National

શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી પોલીસને મળ્યા મહત્વના પુરાવા- CCTVમાં આફતાબ બેગ લઈને જતા દેખાયો

નવી દિલ્હી: (New Delhi) દિલ્હી પોલીસ શ્રદ્ધા મર્ડર કેસની (Shradhha Murder Case) સતત તપાસ કરી રહી છે. જોકે દિલ્હી પોલીસને હજુ સુધી કોઈ મોટા પુરાવા (Evidence) મળ્યા નથી. પરંતુ આ દરમિયાન દિલ્હી પોલીસને શનિવારે એક મહત્વપૂર્ણ પુરાવો હાથ લાગ્યો છે. પોલીસને આફતાબનો (Aftab) એવો સીસીટીવી ફૂટેજ મળ્યો છે જે ઘણા રહસ્યો ખોલી શકે છે. આ સીસીટીવી (CCTV) ફૂટેજ 18 ઓક્ટોબરનો છે. જેમાં આરોપી આફતાબના હાથમાં બેગ દેખાઈ રહી છે. દિલ્હી પોલીસને શંકા છે કે આફતાબ 18 ઓક્ટોબરે શ્રદ્ધાના વિકૃત શરીરના બાકીના ટુકડા છુપાવવા ગયો હતો.

પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે. ફૂટેજમાં આરોપી ઝડપાઈ ગયો છે. આરોપી આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તે જ સમયે મૃતદેહના કેટલાક ટુકડા ફેંકી દીધા હતા. જ્યારે માથું, ધડ અને આંગળીઓ અને અંગૂઠાને ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા. આરોપી આફતાબે આ ટુકડાઓ 18 ઓક્ટોબરે એટલે કે લગભગ પાંચ મહિના પછી જંગલમાં ફેંકી દીધા હતા. આરોપી એક જ દિવસમાં આ ટુકડા ફેંકી આવ્યો હતો. તે દિવસે આરોપી આફતાબે સાંજે 4:30 થી 7:30 સુધી ચાર રાઉન્ડ કર્યા હતા. આ દરમિયાન આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો. પોલીસે સીસીટીવી કબજે કર્યા છે. સીસીટીવી ફૂટેજમાં તે બેગ લટકાવી જતો જોવા મળે છે.

બીજી તરફ શનિવારે દિલ્હી પોલીસે શ્રદ્ધાના બે મિત્રોની પણ પૂછપરછ કરી છે. આ પૂછપરછમાં કેટલાક મહત્વના પુરાવા મળે તેવી શકયતા છે. પોલીસે આફતાબ અને શ્રદ્ધાના કપડા કબજે લીધા છે જે આફતાબના ઘરે હાજર હતા. આમાંના મોટાભાગના કપડાં આફતાબના છે. આ સિવાય પોલીસને ત્યાંથી શ્રદ્ધાના કપડા પણ મળ્યા છે. બંનેના કપડા ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. જોકે આફતાબ અને શ્રદ્ધાએ હત્યાના દિવસે પહેરેલા કપડાં હજુ પોલીસને મળ્યા નથી.

બીજી તરફ શુક્રવારે શ્રદ્ધા હત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. છત્તરપુર અને મહેરૌલીના જંગલોમાંથી મળી આવેલા હાડકા માનવોના છે. આ હાડકાં પ્રાણીઓનાં નથી. AIIMS અને તેના ફોરેન્સિક વિભાગના ડોક્ટરોએ પોલીસને અનૌપચારિક વાતચીતમાં આ માહિતી આપી છે. ફોરેન્સિક વિભાગે હજુ સુધી રિપોર્ટ આપ્યો નથી. દક્ષિણ જિલ્લા પોલીસ તેની રાહ જોઈ રહી છે. આ પછી જ હાડકાંનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ સાથે પોલીસ તેને રોહિણી સ્થિત એફએસએલમાં ફોરેન્સિક તપાસ માટે પણ મોકલશે. ડીએનએ ટેસ્ટથી ખબર પડશે કે હાડકાઓ શ્રદ્ધાના છે કે નહીં.

મુંબઈની રહેવાસી શ્રદ્ધા વાલકરની હત્યાના આરોપી આફતાબનો ગુરુગ્રામ સાથે પણ ઊંડો સંબંધ છે. દિલ્હી પોલીસની એક ટીમ આરોપી આફતાબ સાથે શુક્રવારે DLF ફેઝ-3ના સાયબર પાર્ક પહોંચી હતી. ટીમે આફતાબને ટ્રેસ કર્યો, જે ટાવર 14 સ્થિત કોલ સેન્ટરમાં કામ કરે છે. તપાસ દરમિયાન પોલીસે ટીમે તેના ડ્રોઅરમાંથી મળી આવેલા કેટલાક કાગળો પોતાની સાથે લીધા હતા. પોલીસના હાથમાં લાગેલા કાગળો હત્યા કેસના ખુલાસા સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. જો કે હજુ સુધી કોઈ પોલીસ અધિકારીએ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી.

દિલ્હી પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે તે સમયે તેણે ગુનો કર્યો હતો. તે દરમિયાન તેનું ઘરેથી કામ ચાલતું હતું. પોલીસ ટીમે અહીં કામ કરતા અન્ય લોકોની પણ પૂછપરછ કરી હતી. આ દરમિયાન કોલ સેન્ટરમાં અફરાતફરી મચી ગઈ હતી. અહીં કામ કરતી વ્યક્તિ સાથે આફતાબના કેવા સંબંધો હતા તે પણ જોવામાં આવ્યું હતું. કામ કર્યા પછી તેણે વધુ સમય કોની સાથે વિતાવ્યો? તેની પણ પોલીસે તપાસ કરી હતી.

Most Popular

To Top