Business

શ્રી મોહમયી મધ્યે ભદ્રંભદ્ર અવતરી ચૂક્યા છે

મુંબઈની એક વિશેષતા એ છે કે અહીં માણસની ઓળખ મોટે ભાગે તેની ભાષા કરતાં તેના કામથી થાય છે. લોકલ ટ્રેનમાં બાજુમાં બેઠેલો માણસ મરાઠી બોલતો હોય, સામેનો હિન્દી, પાછળનો ગુજરાતી અને ફોન પર કોઈ જુદી ભાષામાં વાત કરતું હોય! અહીં એની નવાઈ નથી. પણ હવે મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો કે ઑટો-રિક્ષા અને ટૅક્સીચાલકો માટે મરાઠીનું જ્ઞાન ફરજિયાત હોવું જોઈએ. મુંબઈના અત્યાર સુધીના ચરિત્રથી આ બાબત સાવ વિપરીત છે.

સ્થાનિક ભાષા શીખવા માટે પ્રોત્સાહન આપવું અને એ ભાષા ન આવડતી હોય તો રોજગાર મુશ્કેલ બનાવવો—આ બંને એક જ વાત છે? મહારાષ્ટ્રમાં ઑટો અને કૅબ ચાલકો માટે મરાઠીનું કાર્યકારી જ્ઞાન ચકાસવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આરટીઓના અધિકારીઓ રસ્તા પર જ ચાલકોને મરાઠીમાં રોજિંદા વ્યવહારને લગતા સવાલો પૂછે છે. જે ચાલકો જરૂરી ભાષાજ્ઞાન બતાવી શકતા નથી તેમને નોટિસ આપવામાં આવે છે અને મરાઠી શીખી લેવા માટે સમય આપવામાં આવે છે. ત્યાર પછી પણ ભાષાનું જરૂરી સ્તર ન આવે તો તેમના બૅજ અથવા પરમિટ સામે કાર્યવાહી થઈ શકે છે.

મહારાષ્ટ્રમાં વર્ષોથી કામ કરતા માણસને મરાઠી શીખવા પ્રોત્સાહિત કરવામાં આવે એમાં ખોટું કશું નથી. ખાસ કરીને રિક્ષા કે ટૅક્સી ચલાવતો માણસ આખો દિવસ સ્થાનિક લોકોના સંપર્કમાં રહે છે. મુસાફર શું કહે છે એ સમજાય, સરનામું સમજાય, રસ્તો સમજાય, ભાડા અંગે વાત થઈ શકે—આટલી મરાઠી આવડે તો વ્યવહાર બંને માટે સરળ બને. સરકારનો આ તર્ક સાવ ખોટો નથી. ચાલકોને મરાઠી શીખવવા માટે તાલીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ઘણા ચાલકોએ તેનો લાભ લીધો છે. પણ ભાષા આવડવી એક વાત છે અને ભાષાને રોજગારની શરત બનાવવી જુદી વાત છે.

મુંબઈ જેવા શહેરમાં બહારથી આવેલો માણસ કોઈ પણ કામ શોધી લે છે. આ શહેરની ખાસિયત જ કદાચ એ છે કે માણસ પહેલાં કામ શોધે છે અને પછી ધીમે ધીમે શહેરની ભાષા, રીતભાત અને જીવનશૈલીમાં ભળતો જાય છે. મુંબઈનું ખુલ્લાપણું અને સર્વસમાવેશકપણું તેની સૌથી મોટી વિશેષતા છે. મુંબઈની ઓળખમાં મરાઠીનું સ્થાન મહત્ત્વનું છે એનો ઈનકાર ન હોઈ શકે, પણ મરાઠીનું સન્માન જાળવવાનો રસ્તો એવો હોવો જોઈએ કે મરાઠી શીખનારને સરળતા થાય, નહીં કે મરાઠી ન આવડનારની રોજીરોટી મુશ્કેલીમાં મુકાય. જે રીતે આ પરીક્ષા અને કાર્યવાહી શરૂ થઈ છે તેમાં આ ભેદ ધૂંધળો થતો દેખાય છે. 16 પ્રશ્નોની કસોટી લેવામાં આવી રહી છે.

પ્રથમ દિવસે જ હજારો ચાલકોની તપાસ થઈ અને ઘણા ચાલકોને નોટિસ આપવામાં આવી. મુંબઈ વિસ્તારમાં 3,995માંથી 604 ચાલકોને નોટિસ આપવામાં આવી હોવાના અહેવાલ છે. કોઈ ચાલકને મરાઠી શીખવા સારું મહિનાની મુદત આપવી પહેલી દૃષ્ટિએ સહાનુભૂતિપૂર્વકની વાત લાગે. પણ જે વર્ષોથી રિક્ષાની આવકમાંથી ઘર ચલાવે છે, એના માટે પોતાની આજીવિકાના મુખ્ય સ્રોત જેવો બૅજ ગુમાવવાનો ભય નાનીસૂની વાત નથી. ખાસ કરીને એવા ચાલકો માટે, જેમનું શિક્ષણ ઓછું છે અથવા જેઓ બીજા રાજ્યમાંથી આવીને અહીં વસ્યા છે. મુંબઈ કોઈ એક ભાષા બોલનારા લોકોનું શહેર કદી હતું નહીં. મરાઠી સિવાય હિન્દી અને ઉર્દૂ બોલનારા લોકોની સંખ્યા પણ મોટી છે.

વધુ એક બાબત પણ ધ્યાનમાં લેવી પડે. 2017માં બૉમ્બે હાઇકોર્ટે ઑટો-રિક્ષા માટે મરાઠી ભાષાની આવડતની આવી જ એક શરત રદ કરી હતી. હાલની સરકારની કાર્યવાહી સુધારેલા નિયમો અને બૅજ-પરમિટની જોગવાઈઓ મુજબ જ થઈ રહી હોવાનો દાવો છે. પણ આ કાર્યવાહી કાનૂની દૃષ્ટિએ કેટલી યોગ્ય છે, તેનીય હવે કસોટી થવાની છે. અલબત્ત, કાયદાનો સવાલ એક બાજુ રાખીએ તો પણ મૂળ પ્રશ્ન એમનો એમ રહે છે. ભાષા કોઈને જોડવાનું સાધન છે કે દૂર કરવાનું? આવું મિથ્યા ભાષાભિમાન ઘડિયાળના કાંટા પાછા ફેરવવાની કવાયતથી વિશેષ બીજું કંઈ નથી. પોતાને જરૂર પડશે તો માણસ ભાષા શીખી જ લેશે, પણ આવી અંધેરી નગરીના રાજા જેવી શરત?

આ નિર્ણયની વિસંગતિ હેમંત મોરપરીયાના એક કાર્ટૂનમાં રમૂજી રીતે વ્યક્ત થાય છે. મુંબઈ એરપોર્ટ પર ઊભેલા વિમાનને ‘પરમિશન ટુ લેન્ડ?’ (ઊતરવાની પરવાનગી છે?) પૂછતા બતાવીને કાર્ટૂનમાં સવાલ કરવામાં આવ્યો છે—‘મરાઠી બોલા!’ એટલે કે ટૅક્સીચાલકો પાસેથી મરાઠી બોલવાની અપેક્ષા રાખવામાં આવે તો શું આંતરરાષ્ટ્રીય પાઇલટોને પણ મરાઠીમાં પૂછ્યા પછી જ મુંબઈના એરપોર્ટ પર વિમાન ઉતારવાની પરવાનગી મળશે? આવી શરત અન્ય વ્યાવસાયિકો કે સરકારી કર્મચારીઓ માટે છે ખરી? હવે જોવા મળી રહ્યું છે કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, વિવિધ સમસ્યાઓના નક્કર ઉકેલ વિચારીને આગળ વધવાને બદલે ગતકડાં જેવાં નિર્ણયો લઈને ખોટેખોટો વિવાદ ઊભું કરવાનું કામ જ તેમને આવડે છે. આનાથી બીજું તો જે થતું હોય એ ખરું, પણ કાર્ટૂનિસ્ટોને કાચી સામગ્રી નિયમિતપણે મળતી રહે છે.

આવું થાય ત્યારે લાગે કે ‘ભદ્રંભદ્ર’ યુગે યુગે અવતરતા રહે છે. ભાષાપ્રેમને ભાષા શીખવાના ફરમાનમાં ફેરવવામાં આવે, તો ભદ્રંભદ્ર કદાચ ખુશ થાય અને તેમને આર્યધર્મનો જય થતો લાગે. પણ ‘શ્રી મોહમયી નગરીના વિદ્યુતરથમાં બિરાજમાન જનસામાન્યને પોતાનું વિદ્યુતરથ વિરામસ્થાન’ શોધવું મુશ્કેલ થઈ જાય. ભાષા માણસને જોડવાનું માધ્યમ છે, તેની લાયકાત માપવાનું સાધન નહીં. મુંબઈની તાકાત એ જ છે કે અહીં ભાષાઓ એકબીજાને ધકેલતી નથી, આજુબાજુમાં બેસીને મુસાફરી કરે છે. ભાષા લાદવાથી જીવતી નહીં રહે. સહજપણે બોલવાથી રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top