National

સચીન પાયલટ દિલ્હી જવા રવાના, કોંગ્રેસ હાઈકમાન્ડ લઈ શકે છે મોટો નિર્ણય

જયપુર: (Jaipur) રાજસ્થાનમાં (Rajasthan) ચાલી રહેલા રાજકીય ગરમાવા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સચિન પાયલટ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ હાઈકમાન્ડ હવે શું નિર્ણય લેશે તે અંગે રાજકીય મંચ પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે સચિન પાયલોટે (Sachin Pilot) સોમવારે આ નિવેદન આપ્યું હતું કે તેઓ હજુ દિલ્હી (Delhi) નથી જઈ રહ્યા અને જયપુરમાં જ છે. હાઈકમાન્ડના નિર્ણય બાદ જ તેઓ નિર્ણય લેશે. આવી સ્થિતિમાં મંગળવારે પાઇલટની દિલ્હી મુલાકાત બાદ કોંગ્રેસ (Congress) મોવડીમંડળ કોઈ ઠોસ નિર્ણય લે તેવું જણાઈ રહ્યું છે.

  • રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સચિન પાયલટ દિલ્હી જવા રવાના
  • મંગળવારે પાઇલટની દિલ્હી મુલાકાત બાદ કોંગ્રેસ મોવડીમંડળ કોઈ ઠોસ નિર્ણય લે તેવી શક્યતા
  • ગેહલોત કેમ્પમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યોના સૂર બદલાયા
  • રાજકીય રમતમાંથી જુલાઈ 2020ની રમત પણ તાજી થઈ જ્યારે સચિન પાયલટે પણ બળવાખોર વલણ અપનાવ્યું હતું

કોંગ્રેસ હાઈકમાન્ડના ઠપકા બાદ ગેહલોત કેમ્પમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યોના સૂર પણ બદલાવા લાગ્યા છે. હવે આ રાજીનામું આપનાર ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ હાઈકમાન્ડના દરેક નિર્ણયને સ્વીકારે છે. ગેહલોતની સરકારને બચાવવામાં સંદીપ યાદવ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેઓ હવે હાઈકમાન્ડના નિર્ણયને સ્વીકારવાની વાત કરી રહ્યા છે.

રાજસ્થાનમાં મુખ્યપ્રધાનની ખુરશીને લઈને અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ફરી એકવાર ખેંચતાણ વધી રહી છે. જો કે આ વખતે પાઈલટ શાંત દેખાઈ રહ્યા છે, એટલું જ નહીં તેઓ દિલ્હી જવા માટે પણ રવાના થઈ ગયા છે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પહેલા જ ગેહલોતના ઈશારે કોંગ્રેસમાં કથિત રીતે મોટી રમત રમાઈ હતી. સચિન પાયલટને સીએમ બનતા રોકવા માટે ગેહલોતને ટેકો આપનારા 92 ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ સીપી જોશીને તેમના રાજીનામા સુપરત કર્યા હતા. આ અચાનકના રાજકીય ઘટનાક્રમથી પાર્ટી નેતૃત્વ નારાજ હોવાનું કહેવાય છે. ત્યારે જ ગેહલોત પોતાની જ રમતમાં અટવાયેલા જોવા મળ્યા હતા. તે જ સમયે આ રાજકીય ઉથલપાથલમાં એક સમયે સચિન પાયલટ સાથે બળવાખોર વલણ અપનાવનારા 18 ધારાસભ્યો સતત તેમની સાથે જોડાયેલા છે.

ગેહલોતના રાજકીય દાવએ પાઇલોટ કેમ્પના બળવાની યાદ અપાવી
રવિવાર 25 સપ્ટેમ્બરના રોજ અચાનક થયેલા આ ઘટનાક્રમથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. મૌન ધારણ કરતા ગેહલોતે પોતાના સમર્થકો દ્વારા હાઈકમાન્ડને પડકાર ફેંક્યો હતો. આ રાજકીય રમતમાંથી જુલાઈ 2020ની રમત પણ તાજી થઈ ગઈ હતી જ્યારે સચિન પાયલટે પણ બળવાખોર વલણ અપનાવ્યું હતું. મુખ્યમંત્રીની ખુરશી માટે સચિન પાયલટ રાજસ્થાનની બહાર માનેસરની એક હોટલમાં તેમના સમર્થિત ધારાસભ્યો સાથે રોકાયા હતા. રાજ્ય સરકાર સામે સંકટ ઊભું થયું હતું. સરકારને બચાવવા માટે અશોક ગેહલોતે પોતાના સમર્થિત ધારાસભ્યોને બેરિકેડ કરવા પડ્યા હતા. 34 દિવસ સુધી ગેહલોત ધારાસભ્યો સાથે પહેલા જયપુર અને પછી જેસલમેરમાં હોટલોમાં રોકાયા હતા. બાદમાં જ્યારે સચિન પાયલોટ અને તેમના સમર્થિત ધારાસભ્યોએ ગૃહમાં ગેહલોત સરકારને આત્મસમર્પણ કર્યું અને સમર્થન આપ્યું ત્યારે સરકાર તરફથી સંકટ ટળ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી અશોક ગેહલોત દૂર થઈ રહ્યાં છે
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે અત્યાર સુધી શશિ થરૂર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ મોખરે હતું. જો કે રાજસ્થાનમાં રાજકીય ગરમાવો વચ્ચે અશોક ગેહલોતનું નામ ક્યાંકને ક્યાંક પાછળ જઈ રહ્યું છે. ગેહલોત તરફી ધારાસભ્યોના બળવા પછી એવું માનવામાં આવે છે કે કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં અશોક ગેહલોત વિશે સામાન્ય મત નથી. અશોક ગેહલોત હવે કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી બહાર દેખાઈ રહ્યા છે, પરંતુ પાર્ટી તરફથી શશિ થરૂરની સામે હવે અધ્યક્ષની ચૂંટણી કોણ લડશે તે અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ નથી.

Most Popular

To Top