SURAT

CCTV: સુરતમાં દિનદહાડે 28 લાખની સનસનીખેજ લૂંટ: ત્રણ ઈસમો બાઈક પર લટકાવેલો થેલો ઝૂંટવી ગયા

સુરત: (Surat) સુરત શહેરના ઉધના (Udhna) વિસ્તારમાં આજે બુધવારે સનસનીખેજ લૂંટનો (Robbery) બનાવ બન્યો છે. અહીં બપોરના સમયે સૈંકડો લોકોની વચ્ચે વાહનોના ટ્રાફિકથી ધમધમતા રોડ પર એક બાઈક પર આવેલા ત્રણ ઈસમો બિન્ધાસ્તપણે રૂપિયા 28 લાખની રોકડ ભરેલો થેલો આંચકી ભાગી ગયા છે. આ લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. લૂંટની માહિતી મળતા જ ઉધના પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફૂટેજની મદદથી લૂંટારાઓને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે.

  • અમદાવાદી નાયલોનની દુકાન પાસે બની ઘટના
  • એક બાઈક પર આવેલા ત્રણ શખ્સો થેલો આંચકી ગયા
  • સગરામપુરાની સાંઈ સિદ્ધી અને સાંઈ સમર્થ એજન્સીનો કર્મચારી લૂંટાયો
  • પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારાઓની શોધખોળ આદરી

આ કેસની મળતી વિગત અનુસાર, આજે ઉધના પોલીસ સ્ટેશનની હદમાં લૂંટનો સનસનીખેજ બનાવ બન્યો છે. અહીંના સગરામપુરા વિસ્તારમાં સાંઈસિદ્ધી અને સાંઈ સમર્થ એજન્સી આવેલી છે. આ એજન્સી મની ટ્રાન્સફર (Money Transfer) અને મની કલેક્શનનું કામ કરે છે. એજન્સીના કર્મચારી જગદીશ મોહન ચોક્સી તેમના ડેઈલી શિડ્યુલ અનુસાર આજે બપોરે એજન્સીની ઓફિસ પરથી નીકળી સચીન, ઉન, ભેસ્તાન અને પાંડેસરાના ડીલરો પાસે ગયા હતા. ડીલરો પાસેથી મનીનું કલેકશન કરી તેઓ બપોરના સમયે ઘર તરફ જઈ રહ્યાં હતા. દરમિયાન જગદીશ ચોક્સી બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે નવસારી ઉધનાના સર્વિસ રોડ પર અમદાવાદી નાયલોન ખમણ પાસે ગયા હતા. અહીં તેઓએ પોતાની બાઈક થોડી ધીમી પાડી હતી. ત્યારે પાછળથી ટ્રીપલ સીટ આવેલા બાઈકસવારો જગદીશભાઈએ પોતાની બાઈક પર લટકાવેલો થેલો આંચકીને ભાગી ગયા હતા. બાઈક સવાર લૂંટારાઓ દ્વારા થેલો આંચકવાના લીધે જગદીશ ચોક્સીની બાઈક રસ્તા પર આડી પડી ગઈ હતી. જગદીશભાઈ કંઈ સમજે તે પહેલાં તો ત્રણેય લૂંટારા બાઈક પર ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર લૂંટની ઘટના નજીકની શોપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જગદીશ ચોક્સીની ફરિયાદ અનુસાર થેલામાં 28 લાખથી પણ વધુ રોકડ રકમ હતી. જગદીશ ચોક્સીની ફરિયાદને આધારે ઉધના પોલીસે તપાસ શરૂ કરી છે. રૂપિયા 28 લાખની માતબર રકમની લૂંટનો કોલ મળતા ઉચ્ચઅધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

Most Popular

To Top