National

મહારાષ્ટ્રના શિંદે જૂથના ધારાસભ્યના ટ્વિટથી અટકળો

મુંબઈ: મહારાષ્ટ્રના (Maharashtra) રાજકારણમાં (Politics) એક મહિનો ઉપરાંતથી ઉથલપાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને કોંગ્રેસ (Congress) અને એનસીપીની (NCP) ભૂમિકા તો બચી જ નથી પરંતુ શિવસેનાના (Shivsena) સાંસદો (MP) અને સુપ્રિમો વચ્ચે મોટી તિરાડ પડી ગઇ છે. જે પૂરાઇ શકે તેમ નથી. પરંતુ બાગી શિંદે જૂથના ચડાણ પણ સહેલા નથી. કારણ કે, શિવસેનાનો જન્મ જ ઠાકરે પરિવારમાં થયો છે એટલે હજી પણ અનેક બાગી ધારાસભ્યોની લાગણી અંદરખાને તો હજી ઠાકરે પરિવાર સાથે જ છે. ઉદ્ધવ ઠાકરેને હટાવીને શિવસેનાના જ સૈનિક એકનાથ શિંદે નવા મુખ્યમંત્રી તો બની ગયા છે. પરંતુ લાંબા સમયથી મંત્રીમંડળનું (Cabinet) વિસ્તરણ થયું નહીં હોવાથી હવે સરકાર ઉપર સવાલો ઊભા થઇ રહ્યાં છે. એકનાથ શિંદેને (Eknath Shinde) સાથ આપનારા કેટલાક ધારાસભ્યો (MLA) હવે અકળાયા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.

આ ચર્ચા વચ્ચે એક ધારાસભ્યની ટ્વિટના કારણે નવી અટકળો શરૂ થઇ ગઇ છે. શિંદે જૂથમાં સામેલ થયેલા અને પશ્વિમ ઔરંગાબાદના (Aurangabad) ધારાસભ્ય સંજય સિરસાટે કરેલી ટ્વિટમાં ઉદ્ધવ ઠાકરે માટે તેમણે જે શબ્દ પ્રયોગ કર્યો છે તેણે આ અટકળોને જોર આપ્યું છે. તેમણે કરેલી ટ્વિટમાં ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના વડા તરીકે દર્શાવવામાં આવ્યા છે. ત્યાર પછી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, શિંદે જૂથમાં સૌથી પહેલા જોડાનાર સંજય સિરસાટ મંત્રીપદ નહીં મળવાથી નારાજ છે.

જો કે, ત્યાર પછી સંજય સિરસાટે ચોખવટ કરી હતી કે, તેમની ટ્વિટનો હેતુ એ હતો કે તમે જ્યારે એક પરિવારના મોભીની ભૂમિકા ભજવી રહ્યાં છો ત્યારે તમારે તમારા સૂચન મૂકવાને બદલે પરિવારના સભ્યોના સૂચનનું સન્માન કરવું જોઇએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, મારી ટ્વિટ એટલા માટે ન હતી કે, મને મંત્રીપદ મળ્યું નથી. તેમણે કહ્યું હતું કે, હું એ જ બોલુ છું જે મને સાચું લાગે છે. મારુ માનવું છે કે ઉદ્ધવ ઠાકરેએ એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું જોઇએ નહીં. તેમણે કહ્યું હતું તેઓ શિંદેના જૂથમાં જ ખુશ છે. તો બીજી તરફ હવે શિવસેનાના ભવિષ્ય આદિત્ય ઠાકરેએ પણ મોરચો સંભાળી લીધો છે. તેઓ લાલ તિલક લગાડીને એવા વિસ્તારોમાં જઇને શિવસૈનિકોને મળી રહ્યાં છે. જે વિસ્તારના શિવસેનાના ધારાસભ્યોએ બગાવત કરી છે.

Most Popular

To Top