SURAT

રત્નકલાકારોને દિવાળી બોનસમાં કાર ભેંટમાં આપતી ડાયમંડ કંપનીઓના આ નિર્ણયથી આઘાત

સુરત(Surat): વિશ્વમાં જે ચમકતા હીરાએ (Diamond) સુરતને ડાયમંડ સિટીની (DiamondCity) ઓળખ આપી, એ સુરતનો હીરા ઉદ્યોગ (Diamond Industry) એની ચમક ગુમાવી રહ્યો છે. નવરાત્રિથી (Navratri) દિવાળીનાં (Diwali) આગળ બે દિવસ પૂર્વે સુધી જ્યાં કામના કલાકો વધારી કારીગરોને 14 થી 16 કલાક કામ કરવાની છૂટ આપવામાં આવે છે, ત્યાં કામના કલાકો ઘટાડી સવારે 9 થી સાંજે 5 કરી દેવાયા છે.

સુરતની મોટી કંપનીઓના છાતીના પાટિયા બેસી ગયા છે. દિવાળી વેકેશન પૂર્વે કારીગરોને એમના જ કામનાં રિઝલ્ટ સામે કાર, ઝવેરાત અને ફ્લેટ ઇનસેન્ટિવમાં આપતી કંપનીને સપ્તાહમાં બે દિવસનો ઉત્પાદન કાપ મૂકવો પડ્યો છે, એટલું જ નહીં કારીગરોને દિવાળી વેકેશન 21 દિવસને બદલે એક મહિના કે એ થી વધુ રહે એવી વાત પણ કરી દીધી છે.

રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક મંદી ચાલી રહી છે, ત્યાં હવે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન, વચ્ચે યુદ્ધ શરૂ થતાં ચીન, અમેરિકા, યુરોપ પછી હવે મિડલ ઇસ્ટમાં દેશોમાં પણ વેપારને અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. ડાયમંડ જ્વેલરીની માંગ ઘટી જતાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગનાં હબ સુરતનો હીરા ઉદ્યોગ ગંભીર મંદીમાં સપડાયો છે.

નાના હીરાના કારખાનેદારો પાસે પોતાનું અને જોબવર્કનું કામ રહ્યું નથી. તાજેતરમાં મુંબઈમાં ભારતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 5 સંગઠનોએ 15 ઓક્ટોબર – 15 ડિસેમ્બર સુધી નેચરલ રફ ડાયમંડની આયાત સ્વૈચ્છિક રીતે બંધ કરવાની જાહેરાત કરતાં હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.

આ નિર્ણયને ભારતના હીરા ઉદ્યોગનો સૌથી કપરો નિર્ણય માનવામાં આવી રહ્યોં છે. જેમાં વિશ્વની તમામ માઇનિંગ કંપનીઓને ઈમેલ મોકલી જાણ કરાઈ હતી. ભારતની ડાયમંડ કંપનીઓ લાંબો સમય નુકસાન વેઠી શકે નહીં, માટે સહયોગ કરો એવી જાણ કરવામાં આવી છે.

બીજી તરફ આ નિર્ણયની જાણ રત્નકલાકારોનાં સંગઠનો સુધી પહોંચતા તેમણે સવાલો ઊભા કર્યા છે. આ વખતે 10 નવેમ્બરે કારખાના બંધ થશે અને 15 ડિસેમ્બર પહેલા ઉઘડે એવી શક્યતા ઓછી છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલ શાહ, સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણી (પટેલ), ભારત ડાયમંડ બુર્સના પ્રમુખ અનૂપ મહેતા, મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ એસોસિએશનનાં પ્રમુખ ભરત શાહ, અને સુરત ડાયમંડ એસોસિએશનનાં પ્રમુખ જગદીશ ખુંટે સંયુક્ત રીતે બે પાનાંનો પત્ર લખી બે મહિના રફની ખરીદી નહીં કરવાની જાણ કરી છે.

ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ 1.82 લાખ કરોડથી ઘટીને 1.76 લાખ કરોડ થઈ
તૈયાર હીરા અને જ્વેલરીનું મુખ્ય બજાર ચીન, અમેરિકા અને યુરોપના દેશોમાં છે. અહીં ડાયમંડ જ્વેલરીની માંગ ખૂબ ઘટી ગઈ છે. એની અસર ભારતના એક્સપોર્ટ પર જોવા મળી છે. ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ નાણાકીય વર્ષ 2022 (FY22)માં રૂ. 1.82 લાખ કરોડથી ઘટીને નાણાકીય વર્ષ 2023 (FY23)માં રૂ. 1.76 લાખ કરોડ થઈ છે.

Most Popular

To Top