાસના અંતે યાસીનશા ઉર્ફે ગબલો અબ્દુલશા દિવાન (મુળ રહે. દીવાનવાડા, ભાલેજ, હાલ ઃ આમોદ, ભરૂચ), નીતિન ઉર્ફે નીતુ ઉર્ફે બોક્સર વિષ્ણુ ચૌહાણ (રહે. ચાવડાપુરા, જીટોડીયા), હિતેષ ગોવિંદભાઈ ઝાલા (રહે.આરાધના સોસાયટી, ગામડી, આણંદ), ધર્મેશ ઉર્ફે ગબા હિંમત ચાવડા (રહે.ચાવડાપુરા, મુળ રહે. જલુજીની મુવાડી, પણસોરા, ઉમરેઠ), વસીમ મુરસલ્લીખાન જલીલખાન પઠાણ (રહે.શાહઆલમ, મિલ્લતનગર, અમદાવાદ, મુળ રહે. ફૈઝાબાદ, ઉત્તરપ્રદેશ) અને ઇમરાન ઉર્ફે હોકલ ગની અમી મલેક (રહે.દસાડા, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગર)ની અટક કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી.

આ કેસમાં સરકારી વકિલ એ.એસ. જાડેજાની દલીલ 38 સાક્ષી અને 59 દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યાં હતાં. જે ધ્યાને લઇ ન્યાયધિશે આ કેસમાં આઈપીસી 394, 395 મુજબ યાસીનશા ઉર્ફે ગબલો દિવાન, નીતિન ઉર્ફે નીતુ ચૌહાણ, હિતેશ ઝાલા, ધર્મેશ ઉર્ફે ગબા ચાવડા, વસીમ પઠાણ, ઇમરાન ઉર્ફે હોકલ મલેકને દોષીત જાહેર કર્યાં હતાં. આ કેસમાં યાસીનશા, નીતિન ઉર્ફે નીતુ, હિતેશ, ધર્મેશ અને વસીમને છ વર્ષની સખત કેદની સજા અને રૂ. દસ હજારનો દંડ ફટકાર્યો હતો. જો દંડની રકમ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા ભોગવવાની હુકમ કર્યો હતો. આ ઉપરાંત ઇમરાન ઉર્ફે હોકલ ગની મલેકને કલમ -394ના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂ.1500નો દંડ કરવામાં આવ્યો હતો. જો દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

આરોપી પાસેથી રિકવર કરેલા 9.95 લાખ પરત કરવા હુકમ કરાયો
વિદ્યા ડેરીના રૂ.48 લાખની રોકમની સનસનાટીભરી લૂંટમાં જે તે સમયે માત્ર 9.95 લાખ જ રિકવર કરવામાં આવ્યાં હતાં. જે કોર્ટમાં જમા કરવામાં આવ્યાં હતાં. જોકે, નોટ બંધી દરમિયાન બેંકમાં જમા કરાવવામાં આવી હતી. આ રકમ અપીલ સમય પુરો થયેથી વિદ્યા ડેરી વતી ફરિયાદીને પરત આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

વીડિયો કોન્ફરન્સથી સજા સંભળાવી
આણંદની વિદ્યાડેરી પાસે સનસનાટીભરી લૂંટ કેસના મુખ્ય પાંચ આરોપી નડિયાદ અને વડોદરા જેલમાં હતાં. જોકે, જાપ્તો આવી શકેલો ન હોવાથી જેલ ઓથોરિટિએ પત્ર લખી જાણ કરી હતી. આથી, યુટીપી આરોપીને લગત જેલથી વિડીયો કોન્ફરન્સથી સજા સંભળાવવામાં આવી હતી. અલબત્ત, ઇમરાન ઉર્ફે હોકલ મલેક કોર્ટમાં હાજર રહ્યો હતો. જોકે, આ બાબતે બન્ને પક્ષે સહમતી પણ દર્શાવવામાં આવી હતી.

Most Popular

To Top