Gujarat

બે દિવસમાં 1.88 લાખથી વધુ કન્યાનો ધો.1માં, 78 હજાર બાળાનો બાલમંદિરમાં પ્રવેશ

ગાંધીનગર: રાજ્ય સરકાર (Government) દ્વારા સમગ્ર રાજ્યમાં ૧૭ મો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા (School) પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ ૨,૦૦,૩૯૯ બાળકોએ (Student) પ્રાથમિક શાળામાં ધો-૧માં પ્રવેશ (Admission) મેળવ્યો હતો જ્યારે આજે બીજા દિવસે ૧,૮૮,૬૫૦ બાળકોએ ધોરણ-૧માં પ્રવેશ મેળવ્યો છે. એટલે કે બે દિવસમાં આ કાર્યક્રમ અંતર્ગત ૩,૮૩,૫૬૭ બાળકોનું ધોરણ-૧માં નામાંકન થયું છે. એટલુ જ નહિ નોંધનીય બાબત એ છે કે બે દિવસમાં કુલ ૧,૮૮,૬૫૦ કન્યાઓએ ધો.૧માં અને ૭૭,૯૯૬ બાળાઓએ આંગણવાડી- બાલમંદિરમાં પ્રવેશ મેળવ્યો છે .

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપેલી વિગતો અનુસાર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ૧૭,૬૭૭ મહાનુભાવોએ ૭,૬૬૨ ગામોની ૧૦,૦૨૪ શાળાઓની મુલાકાત લીધી છે. એટલે કે બે દિવસમાં રાજ્યના ૧૫,૭૯૪ ગામોની કુલ ૨૦,૬૨૪ પ્રાથમિક શાળાઓને આ કાર્યક્રમ અંતર્ગત આવરી લઇ ૧૦૦ ટકા નામાંકનની દિશામાં નક્કર કદમ ભર્યુ છે.
આ અભિયાન અંતર્ગત આજે બીજા દિવસે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળામાં ધો.૧માં ૯૩,૩૧૧ કુમારો અને ૮૯,૮૫૭ કન્યા મળી કુલ ૧,૮૩,૧૬૮ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે ૩૪૩ કુમાર અને ૨૪૪ કન્યા મળી કુલ ૫૮૭ દિવ્યાંગ બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. એટલે કે બે દિવસમાં ૧,૨૪૪ દિવ્યાંગ બાળકોના નામાંકન થયા છે.
તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની રાજ્ય સરકારની આ મુહિમને ખૂબ સારો જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે દાતાઓ દ્વારા આજે બીજા દિવસે પણ અવિરત લોકસહકાર-દાન આપવામાં આવ્યુ હતું. આજે રોકડ રૂ. ૭૦ લાખ અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજિત કિંમત રૂ. ૯.૨૪ કરોડનો લોકસહકાર–દાન પ્રાપ્ત થયું છે. એટલે કે બે દિવસમાં રોકડ રૂ.૧.૫૮ કરોડ અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજે રૂ.૧૮.૨૧ કરોડથી વધુની રકમનો લોકસહકાર મળી અંદાજે રૂ.૧૯.૮૦ કરોડનો લોકસહકાર બે દિવસમાં આ કાર્યક્રમ અંતર્ગત મળ્યો છે.

બે દિવસમાં રાજ્યની વિવિધ શાળાઓમાં મળી અંદાજે રૂ. ૧૨.૬૭ કરોડના ખર્ચે ૩૨૭ નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બે દિવસમાં રાજ્યભરમાં ૧,૬૪૬ શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાની પણ શરૂઆત કરવામાં આવી છે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીમાં નાના ભૂલકાને પણ પ્રવેશ આપવામાં આવે છે. રાજ્યભરની આંગણવાડી- બાલમંદિરમાં બે દિવસમાં ૮૨,૮૨૯ કુમાર અને ૭૭,૯૯૬ કન્યાઓ મળી કુલ ૧,૬૦,૮૨૫ ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યો હતો.

Most Popular

To Top