Dakshin Gujarat

ઓલપાડથી સાયણ અને કીમ રોડ ઉપર અકસ્માતની બે ઘટનાઓ સર્જાઈ

સાયણ: (Sayan) ઓલપાડથી (Olpad) સાયણ અને કીમ રોડ ઉપર બે અકસ્માતની ઘટનામાં ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની પ્રથમ ઘટનામાં ઓલપાડના કનાજ ગામના હળપતિવાસમાં રહેતી હિનાબેન અનિલભાઇ રાઠોડનો મોટો પુત્ર નવલ (ઉં.વ.૧૭) ગત મંગળવારે રાત્રે ૮ કલાકે તેમની મો.સા.નં.-જીજે-૦૫, એચટી-૧૯૭૦ હંકારી તેના મિત્ર કિશન લલ્લુ રાઠોડ (ઉં.વ.૧૭)ને બાઈક પાછળ બેસાડી અટોદરા ગામ નજીકના સાંઈ પેટ્રોલ પંપ (Petrol Pump) ઉપર પેટ્રોલ પુરાવવા ગયો હતો. એ સમયે પેટ્રોલ પંપ સામેના રોડ પરથી પૂરપાટ ઝડપે દોડતા કોઇ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં અકસ્માત (Accident) સર્જાયો હતો.

  • ઓલપાડથી સાયણ અને કીમ રોડ ઉપર અકસ્માતની બે ઘટનામાં ત્રણ ઘાયલ
  • અટોદરા પેટ્રોલ પંપ સામે તથા ઓલપાડ બ્રિજના વળાંકમાં અકસ્માત સર્જાયો

આ ઘટનામાં કિશન રાઠોડને માથા તથા નવલને મોં અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગંભીર ઈજાગ્રસ્ત નવલ રાઠોડની હાલ ICU વોર્ડમાં સારવાર ચાલુ છે. જ્યારે મિત્ર કિશન રાઠોડને ત્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ જતાં હિનાબેન રાઠોડે હોસ્પિટલ ખાતેથી ઓલપાડ પોલીસને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અકસ્માતની બીજી ઘટના ગત બુધવારે રાત્રે ૯:૩૦ કલાકના સુમારે ઓલપાડ ટાઉનમાં બની હતી. આ ઘટનામાં હજીરા ખાતેની એ.એમ.એન.એસ. કંપનીમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતા અને હાલ કીમ ટાઉનમાં સોના-રૂપા ફળિયામાં રહેતો નિકુંજ બકુલ ટેલર (ઉં.વ.૨૨) તેનો મિત્ર પાર્થિક રમેશ પ્રજાપતિની યામાહા કંપનીની મો.સા.નં.(જીજે-૦૫,એચ.એક્સ-૭૧૪૧) ઉપર સવાર થઈ નાઈટ ડ્યૂટી હોવાથી કીમથી ઓલપાડ થઈ બંને હજીરા નોકરી ઉપર જઈ રહ્યા હતા. ત્યારે ઓલપાડ ટાઉનમાં પપ્પુ પાનના ગલ્લાની સામે વળાંકમાં નવા બનેલા બ્રિજ પાસેના કટ રોડ પાસે એક મારુતિ વેગન આર નં.(જીજે-૦૫, સીએલ-૪૩૬૯)નો ચાલક કમલેશ પટેલ (રહે., ઈલાવ, તા.હાંસોટ, જિ.ભરૂચ) તેના કબજાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે રોડની રોંગ સાઇડમાં હંકારી યામાહાનાને ટક્કર મારી અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.

જેથી મો.સા.ચાલક પાર્થિક પ્રજાપતિ અને નિકુંજ ટેલર બંને રોડ ઉપર પટકાતાં નિકુંજ તથા મિત્ર પાર્થિક ઘાયલ થયા હતા. અકસ્માત સર્જાતાં કારચાલક કમલેશ પટેલ ઘટના સ્થળે કાર મૂકી ભાગી ગયો હતો. આ બાબતે નિકુંજ ટેલરે કારચાલક કમલેશ પટેલ સામે ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top