Columns

આર્યન ખાનની ધરપકડ કરનારા સમીર વાનખેડે મુંબઈના સિંઘમ્ છે

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના પુત્ર આર્યનની ધરપકડ કરનારા મુંબઈ પોલિસની નશાકારક દ્રવ્યોવિરોધી શાખાના વડા સમીર વાનખેડે વિવાદાસ્પદ અધિકારી છે. ચમરબંધીની પણ પરવા ન કરનારા સમીર વાનખેડે મુંબઈ પોલિસમાં સિંઘમ્ ની છાપ ધરાવે છે. શાહરૂખ ખાનનો પુત્ર અને બીજા નબીરાઓ જે ક્રૂઝ પર ડ્રગ્સની પાર્ટી કરવા ગયા હતા તેની જાણ થતાં સમીર વાનખેડેએ પણ પૈસા ખર્ચીને પાર્ટીની ટિકિટ ખરીદી હતી અને દરોડો પાડવા પહોંચીગયા હતા. મુંબઈના નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના ઝોનલ ડિરેક્ટર તરીકે તેમણે ૧૭,૦૦૦ કરોડ રૂપિયાની ડ્રગ્સ પકડી છે. સુશાંત સિંહ રાજપૂતના કેસમાં પણ ડ્રગ્સની તપાસ કરવાનું કામ તેમણે સંભાળ્યું હતું.

તાજેતરમાં સમીર વાનખેડેએ ફરિયાદ કરી હતી કે મુંબઈ પોલિસમાં કોઈ તેમના પર જાસૂસી કરી રહ્યું છે. આ ફરિયાદ ચોંકાવનારી હતી. મુંબઈ પોલિસમાં ડ્રગ માફિયાઓના, અન્ડરવર્લ્ડના માફિયા ડોનના અને બોલિવૂડના અનેક ચમચાઓ નોકરી કરે છે. તેઓ પોલિસની ગુપ્ત બાતમી અન્ડરવર્લ્ડ સુધી પહોંચતી કરે છે. આ કારણે પોલિસ અધિકારીઓ દારૂ કે જુગારના કોઈ અડ્ડા પર દરોડો પાડવાના હોય તો તેની બાતમી ત્યાં પહેલા પહોંચી જાય છે. આવા ખબરીઓ સમીર વાનખેડેની પણ જાસૂસી કરતા હોય તેવું બની શકે છે. સમીર વાનખેડેએ શાહરૂખ ખાનના દીકરાની ધરપકડ કરી ત્યારે આ ખબરીઓને ખબર ન પડે તેનો ખાસ ખ્યાલ રાખ્યો હતો.

સમીર વાનખેડે ૨૦૦૮ના બેચના આઈ.આર.એસ. અધિકારી છે. તેમની પહેલી નિમણુક મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડેપ્યુટી કસ્ટમ્સ કમિશનર તરીકે થઈ હતી. ત્યાં તેમની ટક્કર ફિલ્મી સિતારાઓ સાથે થઈ. અગાઉ કસ્ટમ્સના કર્મચારીઓ ફિલ્મી સિતારાઓથી પ્રભાવિત થઈને તેમના સામાનની તપાસ કરતા નહોતા. સમીર વાનખેડેએ તેમના સામાનની પતાસનો પણ આદેશ આપ્યો. ફિલ્મી સિતારાઓના નખરા તેમણે બંધ કરાવ્યા.

૨૦૧૧માં ભારતની ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતીને ભારત આવી ત્યારે ક્રિકેટના ચાહકો ટીમને આવકારવા એર પોર્ટ પર હાજર થયા હતા. ક્રિકેટરો ટ્રોફી લઈને બહાર નીકળવાની કોશિષ કરી રહ્યા હતા ત્યારે સમીર વાનખેડેએ કેપ્ટનને પૂછ્યું હતું, ‘‘આ ટ્રોફીમાં જે સોનું છે તેના પર તમે ડ્યૂટી ભરી છે?’’ કેપ્ટન કે મેનેજર તેનો કોઈ જવાબ આપી શક્યા નહોતા. છેવટે ડ્યૂટી ભર્યા પછી જ વર્લ્ડ કપને એર પોર્ટની બહાર લાવવાની રજા આપવામાં આવી હતી. ૨૦૧૩માં બોલિવૂડના ગાયક મિકા સિંહ વિદેશી ચલણ સાથે ભારત આવ્યા હતા. બીજા ઉતારુની જેમ તેમના સામાનની પણ જડતી લેવામાં આવતા તેમાંથી વિદેશી મુદ્રા મળી આવી હતી. સમીર વાનખેડે દ્વારા મિકા સિંહ પર કેસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તો તેમણે અનુરાગ કશ્યપ, રામગોપાલ વર્મા અને વિવેક ઓબેરોય જેવા ફિલ્મી સિતારાઓ સામે પણ કેસ કર્યા હતા અને તેમના ઘરે જઈને દરોડા પાડ્યા હતા.

સમીર વાનખેડે બોલિવૂડના સિતારાઓથી પ્રભાવિત નથી થતા કારણ કે તેમની પત્ની ક્રાંતિ રેડકર પોતે અભિનેત્રી છે. ગંગાજલ ફિલ્મમાં તેણે અજય દેવગણ સાથે ભૂમિકા ભજવી હતી. મરાઠી ફિલ્મોમાં તો તેનું મોટું નામ છે. સુશાંત સિંહ રાજપૂતના કેસમાં બહાર આવ્યું કે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી તેને ડ્રગ્સ દેતી હતી ત્યારે તેની તપાસ કરવાનું કામ સમીર વાનખેડેને સોંપવામાં આવ્યું હતું. તેમણે બોલિવૂડના ડ્રગ્સ કનેક્શન બાબતમાં ખૂબ છાનબીન કરી હતી. બોલિવૂડના જ કેટલાક લોકો તેમને રેવ પાર્ટીઓ બાબતમાં માહિતી આપવા લાગ્યા હતા. તેમાંથી તેમને શાહરૂખ ખાનના બેટાની પાર્ટીની ખબર મળી હતી. આ ખબર લિક ન થઈ જાય તેની કાળજી રાખી તેમણે દરોડો પાડ્યો હતો.

સમીર વાનખેડેની નિમણુક મુંબઈ એરપોર્ટ પર થઈ ત્યારે તેમણે જોયું કે ફિલ્મી સિતારાઓ ઢગલાબંધ સામાન લઈને સ્વદેશ આવતા હતા. કસ્ટમ્સ કર્મચારીઓ તેમના સામાનની તપાસ કરવાને બદલે તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા હતા. સમીર વાનખેડેએ તેમને ફિલ્મી સિતારાઓ પાછળ ભાગવાનું બંધ કરાવ્યું. તેમણે જોયું કે ફિલ્મી સિતારાઓ પોતાનો લગેજ હાથમાં ઉપાડવાને બદલે તેમના નોકરો પાસે ઉપડાવતા હતા. તેમણે તે પણ બંધ કરાવ્યું. ઘણી વખત ફિલ્મી સિતારાઓ તેમને ધમકી આપતા કે હું તમારા સિનિયર સમક્ષ ફરિયાદ કરીશ. સમીર વાનખેડે કહેતા કે હું જ સિનિયર છું, ત્યારે સિતારાઓ ઠંડા પડી જતા. એક વખત એક જાણીતા ક્રિકેટરની પત્ની વિદેશથી પ્રતિબંધિત સામાન લઈને આવી હતી, પણ જકાત ભરવા તૈયાર નહોતી.  તે સમીર વાનખેડે સાથે વાદ કરી રહી હતી. સમીરે તેની ધરપકડ કરવાની ધમકી આપીને તેને ઠેકાણે લાવી હતી.

કસ્ટમ ઓફિસરે માફિયાઓ અને દાણચોરો સાથે કામ કરવાનું હોય છે. તેમાં ઘણી વખત જાનનું પણ જોખમ થઈ જતું હોય છે. ગયાં વર્ષે સમીર વાનખેડે તેમની ટીમ સાથે મુંબઈમાં ચાલતા ડ્રગ્સના અડ્ડા પર દરોડો પાડવા ગયા ત્યારે ૬૦ ગુંડાઓ દ્વારા તેમની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સમીરના ઘણા સાથીદારો ઘાયલ પણ થયા હતા. સમીર વાનખેડેની કારકિર્દીની શરૂઆત મુંબઈ એર પોર્ટથી થઈ હતી. ત્યાર પછી તેમને હૈદરાબાદ અને દિલ્હી પણ ફરજ માટે મોકલવામાં આવ્યા હતા. તેમની ૧૩ વર્ષની કારકિર્દીમાં તેમણે ડ્રગ્સ બાબતમાં બે હજાર જેટલા કેસો ફાઇલ કર્યા છે. તેમાંના અનેક કેસો બોલિવૂડના સિતારાઓ સામે પણ ચાલી
રહ્યા છે.

બોલિવૂડ અને ડ્રગ્સ માફિયાઓ વચ્ચેના સંબંધો બહુ જૂના છે. વીતેલા વર્ષોની પ્રસિદ્ધ અભિનેત્રી મમતા કુલકર્ણી આ કૌભાંડની મજબૂત કડી છે. ૨૦૧૬માં થાણેની પોલિસે સોલાપુરની ફેક્ટરીમાં દરોડો પાડીને બે હજાર કરોડ રૂપિયાનો ઇફ્રેડિન પાવડર જપ્ત કર્યો હતો. આ કૌભાંડના સૂત્રધાર વિક્કી ગોસ્વામી અને મમતા કુલકર્ણી હતા. થાણે પોલિસે તેમની સામે કેસ રજિસ્ટર કર્યો હતો અને તેમની ધરપકડનું વોરન્ટ પણ બહાર પાડ્યું હતું. મમતા કુલકર્ણી પર આરોપ હતો કે તે ભારતમાં પેદા થતી ડ્રગ્સ કેન્યામાં સપ્લાય કરતી હતી. બોલિવૂડના સિતારાઓને પણ ડ્રગ્સ સપ્લાય કરવામાં તેનો મોટો ફાળો હતો. તેણે વિક્કી ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા.

અમેરિકાની પોલિસ વિક્કી ગોસ્વામીની ધરપકડ કરીને તેને અમેરિકા લઈ ગઇ હતી પણ મમતા ફરાર થઈ ગઈ હતી. મુંબઈના ડ્રગ્સ કેસમાં આર્યન ખાન અને તેના સાથીદારોને અટકમાં લેવામાં આવ્યા તે પછી તેઓ પોતાનો ગુનો કબૂલ કરવા તૈયાર નહોતા. તેને કારણે તેમની ધરપકડ વિલંબમાં પડી હતી. આર્યન ખાનને સમીર વાનખેડેની કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. સમીર વાનખેડેએ જે કુનેહપૂર્વક તેની પૂછપરછ કરી તેમાં આર્યન ખાને પોતે ડ્રગ્સ લીધાની કબૂલાત કરી હતી. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

આર્યન ખાનના જામીન કરાવવા મુંબઇના ટોચના વકીલ સતીશ માનશિંદેને રોકવામાં આવ્યા છે, જેમની કલાકની ફી દસ લાખ રૂપિયા છે. તેમ છતાં સમીર વાનખેડે દ્વારા જે પુરાવા એકઠા કરવામાં આવ્યા છે તે નક્કર હોવાથી આર્યનને જામીન મળતા નથી. સમીર વાનખેડે જેવા અધિકારી જ્યારે કોઈ મોટાં માથાંને પકડે ત્યારે તેમને કેસને ઢીલો પાડવા પ્રલોભનો મળતા હોય છે અને ન માને તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોય છે.  સમીર વાનખેડ જેવા અધિકારીઓને કારણે જ અસામાજીક તત્ત્વો બેફામ બની શકતા નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top