National

મોટેરામાં સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીનો નોકઆઉટ રાઉન્ડ

અમદાવાદ, તા. 25 (પીટીઆઇ) : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની મહત્વપૂર્ણ હરાજી પહેલા ભારતના ડોમેસ્ટિક ક્રિકેટર્સ પાસે મંગળવારથી શરૂ થઇ રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટના નોકઆઉટ મેચ દરમિયાન પોતાનો પ્રભાવ પાથરવાની અંતિમ તક હશે. પહેલી ક્વાર્ટર ફાઇનલમાં કર્ણાટકની ટીમ સામે પંજાબની ટીમનો મજબૂત પડકાર હશે તો બીજી ક્વાર્ટર ફાઇનલ તમિલનાડુ અને હિમાચલ પ્રદેશ વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટની તમામ નોકઆઉટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે.
કર્ણાટકની નજર ટાઇટલ જાળવી રાખવા પર હશે તો બાકીની સાત અન્ય ટીમો પણ પોતાના તરફથી કોઇ કસર બાકી રાખવા નહીં માગે. આ ટૂ્ર્નામેન્ટ દ્વારા ભારતમાં 2020-21ની ડોમેસ્ટિક સિઝનની પણ શરૂઆત થઇ હતી. કર્ણાટકના માર્ગમાં પંજાબ જેવી મજબૂત ટીમ છે. પંજાબ એલિટ ગ્રુપ-એમાંથી પોતાની તમામ પાંચ મેચ જીતીને નોકઆઉટમાં પ્રવેશ્યું છે, જ્યારે કર્ણાટકની ટીમ આ ગ્રુપમાં જ બીજા સ્થાને રહેવા છતાં અંતિમ 8માં પ્રવેશ કરવામાં સફળ રહી હતી. આ બંને વચ્ચેની મેચમાં બંને ટીમના ઓપનર પર બધાની નજર મંડાયેલી રહેશે. પંજાબનો યુવા ઓપનર પ્રભસિમરન સિંહ જોરદાર ફોર્મમાં છે અને તેણે અત્યાર સુધી 277 રન બનાવ્યા છે. જ્યારે કર્ણાટકના ઓપનર દેવદત્ત પડ્ડીકલે પાંચ મેચમાં 207 રન બનાવ્યા છે. બંને ટીમનું મિડલ ઓર્ડર પણ મજબૂત છે.

પંજાબ પાસે સંદીપ શર્મા-સિદ્ધાર્થ કૌલના રૂપમાં અનુભવી બોલર
પંજાબની ટીમ પાસે બોલિંગ આક્રમણમાં સિદ્ધાર્થ કૌલ અને સંદીપ શર્મા જેવા અનુભવી બોલર છે અને તેના કારણે તેની સ્થિતિ થોડી સારી જણાય છે. તેની સામે કર્ણાટક પાસે અભિમન્યુ મિથુન અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા બોલર છે, જેઓ પણ સારો પડકાર ઊભો કરી શકવા માટે સક્ષમ છે. બંને ટીમનું બોલિંગ આક્રમણ પણ મોટાભાગે મજબૂત જણાય છે આ સ્થિતિમાં મેચ રસપ્રદ બની રહેવાની સંભાવના છે.

હિમાચલ પ્રદેશ સામેની ક્વાર્ટર ફાઇનલમાં તમિલનાડુને કેપ્ટન દિનેશ કાર્તિક પાસે વધુ આશા
મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટની બીજી ક્વાર્ટર ફાઇનલ ગત સિઝનની રનર્સ અપ તમિલનાડુ અને હિમાચલ પ્રદેશ વચ્ચે રમાશે. તમિલનાડુ માટે તેના ઓપનર એન જગદીશને અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં સર્વાધિક 315 રન બનાવ્યા છે. જો કે ટીમને કેપ્ટન દિનેશ કાર્તિક પાસે વધુ સારા દેખાવની આશા રહેશે. તમિલનાડુએ પોતાના સ્ટાર બોલર આર. અશ્વિન, ટી નટરાજન અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરની ગેરહાજરીમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. લેગ સ્પિનર મુરૂગન અશ્વિન અને ડાબોડી સ્પિનર આર સાઇ કિશોરે પોતાની ભૂમિકા સારી નિભાવી છે, જો કે બાબા અપરાજીતે નવા બોલ વડે વધુ સારી સફળતા મેળવી છે.

હરિયાણા સામેની ક્વાર્ટર ફાઇનલમાં પંડ્યા બંધુઓની સેવા વડોદરાને નહીં મળે
ચોથી ક્વાર્ટર ફાઇનલ રાજસ્થાન અને પ્લેટ ગ્રુપમાં ટોચે રહેલા બિહારની વચ્ચે રમાશે, બંને મેચ 27 જાન્યુઆરીએ રમાશે
સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીની ત્રીજી ક્વાર્ટર ફાઇનલ હરિયાણા અને વડોદરા વચ્ચે રમાશે. વડોદરાને નોકઆઉટની આ મેચમાં પંડ્યા બંધુઓ હાર્દિક અને કૃણાલની સેવા નહીં મળે. હાર્દિક ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની તૈયારીમાં જોતરાયો છે તો કૃણાલ પોતાના પિતાના નિધનને પગલે ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો છે. સામા પક્ષે હરિયાણા પાસે યજુવેન્દ્ર ચહલ, જયંત યાદવ અને રાહુલ તિવેટીયા જેવા ખેલાડીઓ છે, જેનાથી તેમની ટીમ સારી સ્થિતિમાં જણાઇ રહી છે. મુશ્તાક અલી ટી-20 ટ્રોફીની ચોથી ક્વાર્ટર ફાઇનલ ગ્રુપ ડીમાંથી ક્વોલિફાઇ થયેલી રાજસ્થાનની ટીમ અને પ્લેટ ગ્રુપમાંથી ટોચના સ્થાને રહેલી બિહારની ટીમ વચ્ચે રમાશે. ત્રીજી અને ચોથી ક્વાર્ટર ફાઇનલ 27 જાન્યુઆરીના રોજ રમાશે.

ઇંગ્લેન્ડ સામેની સીરિઝ પહેલા મોટેરાની નવનિર્મિત પીચનો વ્યવહાર ચકાસવા ટૂર્નામેન્ટ ઉપયોગી થઇ પડશે
સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીની નોકઆઉટ રાઉન્ડની તમામ મેચ અમદાવાદના નવા ક્લેવર ધારણ કરનારા મોટેરા સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમની વિકેટ નવી તૈયાર કરવામાં આવી છે ત્યારે તેની પીચ કેવો વ્યવહાર કરશે તે જોવાનુ રસપ્રદ બની રહેશે. કોરોના કાળમાં આ સ્ટેડિયમમાં એક પણ મોટી મેચ રમાઇ નથી તેથી તેની પીચનો વ્યવહાર કેવો રહેશે તે હજુ સુધી જાણી શકાયું નથી. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની અંતિમ બંને ટેસ્ટ આ પીચ પર રમાવાની છે ત્યારે તેની પીચનો વ્યવહાર સમજવા માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની નોકઆઉટ રાઉન્ડની મેચો ઉપયોગી સાબિત થઇ શકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top