SURAT

કોરોનાની રસી મુકવાથી વધુમાં આ આડઅસર થઈ શકે: તબીબો

સુરત: (Surat) આજથી શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોરોનાની રસી મૂકવાના મહાઅભિયાનનો પ્રારંભ થશે. જો કે, જ્યારથી રસીકરણની (Vaccination) વાત અમલમાં આવી છે ત્યારથી લોકોમાં એક જ ચર્ચા છે કે, કોરોનાની વેક્સિનની કોઇ આડઅસર તો નહીં થાયને? જો કે, આ અંગે શહેરના તબીબોએ તેમનો મત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વેક્સિનની કોઇ આડઅસર થતી નથી. આ ઉપરાંત સૌથી મોટી વાત તો એ છે કે, વેક્સિનના ડોઝ સૌથી પહેલા ફ્રન્ટ કોરોના વોરિયર્સ એટલે કે, કોરોનાની સારવાર સાથે સંકળાયેલા તબીબો (Doctors) અને આરોગ્ય કર્મચારીઓને જ આપવાનો છે. સામાન્ય લોકોના વેક્સિનેશન માટે હજી થોડા દિવસ નીકળી જશે એટલે આપોઆપ જ હકીકત સામે આવી જશે.

કોરોનાની રસી આવી ગયા પછી તેની આડ અસર થશે તેવી અફવાથી લોકો ગભરાય રહ્યાં છે. કોરોનાની રસીની આડ અસર તો થાય તેવો ડર લોકોને સતાવી રહ્યો છે. જો કે, આ અંગે ‘ગુજરાતમિત્ર’એ ચેસ્ટના તબીબો સાથે વાતચીત કરીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ડો. દિપક વિરડિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની વેક્સિન નવી હોવાથી લોકો ગભરાઇ રહ્યાં છે. ઓરી, અછબડાં અને પોલિયો જેવી રસી તો બાળપણમાં જ મૂકી દેવામાં આવે છે. આ પણ આ પ્રકારની જ એક વેક્સિન છે.

જે રીતે બાળપણમાં રસી મૂકવામાં આવે અને જેટલાને રસી મૂકવામાં આવી હોય તે પૈકી કેટલાંક બાળકોને જ સામાન્ય તાવ આવતો હોય છે. કોરોના વેક્સિનની પણ કોઇ આડ અસર નથી. થાક લાગવો કે જે જગ્યા પર રસી મૂકી હોય ત્યાં ઇંન્જેક્શન મૂકાવીએ તે સમયે થાય તેવો સામાન્ય દુખાવો થાય છે તે સિવાય તેની કોઇ આડ અસર નથી. સૌથી મોટી વાત તો એ છે કે, સામાન્ય માણસોને રસી મૂકવામાં આવે તે પહેલાં તો હજારો તબીબો, નર્સ તેમજ આરોગ્ય સેવાની સાથે સંકળાયેલા અન્ય હેલ્થ વર્કર આ ડોઝ લઇ ચૂક્યાં હશે એટલે સામાન્ય લોકોએ ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી.

ગુજરાતમાં રસીકરણનો શુભારંભ

ગુજરાતમાં (Gujarat) અલગ અલગ શહેરોમાં વેક્સીનેશન શરૂ કરી દેવાયું છે. ગુજરાતમાં હેલ્થ વર્કર્સને રસી (Largest Vaccine Drive) આપવાથી પ્રારંભ કરાયો છે. દિલ્હીમાં આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન પ્રથમ રસી આપવાના સમયે હાજર રહ્યા હતા. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ હાજર રહીને વેક્સીન લેનારાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં પહેલો ડોઝ એમઆઈસીના પૂર્વ પ્રેસિડન્ટ ડોકટર કેતન દેસાઈએ લીધો હતો. જ્યારે સુરતમાં સિવિલ હોસ્પિટલમાં લિફ્ટમેન તરીકે કામ કરતા કિશન રાઠોડને પ્રથમ વેક્સીન અપાઈ હતી. વડોદરામાં પ્રથમ વેક્સિન સયાજી હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ અને ઓર્થોપેડિક વિભાગના વડા ડોક્ટર હેમંત માથુરને આપવામાં આવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top