Comments

‘હોર્ન ઓફ આફ્રિકા’થી ગલ્ફ દેશોમાં સ્થળાંતર કરનારાઓમાં વધારો ચિંતાજનકઃ યુએન

આજીવિકા અને સલામત આશ્રયસ્થાનની શોધમાં સ્થળાંતર વર્ષોથી થતું રહ્યું છે. પરંતુ તાજેતરમાં આવા લોકોની સંખ્યામાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ (યુએન)ની એજન્સી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM)ના વડાના જણાવ્યા અનુસાર ‘હોર્ન ઑફ આફ્રિકા’થી યમનના માર્ગે ગલ્ફ દેશોમાં સ્થળાંતર કરતી સ્ત્રીઓ અને બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જે ચિંતાનું કારણ છે. ઇથિયોપિયા, સોમાલિયા અને જિબુટીથી યમનના ‘પૂર્વીય સ્થળાંતર માર્ગ’તરીકે જાણીતા ખતરનાક માર્ગે સ્થળાંતરમાં પાછલા વર્ષમાં ૬૪ ટકાનો વધારો જોવા મળ્યો છે.

જેમાં સારી આજીવિકા મેળવવા માંગતા લોકો ઉપરાંત મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો એકલા મુસાફરી કરી રહ્યા હોવાનું IOMના ડિરેક્ટર જનરલ એન્ટોનિયો વિટોરિનોએ જણાવ્યું હતું. આ માર્ગે વર્ષોથી સ્થળાંતર થતું રહ્યું છે અને વચ્ચે આવતા રણને મોટે ભાગે પગપાળા જ પાર કરવું પડે છે માટે આવા ખતરનાક પ્રવાસમાં સ્ત્રીઓ અને બાળકો સામેલ નહોતા થતા. માત્ર પુરુષો તેમના પરિવારને પાછળ છોડીને નોકરીની શોધમાં અને ઘરે બે પૈસા પાછા મોકલવાની આશામાં સ્થળાંતર કરતા હતા.

યમનના માર્ગે સ્થળાંતર કરનારા ૧૦ લાખથી વધુ માઈગ્રન્ટ્સને મદદરૂપ થવાના ઉદ્દેશ્યથી IOMએ કેન્યા ખાતે ૮૪ મિલિયન ડોલરનું ફંડ એકત્ર કરવાના કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે જેમાં હાજર વિટોરીનોએ જણાવ્યું હતું કે જેમજેમ સ્થળાંતર કરનારાઓની સંખ્યા વધી રહી છે તેમતેમ જોખમ પણ વધી રહ્યું છે. આ માર્ગ ગુનાહિત ટોળકી માટે સંવેદનશીલ વિસ્તાર છે અને રણપ્રદેશના માર્ગે પ્રવાસ કરતાં લોકોને બળાત્કાર, હિંસા અને દાણચોરી સામે રક્ષણ આપવાની જરૂર છે. સ્થળાંતર કરનારાઓમાં કેટલાક આવા જોખમોથી અજાણ હોય છે ઉપરાંત યમનમાં ચાલી રહેલ ગૃહયુદ્ધથી પણ ખતરો રહેલો છે.

વિટોરીનોએ કહ્યું કે યુએનની સ્થળાંતર સંસ્થાએ આવા જોખમો અંગે જાગૃતિ વધારવાની જરૂર છે. સ્થળાંતર માટે પગપાળા મુસાફરી કરનારાઓને સંસ્થાએ મૂળભૂત આરોગ્યસેવા અને અન્ય સેવાઓ પ્રદાન કરવી જોઈએ. ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં આવા લોકોને તેમના મૂળ દેશોમાં પાછા પહોંચાડવા જોઈએ. વિટોરીનોએ જણાવ્યું હતું ગયા વર્ષે IOMએ ઇથોપિયાના ૨૭૦૦ માઇગ્રન્ટ્સને સ્વૈચ્છિક રીતે પાછા ફરવા સમજાવી પરત પહોંચ્યા હતા અને તેઓ પોતાના મૂળ પ્રદેશોમાં પાછા ફર્યા પછી તેમને જરૂરી સહકાર અને સહાય પૂરી પાડી હતી.

પશ્ચિમ આફ્રિકાથી લિબિયા થઈને યુરોપમાં સ્થળાંતર પણ વધી રહ્યું છે, અને આ સ્થળાંતર કરનારાઓની દુર્દશા, ખાસ કરીને સંઘર્ષગ્રસ્ત લિબિયામાં જેમની અટકાયત કરવામાં આવી છે, તે વૈશ્વિક ચિંતાની બાબત છે. લિબિયામાં આવેલા આવા અધિકૃત અટકાયત કેન્દ્રો વિષેની જાણકારી IOM પાસે છે અને માટે તેઓ આવા લોકોનો સંપર્ક સાધી તેમને મદદ પહોંચાડી શકે છે. પરંતુ આ સિવાયના બિનસત્તાવાર અટકાયત કેન્દ્રોમાં પ્રવેશ મેળવવાનું યુએન સંસ્થા માટે શક્ય નથી, જે મોટી ચિંતાનો વિષય છે. આવા કેન્દ્રોના વ્યાપક દુરુપયોગના અહેવાલો પણ છે. લિબિયાની રાજકીય અસ્થિરતાને કારણે બિનસત્તાવાર અટકાયત કેન્દ્રોને તોડી પાડવા માટે જરૂરી રાજકીય સહકાર મેળવવાનું મુશ્કેલ બની જાય છે.

એવામાં અટકાયતમાં રહેલા લોકોને સંખ્યા ઘટાડવાનો સૌથી સરળ ઉપાય છે કે લોકો આવા જોખમી માર્ગે સ્થળાંતર ન કરે. આ માટે IOM વધુ ને વધુ લોકોને સ્થળાંતર ન કરવા સમજાવી સ્વૈચ્છિકને પાછા વાળવાનો કાર્યક્રમ ચલાવી રહી છે. જોકે આમ કરવું પણ આસાન તો નથી જ. લોકો પાછા વળવા સંમત થાય તો પણ તેમને લિબિયાથી પરત પહોંચાડવા પૂરતી ફ્લાઇટ્સ જ ઉપલબ્ધ નથી. વિટોરીનોના મતે વધતા સ્થળાંતર તરફ દોરી જતાં પરિબળો, જેવાં કે જળવાયુ પરિવર્તન અને પ્રાદેશિક સંઘર્ષના ઉકેલ તરફ પૂરતું ધ્યાન આપવામાં આવે તો પોતાના ઘરથી દૂર જતા લોકોની સંખ્યા ઘટાડી શકાય છે. તેમણે સ્થળાંતર કરનારાઓ માટે કાનૂની સ્થળાંતર માર્ગોને અનુસરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top