Comments

આપણાં પરિવારનાં યુવાન બાળકોને બચાવો

વડોદરામાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા યુવાનો પિકનીક પર ગયા અને દુર્ઘટના બની, જેમાં બે વિદ્યાર્થીનાં મૃત્યુ થયાં. થોડા સમય પહેલાં અમદાવાદમાં રાત્રે ગાડી લઇને લટાર મારવા નીકળેલા યુવાને અકસ્માત સજર્યો અને ફૂટપાથ પર સૂતેલો મજૂર પરિવાર ચગદાયો. આ અગાઉ મોડી રાત્રે ગાડી લઇને નીકળેલા યુવાનો રસ્તાની બાજુમાં પાર્ક કરેલા વાહન સાથે ગાડી અથડાવી બેઠા અને બધા જ ત્યાં મૃત્યુ પામ્યા!

આપણે ત્યાં સમાજજીવનના અગત્યના પ્રશ્નોની બહુ ચર્ચા થતી નથી. રાજનેતાઓ અને તેમની આજુબાજુ ફરતાં પ્રસાર માધ્યમોને ચીનના સંભવિત-કલ્પનિક હુમલા માટે કલાકો ચર્ચાઓ ચલાવવામાં રસ છે. પણ દેશના ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારોના યુવાનોની બદલાતી તસવીર પર પ્રકાશ નાખવામાં રસ નથી.

ભારતમાં સામાન્યપણે દીકરી જુવાન થાય એટલે મા-બાપ ચિંતા કરવા લાગે! માહોલ એ હદે બદલાવા અને બગડવા લાગ્યો છે કે જુવાન દીકરીના બાપને રાત્રે દીકરીને ઘરે પાછા આવવામાં મોડું થાય તો બ્લડપ્રેશર વધી જાય. સમાજ પહેલેથી જ યુવાન દીકરીઓ માટે ચિંતાતુર છે. તેણે છોકરીઓ માટે વ્યાપક નિયંત્રણો નિયમો પાબંધીઓ ઘડી નાખી છે. પણ આ જ સમાજ, આ જ વડીલો, આ જ સમાજના બની બેઠેલા ઠેકેદારો કદી યુવાન દીકરાઓ વિષે નથી વિચારતા. એમને માટે નિયમો નથી બનાવતા અને એમની ચિંતા પણ નથી કરતા.

પણ, સભ્ય સમાજના એ તમામ માતા-પિતાને જણાવવાનું કે જો તમારા દીકરા યુવાન છે તો જાગો, તેમની ચિંતા કરો, એમની પાસે બેસો, એમની બે વાત સાંભળો – પછી એમને બે વાત કહો.

ગુજરાતના સાપુતારા જતા રસ્તામાં ગીરા ધોધ આવે છે. કુદરતના નયનરમ્ય વાતાવરણમાં પથ્થરો વચ્ચે પડતા ધોધનું આકર્ષણ જબરું છે. પણ ત્યાં અમદાવાદના જ એક પિતાએ આવનારા મુસાફરો માટે બોર્ડ માર્યું છે કે  સ્થાનિક તંત્રની ચેતવણી અવગણીને આ ધોધમાં ન્હાવા ગયેલા અમારા જુવાનજોધ પુત્રને અમે ગુમાવ્યો છે. તમે આવી ભૂલ ના કરતા.

સમજદાર બાપની આ વેદના આજની તારીખે યુવાનો સમજતા નથી. છેલ્લા એક જ વર્ષમાં પીકનીક ગયા ત્યાં ન્હાવા પડયા ત્યાં માર્ગ અકસ્માતમાં આપણે ઘણા યુવાનો ગુમાવ્યા છે. વળી આ બધા ડોકટરોનું ભણતા, એન્જીનિયરીંગનું કે મેનેજમેન્ટનું ભણતા હતા. એટલે અભણ લોકો ધકકામુકકીમાં મૃત્યુ પામે એવી ઘટના ન હતી.

અકસ્માત આખી દુનિયામાં થાય છે, પણ આપણે એવી દુર્ઘટનાની વાત કરીએ છીએ, જે રોકી શકાઇ હોત! આ દુર્ઘટનાઓ અકસ્માત કરતાં આપઘાત વધારે ગણી શકાય. યુવાની હોય તો જોશ હોય, સાહસ હોય, પરાક્રમ હોય, ન માનવાની વૃત્તિ હોય, પણ સાહસ હોય તો પર્વતારોહણ કરો, પરાક્રમ કરવું હોય તો દરિયાનાં પાણી સાથે બાથ ભરો, રણને ખૂંદી વળો, પણ સાવ સમજણ વગરની મસ્તી અને ઝનૂનમાં તમારા અને બીજાના પ્રાણ જોખમમાં ન મૂકો!

ફિલ્મ ‘ચાંદની બાર’માં એક દૃશ્ય છે, જેમાં શાળાનો હોશિયાર અને શાંત વિદ્યાર્થી પોતાના મિત્રો સાથે ક્રિકેટ મેચ રમવા જાય છે. છોકરો સાવ સીધો, શાંત છે. જયારે તેની સોબતના મિત્રો નકકામા. ક્રિકેટમેચમાં ઝઘડો થાય છે. મારામારી થાય છે. વાત પોલીસકેસ સુધી જાય છે આખી ટોળી જેલમાં જાય છે અને ભણવામાં હોશિયાર શાંત છોકરાની કારકિર્દી ધૂળધાણી થઇ જાય છે. આજે આ જ થઇ રહ્યું છે. શહેરના શિક્ષિત પરિવારનાં અનેક મા-બાપ એવું જ માને છે કે મારો દીકરો તો સીધો છે. પણ ગ્રાઉન્ડની ક્રિકેટ મેચનો ઝઘડો પોલીસ કેસ સુધી લઇ જાય અને જીવનનો રસ્તો બદલાઇ જાય, મોડી રાત્રે મિત્રો સાથે ગાડીના સ્ટેટ રમીએ અને અકસ્માત થાય તો કોર્ટ-કચેરીના ચકકરમાં યુવાની ઘડપણમાં ફેરવાઇ જાય. પહેલાં યુવાનોને સોબતના લીધે પાનના ગલ્લે તમાકુ ખાવાની કે સીગરેટ પીવાની લત લાગતી. શરૂઆતમાં ટોકયા પછી મા-બાપ હથિયાર હેઠાં મૂકતાં, પણ હવે ગુજરાતનાં મોટાં શહેરોમાં હુકકા, ગાંજો, ચરસના રવાડે યુવાનો ચડવા લાગ્યા છે અને હવે તો યુવાનો આને સ્ટેટસ સિમ્બોલ માનતા થઇ ગયા છે.

યાદ રાખો, રાજનેતાઓની ઓળખાણ, સ્થાપિત હિતોની પહોંચ, પૈસા દ્વારા ભ્રષ્ટાચાર, આ બધું જ થઇ શકશે. પણ આ કશાયથી આપણાં બાળકોની કારકિર્દીનું ઘડતર નથી થતું. બહુ બહુ તો આપણે એને સજા થતી અટકાવી શકીએ કે ઓછી કરી શકીએ. એ વાત સાચી જ છે કે પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં આજે પણ સ્ત્રીનું સ્થાન નીચું છે. તેનું શોષણ થાય છે. પણ સાથે સાથે શહેરનાં ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારોના યુવાનોને આર્થિક માનસિક રીતે બરબાદ કરવા જે અપરાધી ટોળકીઓ કામે લાગી છે તે છોકરીઓનો જ ઉપયોગ કરે છે. માટે હવે આપણાં સંતાનોને હવે આ લલચામણી માયાજાળથી પણ બચાવવાનાં છે.

કોઇ પણ સમાજમાં યુવાન વયે મૃત્યુ એ આઘાતજનક છે. આર્થિક રીતે પણ એ નુકસાનદાયક છે. કારણ એક યુવાનના ઘડતર માટે સમાજ અને રાષ્ટ્ર ખૂબ ભોગ આપે છે. એક બાવીસ – પચ્ચીસ વર્ષનો યુવાન. એ ડોકટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, શિક્ષક હોય એ સમાજની મૂડી છે અને યુવાન વયે તે મોતને ભેટે એટલે આ મૂડી એળે જાય.આપણે આ બાબતને ગંભીર રીતે સમજવાની જરૂર છે અને આ માટે આપણે બહુ કાંઇ કરવાનું નથી! માત્ર પાંચ મિનિટ આપણાં યુવાન – બાળકો સાથે વાત કરવાની છે.

‘યુવાન-બાળક’ એ શબ્દ – વિરોધાભાસી છે પણ હેતુસર વપરાયો છે. આ અણસમજને ટપારવાની છે. સીધુ નહિં તો આડકતરું. દેશમાં બનતા બનાવો વિશે ચિંતા વ્યકત કરતા પણ વાત કરજો. કયાંક ખોટા મેસેજ ફોરવર્ડ કરવામાં, ખોટા ઇમેલ કરવામાં, પ્રેમ પ્રસંગમાં, ઝનૂની ડ્રાઈવીંગમાં, ફિલ્મી ઢબે મારામારીમાં, નશો કરવામાં, ખોટી સોબતને કારણે ભરાઇ ન પડાય! માત્ર દીકરીઓ નહિ, તમારા દીકરાની ચિંતા કરો. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top