Vadodara

જંબુબેટમાં ફોર વ્હીલરમાંથી કેટરિંગ વ્યવસાયીનો મૃતદેહ મળતા ચકચાર

મહેફીલ બાદ હત્યાની આશંકા; રાવપુરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીની ટીમો તપાસમાં જોડાઈ


વડોદરા, તા. …
વડોદરા શહેરના જંબુબેટ વિસ્તારમાં મોડી રાત્રે બનેલી હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. જંબુબેટ દાંડિયા બજાર નજીક આવેલી રામ વે પ્લાઝાની ગલીમાં પાર્ક કરેલી એક ફોર વ્હીલ ગાડીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.
મૃતકની ઓળખ બાબુસિંઘ લાલસિંઘ ચૌહાણ તરીકે થઈ છે. તેઓ કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. નાયબ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લઈ તપાસની સમીક્ષા કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં કોઈ મહેફીલ બાદ હત્યાની ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને પોલીસે તમામ સંભવિત દિશાઓમાં તપાસ શરૂ કરી છે.
ઘટનાસ્થળે પહોંચેલી એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમે મહત્વના પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ અને માનવસૂત્રોની મદદથી તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
હત્યાના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસનું માનવું છે કે તપાસમાં ટૂંક સમયમાં મહત્વની કડીઓ હાથ લાગી શકે છે.

Most Popular

To Top