Entertainment

સંદિપાને કામ જોઇએ છે બસ

સંદિપા ધર શ્રીનગરની છે અને તમે તેને કાશ્મીરી બ્યુટી કહી શકો તેમ છો. કમલ હાસનની પૂર્વ પત્ની વાણી ગણપતિ પાસે આઠ વર્ષ સુધી ભરત નાટ્યમ અને શ્યામક ડાવર પાસે 4 વર્ષ જાઝ અને કન્ટેમપરી ડાન્સ શીખી છે પણ ફિલ્મોને વેબસિરીઝ માટે તે એકટ્રેસ છે. અહીં કેટરીના કૈફના ડાન્સ ચાલી શકે. સંદિપાના ન ચાલે. હવે સમય બદલાઈ ગયો છે. હેલન અત્યારે હોત તો નિષ્ફળ ગઈ હોત. સંદિપા  સારી અભિનેત્રી પણ છે અને ‘ઈસી લાઈફ મેં’ માં આવી હતી તો ફિલ્મ ફેરે બેસ્ટ ફિમેલ ડેબ્યુ તરીકે તેને નોમીનેટ કરેલી. એ રાજશ્રી પ્રોડકશન્સની હતી એ ફિલ્મના જોરે જ તેને સલમાનખાનની ‘દબંગ-2’ માં અંજલી તરીકે કેમિયો કરવા મળેલો.

તમને યાદ હોય તો ‘હીરોપંતી’માં ક્રિતી સેનનની બેનની ભૂમિકા પણ તેણે કરી હતી પણ ત્યાં સુધીમાં સમજી ગઈ કે મોટા બેનરની ફિલ્મોમાં તો નાની ભૂમિકા જ મળશે એના કરતાં નાના બેનર સારા કે જે મોટી ભૂમિકા આપી શકે. તેની ધારણા સાચી જ હતી. ‘ગોલુ ઔર પપ્પુ’ ફિલ્મમાં તે વીરદાસ સાથે હીરોઈન હતી. તકલીફ એજ છે કે નાની ફિલ્મો કરો તો લોકો જાણે નહીં ને મોટી ફિલ્મોમાં કોઈ વખાણે નહીં. શિવ પંડિત સાથે તેણે ‘7 અવર્સ ટુ ગો’ માં હીરોઈન તરીકે જ કામ કરેલું પણ ફિલ્મ જ લોકોની નજરે ન ચડી. અભિનયની યાત્રા શરૂ કરો પછી જ ખ્યાલ આવે કે પોતાના માટે કઈ જગ્યા વધારે યોગ્ય રહેશે. હવે તે ફિલ્મોથી વધુ વેબસાઈડ પર વધુ ધ્યાન આપે છે.

પહેલાં ‘અભય’, પછી ‘ફિલપ’, ‘મુમભાઈ’, ‘બિસાત-ખેલ શતરંજ કા’ ‘છતિસ ઔર મૈના’ જેવી વેબસિરીઝ તેણે એક પછી એક કરી અને હવે ‘માઈ : એ મધર રેજ’ ની ઈનાયા સિદ્દીકી તરીકે દેખાય રહી છે. ‘મુમભાઈ’ અપૂર્વ લાખિયાની વેબસિરીઝ હતી અને તેમાં મહારાષ્ટ્રીયન છોકરીની ભૂમિકા મેળવવા પાછળ પડી ગયેલી. પટકથા સારી હોય તો તે પાછળ પડી જાય છે. સંદિપા અત્યારે ‘ફીરકી’ નામની ફિલ્મ ઉપરાંત ‘ડો. અરોરા’ નામની વેબ સિરીઝમાં રોકાયેલી છે તે માને છે કે મુંબઈમાં સંઘર્ષ ક્યારેય પૂરો થતો નથી. ડાન્સમાં એકસ્પર્ટ હો તો એવી જ ભૂમિકા મળે એવી રાહ જોવાના ય ફાયદા નથી. સંદિપા જાણે ભુલી ગઈ છે કે તેણે 12 વર્ષ સુધી નૃત્ય શીખ્યુ છે. જો કે તે તો પોતે શ્રીનગરની છે એવું ય ભુલી રહી છે. અભિનયમાં ટકવું હોય તો મુંબઈમાં ટકી જવું. તે એજ કરી રહી છે.

Most Popular

To Top