Business

બોગસ બિલિંગ કૌભાંડમાં સુરતની 11 માંથી આટલી કંપનીઓ બનાવટી નીકળી

સુરત: સ્ટેટ જીએસટી (SGST) વિભાગ દ્વારા ગઈકાલે સાંજે સુરત ,વાપી અમદાવાદ સહિત રાજ્યના 44 સ્થળોએ બોગસ આઇટીસી (ITC) કૌભાંડમાં (SCAM) સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી.બોગસ બિલિંગ કરનાર સુરતની (Surat) 11 માંથી 9 કંપનીઓ બનાવટી નીકળી છે.અહીં જીએસટી રજિસ્ટ્રેશનના સ્થળે આવી કંપનીઓ મળી આવી નથી. ભંગારના વેપાર અને ટેક્સટાઈલ પેઢીઓના નામે 100 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) ઉસેટી લેવાતાં જુદા જુદા શહેરોમાં સીએ.ની પૂછપરછ કરવામાં આવશે.

સુરતમાં જીએસટી વિભાગે બેંકોમાં જઈ ખાતાઓની તપાસ કરતા આઇટીસીના રૂપિયા ઉપડી ગયા છે. અને એકાઉન્ટ ખોલવા માટે આપવામાં આવેલા આધાર અને પેન કાર્ડ પણ બોગસ હોવાનું જાણવા મળ્યું છે.પખવાડિયા પેહલા 25 કંપનીઓના 50 જેટલા સ્થળોએ તપાસ યોજવામાં આવી હતી.એ પછી આ બીજી મોટી સર્ચ કાર્યવાહી કરવામાં આવી છે.સુરત, અને વાપીમાં બે દિવસથી સર્ચ કાર્યવાહી કરવામાં આવી છે.9 બોગસ કંપનીઓનાં રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યાં છે.સુરતમાં તપાસ દરમિયાન શહેર પોલીસની એસઓજીની ટીમને પણ સાથે રાખવામાં આવી છે.ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે આ તપાસ થઈ રહી છે.ટેક્સટાઈલની જે કંપનીઓ દ્વારા જીએસટી રજિસ્ટ્રેશન માટે સરનામાં ખોટા દર્શાવ્યા હતાં. એવી 25થી વધુ કંપની મળી આવી છે.વિભાગે ડોક્યુમેન્ટ જપ્ત કરી તપાસ યથાવત રાખી છે.

સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા સમગ્ર રાજયમાં પાડવામાં આવેલાં દરોડામાં મોટાપાયે બોગસ બિલિંગના વ્યવહાર મળી આવ્યા છે. સુરત,વાપી અમદાવાદ સહિત કુલ 44 સ્થળે તપાસ કરવામાં આવી હતી. એસજીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સ્ક્રેપના વેપારમાં જીએસટી દર 18 % હોવાથી મોટાપાયે ગેરરીતિ કરવામાં આવે છે. આવી જ રીતે હોલસેલ દવાઓના વેચાણમાં પણ ગેરરીતિ કરવામાં આવતી હોય છે.કાપડ માર્કેટમાં ચીટર ટોળકી આ કૌભાંડમાં સામેલ છે. અગાઉ 50 પેઢીઓમાં તપાસ દરમિયાન નવી પેઢીઓના નામો ખુલ્યા હતાં. માત્ર ચોપડે વેપાર દર્શાવી બિલો બનાવી સરકારને આઇટીસીનો ચુનો ચોપડવામાં આવ્યો છે.

સ્ક્રેપમાં મોટાપાયે અન્ડર ઇનવોઇઝ કરવામાં આવ્યું છે.માલ વધુ વેચાયો હોવા છતાં ઓછી કિંમતના બિલ બનાવી ટેક્સની રકમ ઓછી ભરપાઈ કરી આઇટીસી પાછી ઉપાડી લેવામાં આવી છે. સુરતમાં અલંગનો સ્ક્રેપ ખરીદનારા અને ટેક્સટાઈલ પેઢીઓ કાપડ પર ચલાવનારાઓને વરુણીમાં લેવામાં આવશે.

Most Popular

To Top