Gujarat Main

ગુજરાતમાં ચોમાસાનો બીજો ધમાકેદાર રાઉન્ડ શરૂ: લખતરમાં સ્કૂલ બસ, નડિયાદમાં કાર પાણીમાં ફસાઈ

ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાનો (Monsoon) બીજો ધમાકેદાર રાઉન્ડ શરૂ થઈ ગયો છે. બોટાદમાં (Botad) આજે ત્રણ કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ખંભાતમાં (Khambhat) 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના (Rain) લીધે અનેક ઠેકાણે નદીઓ ઉભરાઈને રસ્તા પર વહેવા લાગી છે. લખતરમાં (Lakhtar) સ્કૂલ બસ (SchoolBus) અંડરપાસમાં ફસાઈ ગઈ હતી. વરસાદને કારણે મોડાસા (Modasa) તાલુકાના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના લખતરથી લીલાપુર તરફના રેલવેના અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. બસ વચ્ચોવચ્ચ પાણીમાં બંધ પડી જતા વિદ્યાર્થીઓ ગભરાયા હતા. આ બ્રિજમાં પાણી ભરાવાના લીધે ચાર ગામનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. બીજી તરફ નડિયાદમાં (Nadiyad) શ્રેયસ રેલવે અંડરબ્રિજમાં એક કાર ફસાઈ પડી હતી. કારમાં ચાર વ્યક્તિ સવાર હતી. કારમાં ફસાયેલી વ્યક્તિએ કારની છત પર ચઢી મદદ માગી હતી. ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યા હતા.

હવામાન વિભાગની (Weather Department) આગાહી અનુસાર ગુજરાતમાં ફરી ચોમાસું જામ્યું છે. ગઈકાલે બુધવારે મધરાત્રિથી જ રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, બોટાદ, તાપી, અમરેલી જિલ્લામાં વરસાદ પડયો છે. ખંભાતમાં 5 ઈંચ, અમદાવાદમાં 4.5 ઈંચ, નડિયાદમાં 4.5 ઈંચ, જલાલપોરમાં સવા ચાર ઈંચ, મોડાસા અને સિહોરમાં 3.5 ઈંચ, આણંદમાં 3.5 ઈંચ, તારાપુરમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે. બોટાદ અને ધંધુકામાં 3-3 ઈંચ વરસાદ ખાબક્યો છે. સંખેડા, પેટલાદમાં પણ 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે વઢવાણમાં 3, ઉમરાળામાં પોણા ત્રણ અને મહેમદાવાદમાં 2.5 ઈંચ વરસાદ જ્યારે મહેસાણા અને મેઘરજમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે.

મોડાસામાં તો એક જ રાતમાં 3 ઈંચ વરસાદને લીધે ઠેરઠેર પાણી ભરાયા છે. દુકાનોમાં પાણી ઘુસી ગયા છે. ગઢડા તાલુકાના પાટણા ગામની નદીમાં પુર આવ્યું છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે અહીંની રસનાળિયા નદી છલકાઈ છે. આ તરફ તાપી જિલ્લામાં ભારે વરસાદને લીધે જંગલનું સૌંદર્ય ખીલ્યં છે. સોનગઢના જંગલ વિસ્તારોના ઝરણા અને ધોધ જીવંત થયા છે.

આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની સંભાવના છે. કેટલાંક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલેશનના લીધે વરસાદની શક્યતા વધી છે.

હવામાન વિભાગ દ્વારા તા. 7 જુલાઈથી અમરેલી, ભાવનગર અને આણંદમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. તા. 7 અને 8 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાંક જિલ્લામાં ભારે વરસાદ વરસશે. તેથી ઓરેન્જ એલર્ટ અપાયું છે.

Most Popular

To Top