Vadodara

શાંતિ ડહોળનાર પથ્થરબાજો માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીના કડક તેવર: એકેય તોફાનીને નહીં છોડાય

વડોદરા: ગૃહ પ્રધાન અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી આજે વહેલી સવારે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ વડોદરાના પોલીસ અધિકારીઓ સાથે મેરેથોન બેઠક કરી હતી. સવારે રામનવમીના દિવસે થયેલ તોફાનો બાદ લેવાયેલ પગલાં, પોલીસે મેળવેલ સીસીટીવી સહિતની બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
રામનવમીના દિવસે શહેરના ફતેગંજ વિસ્તારમાં પથ્થરમારાની ઘટનાએ શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે તે જ રાતે ગૃહમંત્રાલય તરફથી અકળાક રહે કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી. અને તેના આધારે પોલીસે કોમ્બિંગ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ વહેલી સવારે ગૃહમંત્રી વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ તેઓએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે રામનવમીના દિવસે થયેલ તોફાનો બાદ ત્વરિત પગલાં ભરવામાં આવ્યા છે અને હજુ પણ પગલાં ભરવામાં આવશે.

જે લોકો તોફાન કરીને બહાર નાસી છૂટ્યા છે તેઓને પણ એક એક કરીને ઝડપી પાડવામાં આવશે અને તેઓ સામે કડક રહે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે યાત્રા શાંતિમય રીતે ચાલતી હોય અને તેના ઉપર પથ્થરમારો થાય તેની ગંભીર નોંધ લેવામાં આવી છે. અને આજે વહેલી સવારથી બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. કોઈ પણ ધર્મના તહેવારો શાંતિમય રીતે થાય તે માટે પોલીસ હંમેશા સજ્જ છે તેમ તેઓએ જણાવ્યું હતું.

બુલડોઝર મુદ્દે હર્ષ સંઘવીની પ્રતિક્રિયા … ટૂંક સમયમાં જવાબ મળશે
ઉત્તરપ્રદેશમાં જેમ તોફાની તત્વોને સબક શીખવવા માટે યોગી સરકાર દ્વારા તેઓના ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે તેમ વડોદરા ખાતે પણ તોફાનની રાતે તેનો તખ્તો તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી હતી જો કે ત્યારબાદ કોઈ કાર્યવાહી થઇ શકી ન હતી. આજરોજ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને આ અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે તમામ બાબતો જાહેરમાં ન કહી શકાય પરંતુ તોફાની તત્વો ચ તેઓને અંદાજો છે જ અને ટૂંક સમયમાં જવાબ મળશે.

હનુમાન જયંતી પહેલા ગૃહમંત્રીની પોલીસ અધિકારીઓ સાથે બેઠક સૂચક
આગામી દિવસોમાં હનુમાન જયંતી અને ત્યાર બાદ રમઝાન માસ પૂર્ણ થયા બાદ ઈદનો તહેવાર પણ આવશે. ત્યારે આ તહેવારો શાંતિમય રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. હનુમાન જયંતી પૂર્વે ગૃહમંત્રી દ્વારા વડોદરા ખાતે પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ શહેરમાં એડિશનલ સીપી ની પણ જગ્યાની માંગ કરવામાં આવી છે ત્યારે આજની બેઠક સૂચક સાબિત થઇ રહી છે.

Most Popular

To Top