National

સીમા હૈદરની એકાએક તબિયત બગડી, ભારતીય નાગરિકતાની માંગ કરી

નવી દિલ્હી: પાકિસ્તાની (Pakistani) મહિલા સીમા હૈદર (Seema haider) કોઇને કોઇ કારણસર ચર્ચામાં આવી રહી છે. થોડા સમય પહેલા સીમા-સચિનના લગ્નના ફોટો સામે આવ્યા હતા. જે બાદ હાલ સીમા હૈદરની અચાનક તબિયત બગડી હોવાનું સામે આવ્યું છે. જેથી તે હવે કોઇની સાથે વાત કરવાની સ્થિતિમાં નથી. સીમાને એના ઘરે જ ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવ્યા છે. તેને ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ છે. તેમજ સીમાના એડવોકેટ એપી સિંહે ભારતીય નાગરિકતા મેળવવા અંગે રાષ્ટ્રપતિને અરજી કરી હતી. આ અરજીમાં તેણે ભારતમાં રહેવાની મંજૂરી આપવા માટેની અપીલ કરી છે. તેણે વધુમાં કહ્યુ કે તે સચિનની પત્ની છે તેથી હવે તે ભારતીય વહુ છે અને તેણે હિન્દુ ધર્મ પણ અપનાવ્યો છે.

સચિન મીનાના પિતા સચિન નેત્રપાલે જણાવ્યું કે, સીમા ગત રાતથી બીમાર છે. તે ખૂબ જ નબળાઈ અનુભવે છે. હાલ તો સીમા વાત પણ કરી શકતી નથી. તેની ઘરે જ સારવાર ચાલી રહી છે. તાજેતરમાં જ યુપી એટીએસ અને અન્ય તપાસ એજન્સીઓએ એક પાકિસ્તાની મહિલાની જાસૂસ હોવાની શંકાના આધારે બે દિવસ સુધી પૂછપરછ કરી હતી અને પાકિસ્તાનથી ભારત આવવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું હતું. પાકિસ્તાની મહિલા ઉપરાંત સચિન મીના અને તેના પિતા નેત્રપાલની પણ યુપી એટીએસ દ્વારા કેટલાક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના વકીલ એપી સિંહ અને સચિન મીણાના પિતા શુક્રવારે નેત્રપાલ સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. તેણે સીમા વતી દયાની અરજી કરી હતી. એપી સિંહનું કહેવું છે કે સીમાએ તેના પૂર્વ પતિ ગુલામ હૈદરથી છૂટાછેડા લીધા છે. તેણે સચિન મીના સાથે લવ મેરેજ કર્યા છે.સીમાને ભારતીય સંસ્કૃતિ પસંદ છે. જો તેને પાકિસ્તાન મોકલવામાં આવે તો ત્યાં તેનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. જો કોઈ શંકા હોય તો એજન્સીઓએ તપાસ કરવી જોઈએ. એજન્સીઓ ઈચ્છે તો પોલીગ્રાફ અને બ્રેઈન મેપિંગ જેવા ટેસ્ટ પણ કરાવી શકે છે. લોકો તેના બાળકો પર શંકા કરી રહ્યા છે, તેથી તેમનું ડીએનએ ટેસ્ટ કરાવવું જોઈએ. પરંતુ ભૂતકાળમાં જે રીતે અન્ય વિદેશીઓને નાગરિકતા આપવામાં આવી છે તે રીતે સચિનની પત્ની તરીકે સીમાને નાગરિકતા આપવી જોઈએ.

આ મુદ્દે સીમાએ ભારતમા રહેતા બોલીવુડ અભિનેતાઓ પર પણ સવાલ ઉઠાવ્યો છે. તેણે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ, અક્ષય કુમારનાં નામ પણ લખ્યાં અને સવાલ કર્યો કે જ્યારે તેઓ વિદેશી નાગરિક હોવા છતાં ભારતમાં રહી શકે છે તો તે કેમ નથી રહી શકતી. તેણે કહ્યું કે ભારત આવવાનો મારો પ્રેમ સિવાય કોઇ હેતુ નથી. હીર-રાંઝા, લૈલા-મજનૂ, શેરી-ફરહાદની લવસ્ટોરીનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે તે સચિન પ્રત્યેના પ્રેમ માટે પાકિસ્તાનથી ભારત આવી છે. તેથી તે ભારતીય નાગરિકતાના મંજૂરીની અપીલ કરી રહી છે.

Most Popular

To Top