Comments

ઇન્વેસ્ટર્સ સમિટ યુપી પ્લસ યોગી બરાબર ઉપયોગી

યોગી આદિત્ય નાથે ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસનો અભ્યાસ કર્યો નથી, પરંતુ હૃદયમાં લોકોનું ભલું કરવાની ધગશ હોય, ન્યાયની ભાવના સાથે તમામ નાગરિકો અને તમામ ગુંડાઓ, દેશદ્રોહીઓ અને અરાજકતાવાદીઓ માટે એક જ છાપ અને કાટલાં હોય તો શ્રેષ્ઠ આઈએએસ અધિકારીઓ પણ પાણી ભરે. આઈએએસ લોબીના અફસરો કાબેલ અને બાહોશ હશે, પણ રડયાખડયા અપવાદોને બાદ કરતાં ભ્રષ્ટ છે. તેઓએ સગા-સમાજમાં ધનવાન અને સત્તાશીલ હોવા સિવાય ખાસ કશું પુરવાર કરવાનું હોતું નથી. નેતાઓ પણ એ જ કુળમાં આવે. પણ યોગી આદિત્યનાથ અલગ છે.

એમણે સતત ન્યાય અને તર્કસંગત પરિશ્રમ વડે ઉત્તરપ્રદેશની શકલ બદલી નાખી છે, જયાં આઝમ ખાનની આડકતરી છતાં સીધા શાસન હેઠળ એક ગેરકાનૂની રીતે બંધાયેલી ધાર્મિક સ્થળની દિવાલ તોડી પાડવા બદલ દુર્ગાશક્તિ નાગપાલ નામની પ્રામાણિક આઈએએસ અધિકારીને નોકરીમાંથી સસ્પેન્ડ કરાઈ હતી. રેતી માફિયા સામે પગલાં લેનાર અધિકારીને કોઇ મુકદ્દમામાં ફસાવી દેવાનો હતો. પેશકદમી કરવી એ પ્રધાનોનું મુખ્ય કામ હતું અને પોલીસ સ્ટાફને આઝમખાનની ભેંસો શોધવા માટે સરકારી જીપો સાથે મોકલાતી હતી.એ આઈએએસ અને આઈપીએસ બાબુઓએ રોજના ધોરણે પ્રધાનોની ભેંસો પણ ચરાવી આપી હશે. એ અખિલેશ યાદવ આજે બોલે કે ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે ત્યારે એ પ્રજાને બુદ્ધુ જ સમજતો હશે ને?

યુપીમાં કાયદો અને વ્યવસ્થા યોગીજી સત્તા પર આવ્યા ત્યાં સુધી તો ત્રીસેક વરસ સાવ ખાડે ગયાં હતાં. માયાવતીના સમયમાં ચાર ચાર આરોગ્ય સચિવોએ એક પછી એક આત્મહત્યા કરવી પડી હતી અથવા ઘટનાઓને આત્મહત્યાઓમાં ખપાવી દેવાઈ હતી. સતત ટંટા, ફિસાદ, તોફાનો, હાઈ વે પર કરપીણ લૂંટની અસંખ્ય ઘટનાઓ. આવી છાપ હોય ત્યારે કોઇ બિઝનેસ મેન તો શું, કોઇ ભોજિયો પણ રાજ્યમાં મૂડીરોકાણ ન કરે. યુપીના લોકો (અને બિહારીઓ પણ રાજ્યમાંથી સતત પલાયન કરતા રહ્યા. તેઓ મોટી નોકરીઓ કે પદો મેળવી શકે એટલા શિક્ષિત ન હતા.આજે પણ નથી. દેશનાં લગભગ તમામ સમૃદ્ધ રાજ્યો પંજાબ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ વગેરેમાં જઈને તેઓ વસ્યા છે.

પૈસાની ખાસ સગવડ જ હતી. ખાસ કરીને તેઓ ઝૂંપડાંઓ બાંધી વસે, જે રાજયમાં રહે છે ત્યાં મેણાં ટોણાં સાંભળવાં પડે. અમુક લોકો એમને નફરત કરે. આ ઘરઆંગણે ગરીબી મોં ફાડીને ઊભી હોય ત્યારે અપમાનો સહન કરીને તેઓએ નાનાં મોટાં કામ ચાલુ રાખ્યાં. પૈસાના અભાવમાં મનમાં લાલચ ઘર કરી જાય છે એ વૃત્તિ પણ તેઓમાં વધારે પ્રમાણમાં જોવા મળી. છતાં એકંદરે બહુમતિ સમુદાય સખત મહેનત કરીને ઉપાર્જન કરે. તેઓએ એમની નવી પેઢીઓને જે રાજ્યમાં સ્થાયી થયા ત્યાં ભણવી છે. મુંબઇમાં યુપીની નવી પેઢીએ શિક્ષણ વગેરેમાં સારુ કાઠું કાઢયું છે. દરમિયાન હવે ઉત્તર પ્રદેશમાં પણ એક એવી ઔદ્યોગિક ભૂમિ અથવા સ્ટેજ તૈયાર થઇ રહ્યું છે, જેમાં તેઓને વતન પાછા ફરીને કૌશલનો ઉપયોગ કરીને સુખી થવાની તક મળશે.

ઉત્તરપ્રદેશનો, યોગીથી દાઝેલો એક વર્ગ અકારણ ધાર્મિક વિવાદો પેદા કરી વિકાસની ગાડીને ખેરવી નાખવા મથી રહ્યો છે. યોગીને ફરક પડતો નથી. રામચરિત માનસનો વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે યોગીજી લખનૌ ખાતે, ત્રણ દિવસની ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ખાસ વ્યસ્ત હતા. આ કોઈ યાદવ પરિવારનો ચણિયાની નાડીઓ માપવાનો સૈફઇ ઇવન્ટ ન હતો. પણ જગતભરના ઉદ્યોજકોને યુપીમાં નિવેશ માટે આમંત્રણનો પ્રસંગ હતો. મુકેશ અંબાણી, કુમાર મંગલમ, બિરલા જેવા દસ હજાર (રિપિટ દસ હજાર) થી વધુ ઉદ્યોગપતિઓએ તેમાં હાજરી આપી હતી. દસ ફેબ્રુઆરીએ વડા પ્રધાન મોદી સાહેબે ગ્લોબલ સમિટનું ઉદ્દઘાટન કર્યું હતું.એ બોલ્યા કે ‘યુપી પ્લસ યોગી બરાબર ઉપયોગી’. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ‘અગાઉ યુપીમાં મૂડી રોકાણ વેસ્ટ (બગાડ) જતું હતું,આજે બેસ્ટ બને છે’ એમણે કહ્યું કે યોગી સરકારના શાસન હેઠળ ઉત્તરપ્રદેશમાં નાણાં રોકાણ માટેનું શ્રેષ્ઠ વાતાવરણ છે.

આ સમિટમાં સાડા તેંત્રીસ લાખ કરોડ રૂપિયાના મૂડી રોકાણના પ્રસ્તાવો મળ્યા છે. પ્રસ્તાવોમાંથી બધું જ મૂડીરોકાણ વધતું નથી છતાં માતબર આવે છે. તે માટે આગળ અને પાછળ બધી વ્યવસ્થા કરવી પડે. ઉત્તર પ્રદેશમાં કાયદો-વ્યવસ્થાને દુરસ્ત કરવામાં જ યોગીજીએ સખત કડકાઈથી કામ લીધું છતાં પાંચ વરસ લાગી ગયાં. અગાઉ તો નાના નાના, છૂટભૈયા રોમિયો લોકોને નિરાંતે રહેવા દેતાં ન હતા. યોગીજીએ કહ્યું કે કુલ આટલી મોટી રકમના પ્રસ્તાવો યુપીમાં મૂડી રોકાણ માટે મળશે એવી કલ્પના પણ કરી ન હતી. પાંચ મહિના અગાઉ તૈયારીઓની શરૂઆત થઇ ત્યારે સવા અગિયાર લાખ કરોડનું લક્ષ્ય રખાયું હતું.

આ ત્રિદિવસીય પરિષદનું દક્ષિણ લખનૌના વિશાળ ક્ષેત્રમાં આધુનિક ઢબે આયોજન થયું હતું.અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ અને ભવિષ્ય બતાવાય તો જ રાજય પ્રગતિશીલ છે તેવી છાપ ઠસાવી શકાય. પરંતુ અનેક પંડાલો ઊભાં કરાયાં હતાં તેને ભારતના પ્રાચીન ઋષિમુનિઓનાં નામો અપાયાં હતાં.જેમ કે ચાર પંડાલોમાંથી એકનું નામ વ્યાસ, બીજાનું દધીચિ, ત્રીજાનું ભારદ્વાજ અને ચોથાનું વસિષ્ઠ. વિમાનો માટેનું એક ભવ્ય હૈંગર તૈયાર કર્યું હતું. ત્યાં દેશી વિદેશી મહેમાનો સીધાં પોતાનાં વિમાનોમાં આવી પહોંચતાં હતાં. એ હેંગરને ‘વાલ્મીકિ’ નામ આપ્યું હતું. જે પંડાલો અને પેવેલિયનોને ઋષિ મુનિઓનાં નામ અપાયાં તેનાં મુખ્ય દ્વાર પર એ ઋષિનું જીવનકવન લખવામાં આવ્યું હતું. પ્રમાણમાં નાના પેવેલિયનોને દેશની નદીઓનાં નામ આપ્યાં હતાં. એ સંદેશો વહેતો કરાયો હતો કે ભારત પોતાની પ્રાચીન વૈદિક પરંપરાને જાળવીને ઉદ્યોગ અને વિજ્ઞાન ક્ષેત્રમાં આગળ વધવા માગે છે. રામ અને સીતાની જીવનલીલા દર્શાવતા 28 જેટલાં વિશાળ ચિત્રો થર્મોકોલ પર દોરવામાં આવ્યાં હતાં.

રામ મંદિર, બાંકેબિહારી મંદિર, કૃષ્ણ બલરામ મંદિર અને કૃષ્ણ જન્મભૂમિ મંદિરની સુંદર પ્રતિકૃતિઓ ગોઠવવામાં આવી હતી. હોર્ડિંગો દ્વારા ઉત્તરપ્રદેશના વિવિધ સાંસ્કૃતિક વારસાનો પણ પરિચય અપાયો હતો. કથક નૃત્યો, ભજન કીર્તન વગેરેનું આયોજન કરાયું. કાર્યક્રમના અંતે 600 ડ્રોન વિમાનોની મદદ વડે ઉત્તરપ્રદેશના સાંસ્કૃતિક અને  આધ્યાત્મિક વારસનો અદ્દભુત રીતે પરિચય કરાવવામાં આવ્યો. આકાશમાં ઊંચે રામ અને રામંદિરની થ્રીડી આકૃતિઓ જોઈને હાજર રહેલા લોકો દંગ રહી ગયાં અને લોકોએ લાંબો સમય સુધી તાળીઓનો ગડગડાટ ચાલુ રાખ્યો. હવે એ તાળીઓના ગડગડાટને કાયમી સુખનું સ્વરૂપ આપવાનું કામ યોગીજીએ જ કરવાનું રહે છે.
  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top