Columns

2000ની ચલણી નોટો પાછી ખેંચાવાથી પહેલાંની જેમ ગભરાટમાં આવવાની જરૂર નથી

ગયા શુક્રવારે આરબીઆઈ દ્વારા રૂ. ૨,૦૦૦ની નોટોને ચલણમાંથી બહાર ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નોટો રદ નથી કરવામાં આવી, પણ ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં તેને ચલણમાંથી બહાર લાવવાની છે. વર્ષ ૨૦૧૬માં થયેલા ડીમોનેટાઈઝેશનની જેમ સરકારે રૂ. ૨,૦૦૦ની નોટોને રાતોરાત રદ નથી કરી. માટે આ નોટો દ્વારા વ્યવહાર કરવો હજુ પણ શક્ય છે. આ નોટને આજથી દરેક બેન્ક દ્વારા અન્ય નોટોમાં બદલી આપવામાં આવશે. એક સાથે દસ નોટ એટલે કે રૂ. ૨૦,૦૦૦ કિંમતની નોટોને કોઈ પણ પ્રકારના પુરાવા વિના બદલી આપવામાં આવશે. બેન્ક ખાતાંમાં આ નોટ જમા કરવા માટે બેન્કના કેવાયસી જેવા સામાન્ય નિયમો લાગુ પડશે.

આશ્ચર્યની વાત એ છે કે આરબીઆઈની જાહેરાતમાં ૩૦ સપ્ટેમ્બર સુધી નોટ નહીં જમા કરાવનાર પાસેની નોટોનું શું થશે? તે જણાવવામાં આવ્યું નથી. રૂ. ૨,૦૦૦ની નોટ ૩૦ સપ્ટેમ્બર પછી નહીં વાપરી શકાય તેવો મુદ્દો જાહેરાતમાં જોવા મળતો નથી. જાહેરાતમાં બેન્કોને ફક્ત નોટ જમા લેવા માટે જણાવવામાં આવ્યું છે. ૩૦ સપ્ટેમ્બર પછી અન્ય બેન્ક આ નોટ જમા નહીં લઈ શકે પરંતુ આરબીઆઈ પાસે જઈને આ નોટોને બદલી શકાશે. જો રૂ. ૨,૦૦૦ની નોટને રદ નથી કરવામાં આવી, રદ કરવામાં આવશે તેવું નથી કહેવામાં આવ્યું અને આ નોટને ભવિષ્યમાં પણ આરબીઆઈ પાસે જઈને બદલી શકાતી હોય તો પછી ગભરાવાની કોઈ જરૂર નથી.

જો કે પાછલાં વર્ષોમાં મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા અનેક વિચિત્ર નિર્ણયોને કારણે જનતા ગભરાટમાં આવી જ ગઈ છે. ૨,૦૦૦ની નોટને પાછી ખેંચવાની જાહેરાતની સાથે જ લોકોએ આ નોટનો નિકાલ કરવાનું ચાલુ કરી દીધું છે. દેશનાં અનેક રાજ્યોના ઝવેરીઓના કહેવા મુજબ છેલ્લા ત્રણ દિવસમાં સોના અને ચાંદીની લગડીઓ ખરીદવા લોકોનો ધસારો વધ્યો છે. આ કારણોસર સોના-ચાંદીની લગડીઓના ભાવોમાં બે થી ત્રણ હજારનો વધારો થયો છે પરંતુ ઘરેણાંના ભાવોમાં ફરક નથી પડ્યો.

બીજી બાજુ, ઝવેરીઓએ બીલ આપ્યા વગર રૂ. ૨,૦૦૦ની નોટો સામે સોનાની લગડીઓ ૭૦,૦૦૦માં દસ ગ્રામના ભાવે પણ વેચી છે. અમુક ઝવેરીઓનું કહેવું છે કે તેમણે દરેક ગ્રાહકોનો રેકોર્ડ પોતાની પાસે રાખ્યો છે. જો સરકાર આ માહિતી માંગે તો તેમને દરેક વેચાણની માહિતી આપવાની ઝવેરીઓની તૈયારી છે. જાણકારોના કહેવા મુજબ ત્રણ દિવસોમાં લગડી અને ઘરેણાંના વેચાણમાં ૧૦ થી ૨૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તેમના કહેવા મુજબ રૂ. ૨,૦૦૦ની નોટો સાથે આવતા ગ્રાહકોનો આ ધસારો આવતા અમુક મહિનાઓ સુધી જોવા મળશે.

જો કે, ઝવેરીઓના કહેવા મુજબ ગ્રાહકોમાં લગડીની વધતી જતી માંગ માટે તેઓ તૈયાર જ હતા. ડીમોનેટાઈઝેશનનો અનુભવ દરેક વ્યક્તિને આ સમયે કામ લાગી રહ્યો છે. લોકો પોતાની રૂ. ૨,૦૦૦ની નોટોનો ઉપયોગ ફક્ત લગડી ખરીદવા કરે છે તેવું નથી. લગડીની સાથે સાથે છેલ્લા ત્રણ દિવસોમાં ઈલેક્ટ્રોનિક્સના વેચાણમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. લોકો ગુલાબી નોટો વડે ટી.વી. ફ્રીઝ, વોશિંગ મશીન, એ.સી., મોબાઈલ ફોન વગેરે અનેક ઉપકરણો ખરીદવા લાગ્યાં છે.

જો કે અમુક દુકાનદારોનું કહેવું છે કે ગરમીનો પારો વધવાને કારણે પણ એ.સી. અને ફ્રીઝના વેચાણમાં ઉછાળો આવ્યો હોઈ શકે છે, પણ વેચાણની ચૂકવણીમાં રૂ. ૨,૦૦૦ની નોટોનો ઉપયોગ વધી ગયો છે તેમાં બેમત નથી. પેટ્રોલ પમ્પ ઉપર પણ લોકો રૂ. ૨,૦૦૦ની નોટો વડે ચૂકવણી કરી રહ્યા છે, જેને કારણે માલિકોએ નોટિસ મૂકવી પડી છે કે રૂ. ૧,૦૦૦થી વધુના વેચાણ માટે જ રૂ. ૨,૦૦૦ની નોટ સ્વીકારવામાં આવશે.

આ વખતે સરકાર આર્ટિફીશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિટીક્સનો ઉપયોગ કરીને દરેક વહેવાર ઉપર નજર રાખશે. ખાસ કરીને જનધન ખાતાંઓમાં થતી ડિપોઝીટ ઉપર સરકાર ચાંપતી નજર રાખશે કેમકે સામાન્ય રીતે આ ખાતાંઓ ગરીબોનાં હોય છે. જો તે ખાતાંઓમાં રૂ. ૨,૦૦૦ની નોટો વડે મોટી રકમ જમા થાય તો તેના ઉપર સરકાર આવકવેરા કાયદા અંતર્ગત કાર્યવાહી કરી શકે છે. દરેક બેન્કને શંકાસ્પદ વહેવારોની જાણ કરવાનું કહેવામાં આવ્યું છે.

મોટી રકમ ખાતાંમાં જમા કરવી, ઓછા વપરાશમાં હોય તેવાં ખાતાંઓમાં એકસાથે રકમનું જમા થવું, ખાતાંમાં અનેક વાર ચલણી નોટોને જમા કર્યા બાદ તરત ઉપાડી લેવી, જેવા અનેક શંકાસ્પદ વહેવારો બેન્ક દ્વારા સરકારના આવકવેરા વિભાગને જણાવવામાં આવશે, જેના આધારે સરકાર લોકોનાં ખાતાંઓની ચકાસણી કરી શકશે. વર્ષ ૨૦૧૬ના ડિમોનેટાઈઝેશન વખતે પણ સરકાર દ્વારા શંકાસ્પદ વ્યવહારોની ચકાસણી કરવામાં આવી હતી અને અનેક લોકોને સજા પણ થઈ હતી.

વર્ષ ૨૦૧૬માં રૂ. ૫૦૦ અને રૂ. ૧,૦૦૦ની નોટોને સરકાર દ્વારા રાતોરાત રદ કરવામાં આવી હતી. હાલમાં પરિસ્થિતિ અલગ છે. વર્ષ ૨૦૧૬ના નિર્ણય અને હાલની જાહેરાતમાં શું ફરક છે? તે સમજવું જોઈએ. રૂ. ૫૦૦ અને રૂ. ૧,૦૦૦ની નોટોનું મૂલ્ય કુલ વ્યવહારમાં ફરતી નોટોના મૂલ્ય સામે ૮૬ ટકા જેટલું હતું. સરકારે રાતોરાત વ્યવહારમાં ફરતી મહત્તમ નોટોને રદ જાહેર કરી દીધી હતી. આજે વ્યવહારમાં ફરતી રૂ. ૨,૦૦૦ની નોટોનું મૂલ્ય કુલ નોટોના મૂલ્યની સરખામણીમાં ફક્ત ૧૦.૮ ટકા જ છે.

તે ઉપરાંત આ નોટોને રદ નથી કરવામાં આવી અને તેથી તેનો ઉપયોગ કરી શકાય છે. તે ઉપરાંત સરકારે આ નોટોને બદલવા માટે ચાર મહિના કરતાં વધુ સમય આપ્યો છે. બેન્કોમાં પણ લોકોના ધસારાને પહોંચી વળવા માટે પર્યાપ્ત સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ નોટોનું પ્રમાણ ચલણમાં ઓછું હોવાને કારણે વર્ષ ૨૦૧૬ની સરખામણીમાં લોકોનો ધસારો ઓછો હશે અને નોટ બદલવા માટે લાંબી કતારોમાં ઊભા નહીં રહેવું પડે એવું ધારવામાં આવે છે.

૨૦૧૮ના માર્ચમાં વ્યવહારમાં વપરાતી રૂ. ૨,૦૦૦ની નોટોનું કુલ મૂલ્ય ૬.૭૩ લાખ કરોડ રૂપિયા હતું, જે કુલ ચલણી નોટોના મૂલ્યના ૩૭.૩ ટકા હતું. તેનું વ્યવહારમાં મૂલ્ય ૩.૬૨ લાખ કરોડ રૂપિયા છે જે કુલ મૂલ્યના ૧૦.૮ ટકા જ છે. વળી આરબીઆઈ પણ ધીરે ધીરે રૂ. ૨,૦૦૦ની નોટોને ચલણમાંથી ઓછી કરી રહી હતી. માર્ચ ૨૦૨૦માં રૂ. ૨,૦૦૦ની ૨૭૪ કરોડ નોટો ચલણમાં હતી, જે ત્રણ વર્ષના ગાળામાં ઘટીને આજે ૨૧૪ કરોડ જેટલી થઈ ગઈ છે. એવું લાગે છે કે રૂ. ૨,૦૦૦ની નોટોને વહેલી કે મોડી ચલણમાંથી દૂર કરાઈ રહી હતી અને ઉપરના વલણને જોતાં અમુક વર્ષોમાં આ નોટો જોવા મળતી બંધ થઈ જાત. આ નોટને અચાનક ચલણમાંથી દૂર કરાઈ છે તેમ ન કહેવાય.

ડિમોનેટાઈઝેશન પહેલાં વર્ષ ૨૦૧૩–૧૪માં આરબીઆઈ અમુક ચલણી નોટોને વ્યવહારમાંથી દૂર કરવાનો નિર્ણય લઈ ચૂકી છે. તે સમયે વર્ષ ૨૦૦૫ પહેલાં છપાયેલી દરેક ચલણી નોટોને આરબીઆઈ દ્વારા ચલણમાંથી દૂર કરવામાં આવી હતી. આરબીઆઈ દ્વારા સમયાંતરે ચલણી નોટો બદલાવવામાં આવે છે એવું દેખાઈ રહ્યું છે. સમયાંતરે ચલણી નોટો બદલવાથી કાળું નાણું લાંબા સમય સુધી સંઘરી નથી શકાતું અને કરચોરી કરનારા પકડાઈ જાય છે; જેને ‘ક્લિન નોટ પોલિસી’ કહેવામાં આવે છે. તે ઉપરાંત બેન્કો પાસે જ્યારે તરલતા ઘટી જાય છે ત્યારે પણ તે ચલણી નોટોને પાછી ખેંચવા દ્વારા આ તરલતા વધારી દે છે. બીજાં જે પણ કારણો હોય, પરંતુ સરકાર અને આરબીઆઈ સમયાંતરે ચલણી નોટો પાછી ખેંચતી રહેશે અને તેના માટે તૈયાર રહેવું પડશે.

Most Popular

To Top